ગુરુગ્રામ: હરિયાણાના ગુરુગ્રામ શહેરમાં મંગળવારે સાંજે એક દર્દનાક અકસ્માત સામે આવ્યો છે, જેમાં સેલ્ફી લેવાના ચક્કરમાં ચાર યુવકો (સેલ્ફી વિથ ટ્રેન)ના મોત થઇ ગયા છે. અહેવાલો અનુસાર, સેલ્ફી લેતી વખતે ટ્રેનની અડફેટે આવેલા 4 યુવકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આ યુવકો જન શતાબ્દી એક્સપ્રેસની અડફેટે આવી ગયા હતા.
ઘટનાસ્થળે પહોંચેલી જીઆરપી પોલીસ યુવકોની ઓળખ કરવામાં વ્યસ્ત છે. આ ઘટના બસાઈ ધનકોટ રેલવે સ્ટેશન પાસે બની હતી. જન શતાબ્દી એક્સપ્રેસ ગુરુગ્રામ રેલ્વે સ્ટેશનથી સાંજે 4.48 કલાકે ઉપડી હતી.
એક દિવસ પહેલા જ સેલ્ફી લેવાના જુસ્સામાં આવી જ એક ખતરનાક ઘટના પશ્ચિમ બંગાળમાં બની હતી. બંગાળના મિદનાપુરમાં કોસી નદીના રેલ્વે બ્રિજ પર સેલ્ફી લેવાનો પ્રયાસ કરતી વખતે એક યુવક લોકલ ટ્રેનની અડફેટે આવી ગયો હતો. જેમાં બે યુવકોના મોત થયા હતા.
જ્યારે એકને ગંભીર ઇજા પહોંચી હતી. જીઆરપીના જણાવ્યા અનુસાર, સેલ્ફી લેતી વખતે તે ટ્રેનની સ્પીડને ધ્યાનમાં લીધા વિના સમયસર પાટા પરથી ઉતરી શક્યો ન હતો અને હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. જાણકારોના મતે, યુવાનોનું એક જૂથ રેલવે ટ્રેક પાસે પિકનિક માટે આવ્યું હતું અને તેઓ રેલવે ટ્રેક પર મિત્રો સાથે સેલ્ફી લેવા માટે સમય પસાર કરી રહ્યા હતા. ત્યારબાદ મિદનાપુરથી હાવડા તરફ આવતી એક લોકલ ટ્રેન આવી અને યુવકોને કચડીને નીકળી ગઈ.