Gujarat Exclusive > ગુજરાત > ઉત્તર ગુજરાત > એક વિવાહ ઐસી ભી… પીઠી ચોળાઈ, વરઘોડો નીકળ્યો પણ વરરાજા રહેશે ‘કુંવારો’

એક વિવાહ ઐસી ભી… પીઠી ચોળાઈ, વરઘોડો નીકળ્યો પણ વરરાજા રહેશે ‘કુંવારો’

0
1462

ગુજરાતના સાબરકાંઠા જિલ્લાથી લગભગ 22 કિલોમીટર દૂર આવેલા ચંપલાનાર ગામમાં 10મી મેંના રોજ એક અનોખા લગ્ન યોજાયા હતા. વરઘોડો નીકળવાની એક રાત પહેલા ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. 27 વર્ષના અજય બારોટની પીઠી પણ ચોળવામાં આવી હતી અને શુક્રવારે અજય પરંપરાગત શેરવાની પહેરીને ઘોડી પર ચડ્યો હતો. વરઘોડામાં અંદાજે 200 લોકોએ ભાગ લીધો હતો અને જાન જ્યારે અજયના ઘરે પહોંચી ત્યારે અહીં 800 લોકો માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

આ લગ્નમાં તમામ વીધિ પારંપારિક ગુજરાતી રીતે જ કરવામાં આવી હોવા છતા, એક વાતની ઉણપ હતી. લગ્નમાં કોઈ કન્યા જ નહતી. હકીકતમાં આ વરઘોડો બારોટ પરિવારે પોતાના મોટા પુત્ર અજયની ઈચ્છા પૂરી કરવા માટે નીકાળ્યો હતો. અજયને લર્નિંગ ડિસઅબિલિટી હોવાથી તે પોતાના પિત્રાઈ ભાઈની જેમ પોતાનો વરઘોડો નીકાળવા માંગતો હતો.

અજયના કાકા કમલેશ બારોટે જણાવ્યું કે, અજયને નાચવાનો શોખ છે અને તે ગામમાં કોઈના પણ લગ્ન હોય, તો નાચવાનું ચૂકતો નથી. કમલેશે જણાવ્યું કે, ફેબ્રુઆરીમાં મારા પુત્રના લગ્ન થયા. અજય હંમેશા કહેતો કે, મારા લગ્ન માટે આવું જ આયોજન કરવામાં આવે. મારા પુત્રના લગ્ન બાદ અજય પોતે પણ લગ્ન કરવાની જિદ કરવા લાગ્યો હતો. આખરે અજયની જિદ આગળ અમારે નમતુ જોખવું પડ્યુ અને અમારા પરિવારે નિર્ણય લીધો કે અમે પણ અજયનો વરઘોડો નીકાળીશું. અમે લગ્ન માટે કંકોત્રીઓ છપાવી, પૂજાની વીધિ કરાવી અને વરઘોડા સહિત જમણવારનું આયોજન પણ કર્યું હતું. આ સમગ્ર દિવસ અજય ખુબ જ ખુશ જોવા મળ્યો હતો.

ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) માં કંડક્ટર વિષ્ણુ બારોટને પુત્ર અજયની બીમારીની જાણ થઈ, ત્યારે તે ખૂબ જ નાનો હતો. તેમણે જણાવ્યું કે, અમે તેને હિંમતનગરની એક વિશેષ સ્કૂલમાં ભણવા મૂક્યો હતો, પરંતુ તેણે ભણવાનું છોડી દીધું. તેણે નાની ઉમરમાં પોતાની માતાને ગુમાવી હતી, જે બાદ મેં બીજા લગ્ન કર્યા હતા.

પરિવારે જણાવ્યું કે, અજય માટે યુવતી શોધવી મુશ્કેલ હતી. જો કે તેમના સાચા લગ્ન અશક્ય હોવાથી અને તેનો વરઘોડો નીકાળવાનો અને તમામ વીધિ આવી રીતે સંપન્ન કરવાનો નિર્ણય કર્યો.

અજયના પિતા વિષ્ણુ બારોટે જણાવ્યું કે, અજયનો વરઘોડો તેમણે માત્ર અજયને ખુશ કરવા નહતો નીકાળ્યો, પરંતું તેમા પરિવાર પણ ખુશ હતો. અમે લોકો પણ અજયના લગ્નનો અનુભવ લેવા માંગતા હતા. અમને આનંદ થયો કે, અમારા અનેક સબંધીઓ અને ગ્રામજનો પણ આ લગ્નમાં સામેલ થયા.

આ પણ વાંચો: કડીના લ્હોર ગામમાં દલિત સમાજના યુવકના લગ્નનો વરઘોડો કાઢતા સવર્ણ સમાજ દ્વારા બહિષ્કાર