- 10 દિવસ પહેલાં 5 કોર્પોરેટર જોડાયા હતા : સુરત શહેરના કુલ 6 કોર્પોરેટરો ભાજપમાં જોડાયા
ગાંધીનગર પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે સુરત શહેર વોર્ડ-4 ના કોર્પોરેટર કુંદનબેન કોઠિયાએ ખેસ પહેરી ભાજપમાં જોડાયા
ગાંધીનગર: આજે 14 ફેબ્રુઆરી 2022 ના રોજ સુરત શહેરના વોર્ડ-4 ના કોર્પોરેટર કુંદનબેન કોઠિયા ભાજપ પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાની વિશેષ ઉપસ્થિતિમાં તેમજ પ્રદેશના યુવા મોરચાના અધ્યક્ષ ડો.પ્રશાંતભાઇ કોરાટ, પ્રદેશના સહપ્રવકતા ડો.રૂત્વીજ પટેલ, પ્રદેશ મીડિયાના સહ કન્વીનર ઝુબિન આસરાની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. આ સાથે સુરત શહેરના કુલ 6 કોર્પોરેટરો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે.
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ અખબારી યાદીમાં જણાવે છે કે, કુંદનબેન કોઠિયાએ સંબોધનમાં જણાવ્યું કે, મને ભારતીય જનતા પાર્ટીએ જે પ્લેટફોર્મ આપ્યું તે બદલ પક્ષના આગેવાનોનો આભાર. ભારતીય જનતા પાર્ટીના અત્યાર સુધીના કામો જોઇને હું નવી દિશા તરફ જઇ શકું તે આશાથી આજે ભાજપામાં જોડાઇ છું. આપ પાર્ટીએ ઓડિયો ક્લિપ વાયરલનો જે આક્ષેપ કર્યો છે તે સાચો સાબિત કરી બતાવે. પાર્ટીમાં ધર્મેન્દ્ર વાવલિયા હેરાન કરતા હોવાની રજૂઆત પક્ષના આગેવાનોને કરી હતી. આપ પાર્ટીમાં મહિલાનું સન્માન જળવાતું નથી. હું ભારતીય જનતા પાર્ટીમાં સ્વેચ્છાએ જોડાઇ છું .
આ કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાજીએ જણાવ્યું કે, ભાજપમાં સુરતના કોર્પોરેટર કુંદનબેન કોઠિયાનું સ્વાગત છે. દેશમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબ, ગૃહમંત્રી અમિતભાઇ શાહ અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ તેમજ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના નેતૃત્વમાં ભાજપા વિકાસના એજન્ડાને આગળ ઘપાવી રહી છે.
મહિલાઓનું સન્માન એ ભારતીય જનતા પાર્ટીના સંસ્કાર છે અને મહિલાઓના સન્માન માટે ભાજપનો એક એક કાર્યકર સતત પ્રયત્નશીલ હોય છે. 27 વર્ષના શાસનમાં ગુજરાત પ્રદેશ મહિલાઓ માટે સુરક્ષિત રાજય છે. આપ પાર્ટી આખા દેશમાં અરજાકતા ફેલાવી રહી છે જયા તેમને સત્તા મળી છે ત્યા ખોટા વચનો આપી જનતાને છેતરવામાં આવી છે. ગુજરાતમાં પણ જનતાને ખોટા વચનો આપીને ગુજરાતના યુવાનોને છેતરવાનો પ્રયાસ કર્યો હતો.
પ્રદિપસિંહ વાઘેલાએ જણાવ્યું કે, અમે પહેલેથી કહેતા હતા કે આપ પાર્ટી દેશ વિરોધી પાર્ટી છે. દેશમાં અરાજકતા ફેલાવવી તે તેમની પ્રાથમિકતા રહી છે. જે મહિલાઓએ ગુજરાત માટે, દેશના લોકોની સેવા કરવી છે તે બધાને ભાજપમાં યોગ્ય પ્લેટફોર્મ મળશે તેની બાહેંધરી પણ આપી. આપ પાર્ટી દ્વારા મહિલા કાર્યકરો પર જે રીતે દુરવ્યવહાર કરે છે તે ગુજરાતના સંસ્કાર નથી. આપ પાર્ટી દેશની જનતાને ગુમરાહ કરવાનો પ્રયત્ન કરી રહી છે. આપ પાર્ટી દેશને તોડવાનું કામ કરી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આજથી 10 દિવસ પહેલાં 4થી ફેબ્રુઆરીના રોજ આમ આદમી પાર્ટીના સુરત શહેરના પાંચ કોર્પોરેટરો ભાજપમાં જોડાયા હતા. જેમાં સુરત વોર્ડ નંબર 3 ના રૂતાબેન કેયુર કાકડીયા, વોર્ડ નંબર 2 ના ભાવનાબેન ચીમનભાઇ સોલંકી,વોર્ડ નંબર 16ના વિપુલભાઇ મોવલીયા,વોર્ડ નંબર 8 ના જ્યોતિકાબેન લાઠીયા, વોર્ડ નંબર 5ના મનિષાબેન કુકડીયાનો સમાવેશ થાય છે. સુરત શહેરમાં આમ આદમી પાર્ટીની 27 બેઠકો હતી. જેમાંથી અત્યારસુધીમાં કુલ 6 બેઠકના કોર્પોરેટરો ભાજપમાં જોડાતાં હવે આપ પક્ષમાં કોર્પોરેટરની સંખ્યા 21 થઈ ગઈ છે.