સુરત: સુરતમાં કોરોનાના કેસમાં જોરદાર ઉછાળો થતા પ્રવાસી શ્રમિકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. સુરતમાં ઉત્તર પ્રદેશ-બિહારથી કામ કરવા માટે આવતા મજૂરો સરકારની લોકડાઉનની ખાતરી છતા હિજરત કરી રહ્યા છે. સુરતમાં મોટી સંખ્યામાં પ્રવાસી મજૂરો પોતાના વતન પરત ફરતા ઠેર ઠેર ટ્રાવેલ્સ એજન્સીની હાટડીઓ ખુલી ગઇ છે અને મનફાવે તેમ શ્રમિકો પાસેથી પૈસા પડાવી રહી છે.
સુરતમાં પ્રવાસી મજૂરોના વિસ્તારમાં ઠેર ઠેર ટિકિટ બુકિંગની ઓફિસો ખુલી ગઇ છે. ફેરિયાઓ, ઝૂંપડીમાં રહેતા લોકો રાતોરાત બુકિંગ એજન્ટ બની ગયા છે. ભયભીત બનેલા પ્રવાસી મજૂરો ઘર વખરી સાથે બસમાં જગ્યા ના મળે તો બસની છત પર બેસીને પણ વતન રવાના થઇ રહ્યા છે.
સુરતમાં કોરોનાના કેસમાં વધારો થતા ફરી લોકડાઉન લાગશે તેવી અફવાને પગલે મોટી સંખ્યામાં શ્રમિકો હિજરત કરી રહ્યા છે. રોજની સરેરાશ 15થી વધુ બસ ભરીને શ્રમિકો ઉત્તર પ્રદેશ-બિહાર તરફ રવાના થઇ રહ્યા છે. સોમવારે આશરે 1500થી વધુ શ્રમિક મજૂરોને લઇને સુરતથી 14 બસ ઉત્તર પ્રદેશ-બિહાર રવાના થઇ હતી.મોટી સંખ્યામાં પોતાના વતન તરફ હિજરત કરતા શ્રમિકો પાસેથી ખાનગી બસ સંચાલકો મનફાવે તેમ રૂપિયા ભાડા પેટે ઉઘરાવી રહ્યા છે. શ્રમિકો પાસેથી 800ના બદલે 1500 રૂપિયા જેટલુ જંગી ભાડુ વસુલ કરવામાં આવી રહ્યુ છે.
આ પણ વાંચો: રાજયના રોડ-રસ્તા ગુજરાતના વિકાસનો હાઇવે પુરવાર થઇ રહ્યાં છે : નીતિન પટેલ
સુરતમાં કોરોનાના કેસ
સુરતમાં સોમવારે 429 કેસમાંથી 43 દર્દીઓને દાખલ કરાયા છે જ્યારે 386ને હોમ ક્વોરોન્ટાઇન કરાયા છે. સુરતમાં 2 લોકોએ આ મહામારીને કારણે પોતાનો જીવ પણ ગુમાવ્યો છે.