અમદાવાદ: રાજ્યની 6 મહાનગરપાલિકાની ચૂંટણી માટે આજે પ્રચાર પડઘમ શાંત થશે. 21 ફેબ્રુઆરીએ મહાનગરપાલિકા માટે મતદાન યોજાશે. મતદાન પહેલા અમદાવાદમાં અનેક જગ્યાએ પોસ્ટર લાગ્યા છે. જેમાં “બેરોજગારીનો માર, હવે તો સાંભળો સરકાર” લખેલુ છે. સાથે જ નીચે મોટા અક્ષરોમાં ભરતી નહી તો મત નહી પણ લખેલુ છે. મતદાન પહેલા શહેરમાં પોસ્ટર લાગતા ભાજપની ઉંઘ ઉડી ગઇ છે.
મણિનગર વોર્ડમાં લાગ્યા પોસ્ટર
અમદાવાદમાં ભાજપના ગઢ ગણાતા મણિનગર વોર્ડમાં જ મતદાન પહેલા શિક્ષિત બેરોજગાર યુવાનો દ્વારા પોસ્ટર લગાવવામાં આવ્યા છે. ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 37ના પોસ્ટર ઉપર જ બેરોજગારીનો માર, હવે તો સાંભળો સરકારના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. આ પોસ્ટરમાં ભરતી નહી તો મત નહીની પણ માંગ કરવામાં આવી છે. પોસ્ટરમાં સાથે જ બીજી પણ કેટલીક માંગ કરવામાં આવી છે.
– LRD પુરૂષ ઉમેદવારોને ન્યાય ક્યારે?
– 5 વર્ષથી નિમણૂંક માટે રઝળતા ડિપ્લોમાં એન્જીનીયરીંગ કોલેજોમાં GPSC દ્વારા પસંદ પામેલા 276 લેક્ચરરને નિમણૂક ક્યારે?
– 2 વખત રદ થયેલી બિન સચિવાલયની પરીક્ષા ક્યારે?
– વર્ષોથી અટકેલી તલાટી, ફોરેસ્ટ, TET, MEGA અને અન્ય ભરતીઓ ક્યારે?
– LRD, GPSC, SRPFના ઉમેદવારો પર ખોટી રીતે કરેલા કેસ પાછા ખેચવામાં આવે. સાથે જ નીચે ના ચોર છું, ના ચોકીદાર છું. હું તો ગુજરાતનો શિક્ષિત બેરોજગાર છું.
આ પણ વાંચો: ચૂંટણીની બબાલઃ વડોદરામાં ‘ગાંધી તુહારે બંદર, સાતવ, ચાવડા, ભરત કે અંદર’ હોર્ડિંગથી વિવાદ
મહત્વપૂર્ણ છે કે 21 ફેબ્રુઆરીએ અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે મતદાન યોજાશે જ્યારે 23 ફેબ્રુઆરીએ ચૂંટણીના પરિણામ જાહેર કરવામાં આવશે.