Gujarat Exclusive > દેશ-વિદેશ > જમ્મુ-કાશ્મીર: ભારતીય સુરક્ષા બળોને મોટી સફળતા, ત્રાલમાં 3 આતંકવાદીઓ ઠાર

જમ્મુ-કાશ્મીર: ભારતીય સુરક્ષા બળોને મોટી સફળતા, ત્રાલમાં 3 આતંકવાદીઓ ઠાર

0
300

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના ત્રાલ વિસ્તારમાં ભારતીય સુરક્ષા બળોને મંગળવારે મોડી રાત્રે ત્રણ આતંકવાદીઓને ઠાર મારવામાં સફળતા મળી છે. એવું મનાઈ રહ્યું છે કે, ઠાર મારવામાં આવેલા આતંકવાદીઓ સ્થાનિક હતા. તેમની પાસેથી હથિયાર જપ્ત કરવામાં આવ્યા છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, જમ્મુ-કાશ્મીર પોલીસ, CRPF અને ભારતીય સેનાની સંયુક્ત ટીમે ત્રાલમાં આતંકવાદીઓ છૂપાયા હોવાની બાતમી મળ્યા બાદ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સુરક્ષા બળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લેતા આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો. જેના જવાબમાં સુરક્ષા બળોએ અથડામણમાં ત્રણેય આતંકવાદીઓને ઠાર માર્યા હતા.

આ અંગે જમ્મુ-કાશ્મીર પોલીસના જણાવ્યા પ્રમાણે, ત્રણેય આતંકવાદીના મૃતદેહ કબ્જે કરવામાં આવ્યા છે અને તેમની ઓળખ મેળવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. ઠાર મારવામાં આવેલા આતંકવાદીઓ પાસેથી હથિયાર અને દારૂગોળાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

જમ્મુ-કાશ્મીરમાં ISI મોટો હુમલો કરવાનું ષડયંત્ર રચી રહ્યું છે. ISI પુલવામા જેવો હુમલો કરી શકે છે. પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIએ તમામ આતંકવાદી સંગઠનો સાથે મળીને નવું ગ્રુપ બનાવ્યું છે. જેનું નેતૃત્વ જૈશ-એ-મોહમ્મદ કરી રહ્યું છે. આ ગ્રુપનું નામ ગજનવી ફોર્સ આપવામાં આવ્યું છે.

સુત્રો અનુસાર, જૈશ, લશ્કર, હિઝબૂલ અને અંસાર ગજવત-ઉલ-હિંદનું આ નવું ગ્રુપ કાશ્મીરમાં સુરક્ષા જવાનો પર IED હુમલો કરી શકે છે. ગુપ્તચર રિપોર્ટ બાદ, તમામ સુરક્ષા એજન્સીઓને સતર્ક કરવામાં આવી છે.

હવે CAA-NPR મુદ્દે શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે મતભેદ