Gujarat Exclusive > દેશ-વિદેશ > બ્રિટનમાં ખતરનાક લાસા વાયરસના નોંધાયા ત્રણ કેસ, એક દર્દીનું મોત

બ્રિટનમાં ખતરનાક લાસા વાયરસના નોંધાયા ત્રણ કેસ, એક દર્દીનું મોત

0
4

કોરોના વાયરસના બે વર્ષના કપરાકાળ બાદ હજી મક્કમતાથી કોરોના વાયરસ સામે માનવજાત લડતા શીખી છે ત્યાં વધુ એક મહામારીની એન્ટ્રી થતી દેખાઇ રહી છે.

બ્રિટનમાં લાસા નામના વાયરસનો કેસ સામે આવ્યો છે, જેમાં ત્રણ લોકો વાયરસથી સંક્રમિત થયા છે. આ બિમારીની ભયાનકતા ત્યારે સમજાશે જ્યારે તમને ખબર પડશે કે ત્રણ સંક્રમિતોમાંથી કમનસીબી એકનું મોત પણ થયું છે. જોકે આ વાઈરસ હજુ સુધી કેટલાક આફ્રિકન દેશો સિવાય ક્યાંય પહોંચ્યો નથી પરંતુ બ્રિટન(UK)માં જોવા મળતા કેસ બાદ વૈજ્ઞાનિકોની ચિંતા વધી ગઈ છે. આ વાયરસથી લાસા રોગ થાય છે, જેનો આજદિન સુધી કોઈ ઈલાજ નથી.

પશ્ચિમ આફ્રિકામાં પ્રથમ વખત નોંધાયા હતા લાસા વાયરસના કેસ

ઈન્ડિયન એક્સપ્રેસના સમાચાર અનુસાર આ રોગ પહેલીવાર 1969માં પશ્ચિમ આફ્રિકન દેશ નાઈજીરિયાના લાસા નામના સ્થળે જોવા મળ્યો હતો. તેની જાણ ત્યારે થઈ જ્યારે આ બીમારીને કારણે બે નર્સના મોત નીપજ્યાં હતા. લાસા વાયરસના ચેપમાં તાવ એ પ્રાથમિક લક્ષણ છે. તે ઉંદરોમાંથી માણસોમાં પસાર થાય છે. તેને સિયરા લિયોન, નાઇજીરીયા, ગિની અને લાઇબેરિયામાં મહામારી તરીકે જાહેર કરવામાં આવી છે.

સગર્ભા સ્ત્રીઓ માટે ખતરનાક છે લાસા 

સગર્ભા સ્ત્રીઓ પર Lassa વાયરસની સૌથી વધુ અસર જોવા મળી છે. સીડીએસના જણાવ્યા અનુસાર, આવી મહિલાઓમાં ખાસ કરીને જ્યારે ગર્ભાવસ્થા ત્રીજા ત્રિમાસિકમાં હોય ત્યારે લાસા વાયરસનો ચેપ વધુ જોવા મળે છે.

3 અઠવાડિયા સુધી કોઈ લક્ષણો દેખાતા નથી

લાસા વાયરસના ચેપ પછી દર્દીને 1થી 3 અઠવાડિયા સુધી કોઈ લક્ષણો દેખાતા નથી. આ પછી પણ લક્ષણો ખૂબ જ માઈલ્ડ હોય છે. જેને લોકો સામાન્ય તાવ સમજીને અવગણે છે. હળવા લક્ષણો(Lassa Symptoms)માં તાવ, થાક, નબળાઈ, માથાનો દુખાવો વગેરેનો સમાવેશ થાય છે. આ પછી ગંભીર સ્થિતિમાં, દર્દીને ગૂંગળામણ અને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગે છે. આ સિવાય ચહેરા પર સોજો અને કમર, છાતી, પેટમાં દુખાવો થવા લાગે છે. ખૂબ જ કપરી સ્થિતિમાં દર્દીને રક્તસ્રાવ પણ શરૂ થાય છે.

કાયમી બહેરાશનું જોખમ

આ વાયરસની અસર 1 થી 3 અઠવાડિયા પછી આવે છે. તેથી જો લક્ષણો દેખાયાનાં બે અઠવાડિયા પછી જટિલતા લાગે તો મૃત્યુનું જોખમ પણ વધે છે. આ રોગથી મૃત્યુદર ઓછો હોવા છતાં આ રોગની સામાન્ય મુશ્કેલી બહેરાશ છે. કેટલાક દર્દીઓમાં કાયમી બહેરાશ પણ આવી જાય છે.

કઈ રીતે બચી શકો છો ?

આ રોગ ઉંદરો દ્વારા ફેલાય છે તેથી હંમેશા ઉંદરોથી દૂર રહો. ખોરાકને ક્યારેય ઉંદરોના સંપર્કમાં આવવા દેવો જોઈએ નહીં. જે વિસ્તારમાં બીમારી છે તે સિવાય પણ અન્ય સ્થળોએથી ઉંદરને પણ ભગાડવા જોઈએ જ્યાં આ રોગ છે.

યુરોપિયન સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના જણાવ્યા અનુસાર આ રોગનો અત્યાર સુધી કોઈ ઈલાજ નથી. કેટલાક દર્દીઓએ વધારે ગૂંગલામણ અનુભવાની ફરિયાદો મળી છે જેના કારણે તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થવું જરૂરી બને છે. જોકે હોસ્પિટલ પહોંચતા દર્દીઓમાંથી 15% મૃત્યુ પામે છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat