Gujarat Exclusive > દેશ-વિદેશ > મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 10 લાખને પાર, 24 કલાકમાં સૌથી વધુ નવા કેસ

મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 10 લાખને પાર, 24 કલાકમાં સૌથી વધુ નવા કેસ

0
75

મુંબઈ: મહારાષ્ટ્રમાં 11 સપ્ટેમ્બરે કુલ કોરોના પોઝિટિવ કેસ (Corona Positive Case) ની સંખ્યા 10 લાખને પાર પહોંચી ચૂકી છે. દરરોજ નવા પોઝિટિવ કેસોનો નવો રેકોર્ડ સર્જાઈ રહ્યો છે. અગાઉ 6 સપ્ટેમ્બરે જ કોરોના સંક્રમિતો (Corona Case)ની સંખ્યા 9 લાખને પાર પહોંચી હતી. આમ માત્ર 5 દિવસની અંદર જ એક લાખ નવા કેસ સામે આવ્યા છે.

માત્ર મુંબઈ શહેરમાં જ છેલ્લા 24 કલાકની અંદર 2119 નવા પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. જ્યારે આજ સમયગાળા દરમિયાન વધુ 44 લોકોના મરણ નોંધાયા છે.

મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય વિભાગ તરફથી રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર, આજે રાજ્યમાં Covid-19ના કેસોમાં 24,886નો ઉમેરો થયો છે. જ્યારે રાજ્યભરમાંથી વધુ 393 લોકો કોરોનાના કારણે મોતને ભેટ્યાં છે.

આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 10,15,681 પર પહોંચી ચૂકી છે. જ્યારે અત્યાર સુધી 28,724 લોકોને જીવલેણ કોરોના ભરખી ચૂક્યો છે.

આ પણ વાંચો: JEE Main પરીક્ષાનું પરિણામ જાહેર, આ રીતે ડાયરેક્ટ લિંકથી ચેક કરો સ્કોર

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 14,308 કોરોના દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થનારા લોકોની સંખ્યા પણ વધીને 7,15,023 પર પહોંચી ચૂકી છે. મહારાષ્ટ્રમાં કોરોના દર્દીઓનો રિકવરી રેટ 70.4 ટકા છે, જ્યારે મૃત્યુદર 2.83 ટકા છે. રાજ્યમાં અત્યાર સુધી 50.72 લાખ લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

રાજ્યમાં કોરોનાના પોઝિટિવિટી ટેસ્ટનો રેટ 20 ટકા છે. જ્યારે 16,47,742 લોકો હોમ ક્વારન્ટાઈનમાં અને 38,487 ઈન્સ્ટીટ્યૂશનલ ક્વારન્ટાઈનમાં છે.

જણાવી દઈએ કે, દેશમાં કોરોના વાઈરસનો ગ્રાફ ઝડપથી વધી રહ્યો છે. દેશમાં COVID-19ના કુલ કેસો 45 લાખને પાર પહોંચી ચૂક્યાં છે. એક જ દિવસમાં 96,000 કરતાં વધુ કોરોના સંક્રમિતો મળી આવ્યાં છે. આ એક દિવસમાં સામે આવેલા કોરોના દર્દીઓનો અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે.

ગત 24 કલાકમાં 96,551 નવા કેસો સામે આવવા સાથે જ દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 45,62,414 પર પહોંચી ચૂકી છે. જ્યારે વધુ 1209 લોકોના મરણ સાથે જ અત્યાર સુધી કોરોનાના કારણે મોતને ભેટનારા લોકોનો આંકડો પણ વધીને 76,271 પર પહોંચી ચૂક્યો છે.

જો કે રાહતની વાત એ છે કે, કોરોનાને માત આપનારા લોકોની સંખ્યા પણ સતત વધી રહી છે. મંત્રાલય તરફથી પ્રાપ્ત આંકડા અનુસાર, છેલ્લા એક જ દિવસમાં 70,880 દર્દીઓ કોરોનાને માત આપીને સ્વસ્થ થઈ ચૂક્યાં છે. અત્યાર સુધી 35,42,663 દર્દીઓ સારવાર બાદ સ્વસ્થ થયા છે. આમ દેશમાં કોરોના રિકવરી રેટ 77.64 ટકા પર પહોંચી ગયો છે.

હાલ દેશમાં એક્ટિવ કેસ 20.67 ટકા જ છે. જ્યારે મૃત્યુદર 1.67 ટકા અને પોઝિટિવિટી રેટ 8.29 ટકા છે. દેશમાં બાલ 9,43,480 જ એક્ટિવ કેસ છે.