Gujarat Exclusive > દેશ-વિદેશ > અનલૉક-2ની ગાઈડલાઈન્સ જાહેર, જાણો ક્યાં મળશે છૂટ અને શેના પર રહેશે રોક?

અનલૉક-2ની ગાઈડલાઈન્સ જાહેર, જાણો ક્યાં મળશે છૂટ અને શેના પર રહેશે રોક?

0
771

નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા અનલૉક-2ની ગાઈડલાઈન્સ જાહેર કરી દેવામાં આવી છે. આ નવા નિયમો 1-જુલાઈ સુધી લાગૂ રહેશે. વાસ્તવમાં અનલૉક-1ની મુદ્દત 30-જૂને સમાપ્ત થઈ રહી છે. આ સાથે અનલૉક-2નું એલાન કરવામાં આવ્યું છે. જેમાં અનેક ગતિવિધિઓની છૂટ આપવામાં આવી તો છે, પરંતુ કેટલાક પ્રતિબંધો સાથે. કન્ટેનમેન્ટ ઝોનમાં સખ્તી યથાવત રહેશે, જ્યારે કન્ટેનમેન્ટ ઝોનની બહારના વિસ્તારોમાં છૂટ આપવામાં આવશે. તો ચાલો તમને જણાવીએ કે, અનલૉક-2માં તમને કંઈ-કંઈ છૂટ મળવા જઈ રહી છે.

► અનલૉક-2માં અહીં મળશે છૂટ
અનલૉક-2માં કન્ટેનમેન્ટ ઝોનની બહાર કેટલીક બાબતો માટે કેન્દ્રીય ગૃહમંત્રાલય તરફથી છૂટ આપવામાં આવી છે.

→ મર્યાદિત સંખ્યામાં ડોમેસ્ટિક ફ્લાઈટો અને પેસેન્જર ટ્રેનોની મંજૂરી આપવામાં આવી છે. જે આગળ પણ યથાવત રહેશે
→ વંદે ભારત મિશન અંતર્ગત નિયમો સાથે મુસાફરોને ઈન્ટરનેશનલ ફ્લાઈટમાં મુસાફરીની મંજૂરી આપવામાં આવી છે. જે આગળ પણ યથાવત છે.
→ રાત્રી કરફ્યૂનો સમય બદલવામાં આવ્યો છે અને હવે તે રાત્રે 10 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી રહેશે
→ દુકાનોમાં 5 લોકોથી વધુ એકઠા થઈ શકે છે, પરંતુ આ માટે સોશિયલ ડિસ્ટન્સિંગનું સંપૂર્ણ ધ્યાન રાખવાનું રહેશે
→ 15 જુલાઈથી કેન્દ્ર અને રાજ્ય સરકારોના ટ્રેનિંગ ઈન્સ્ટીટ્યૂટમાં કામકાજ શરૂ થઈ શકશે
→ અલગ-અલગ રાજ્ય સરકારો સાથે ચર્ચા-વિચારણા બાદ નિર્ણય લેવાયો છે કે, સ્કૂલ-કૉલેજ અને કૉચિંગ ક્લાસોને 31-જુલાઈ સુધી બંધ રખાશે.
→ ઔદ્યોગિક એકમ, નેશનલ અને સ્ટેટ હાઈવે પર લોકોની અવર-જવર અને માલની હેરફેર, કાર્ગોના લૉડિંગ અને અનલૉડિંગ, બસ, ટ્રેન, પ્લેનથી ઉતર્યા બાદ લોકોને પોતાના નિર્ધારિત સ્થળ સુધી જવા મામલે રાત્રી કરફ્યૂમાં છૂટ આપવામાં આવી છે.

આ પણ વાંચો:  સરહદ પર શાંતિ માટે ચીન સાથે ત્રીજા તબક્કાની બેઠક, ચૂશૂલમાં થશે ચર્ચા

► કન્ટેનમેન્ટ ઝોનમાં હજુ પણ પ્રતિબંધ યથાવત
અનલૉક-2માં કન્ટેનમેન્ટ ઝોનની અંદર 31-જુલાઈ સુધી લૉકડાઉનનું સખ્તીથી પાલન કરવામાં આવશે. જો કે કન્ટેનમેન્ટ ઝોનની બહાર બધુ ખુલવાનું નથી. હજુ પણ અનેક એવી બાબતો છે, જેને શરૂ કરવા માટે મંજૂરી નથી આપવામાં આવી.

→ મેટ્રો રેલ, સિનેમા હૉલ, જિમ, સ્વિમિંગ પુલ, એન્ટરટેઈનમેન્ટ પાર્ક, થિયેટર, બાર, ઓડિટોરિયમ વગેરે પર હજુ વિચાર થશે પછી નિર્ણય લેવામાં આવશે.
→ સામાજિક, રાજનીતિક, સ્પોર્ટ્સ, મનોરંજન, સાસ્કૃતિક, ધાર્મિક સહિત અન્ય જમાવડા પર પ્રતિબંધ યથાવત રહેશે
→ કન્ટેનમેન્ટ ઝોનમાં માત્ર જીવન જરૂરી ગતિવિધિઓને જ પરવાનગી આપવામાં આવશે
→ કન્ટેનમેન્ટ ઝોન સબંધિત જાણકારી જિલ્લા કલેક્ટરોની વેબસાઈટ પર નોટિફાઈ કરવામાં આવશે અને રાજ્યો-કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા આ જાણકારી સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય સાથે શેર કરવામાં આવશે.
→ રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોના અધિકારીઓ દ્વારા કન્ટેનમેન્ટ ઝોનમાં ગાઈડલાઈનનું કડક પાલન કરાવવામાં આવશે.

► હજુ પણ આ બાબતોનું રાખવું પડશે ધ્યાન
→ સોશિયલ ડિસ્ટન્સિંગ
→ દુકાનોમાં ગ્રાહક અને વેપારીઓ વચ્ચે સુરક્ષિત અંતર
→ કોરોનાને લઈને સરકારના આદેશોનું પાલન
→ આરોગ્ય સેતુ મોબાઈલ એપ્સનો મહત્તમ ઉપયોગ

► આવા લોકોએ ઘરેની નીકળવાનું ટાળવું
→ 65 વર્ષથી વધુ વયના વ્યક્તિ
→ ગંભીર બીમારીઓથી પીડીત વ્યક્તિ
→ ગર્ભવતી મહિલાઓ
→ 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકો

જણાવી દઈએ કે, અનલૉક-2ને લઈને જાહેર કરવામાં આવેલા આદેશોમાં રાજ્યોને નિયમોમાં ફેરફાર કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે. જે મુજબ સ્થિતિની સમીક્ષાના આધારે રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશ કન્ટેનમેન્ટ ઝોનની બહાર કેટલીક ગતિવિધિઓ પર પ્રતિબંધ મૂકી શકે છે અથવા જરૂરી જણાય, ત્યારે રોક લગાવી શકે છે.

અમદાવાદમાં કોરોનાની સ્થિતિ સુધરી, છેલ્લા સપ્તાહમાં સંક્રમિતોની સંખ્યા ઘટી