Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > અમદાવાદ: કોરોનાએ મચાવેલા મોતના તાંડવ વચ્ચે દબાણ હટાવવા કેટલા જરૂરી?

અમદાવાદ: કોરોનાએ મચાવેલા મોતના તાંડવ વચ્ચે દબાણ હટાવવા કેટલા જરૂરી?

0
95

અમદાવાદ: અમદાવાદ કોરોનાના કપરા સમયમાંથી બહાર આવી રહ્યો છે પરંતુ કોરોનાના કેસો ઓછા થતાની સાથે જ એએમસી અને સરકાર દ્વારા અણધડ નિર્ણય લઈને એક વખત ફરીથી કોરોનાને માથું ઉચકવાની તક આપી રહ્યાં હોય તેવું લાગી રહ્યું છે. અમદાવાદમાં પાછલા કેટલાક દિવસથી દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં લોકોના ઘરોના ઘર જમીનદોસ્ત કરવામાં આવી રહ્યાં છે. લોકો બેઘર બનીને રસ્તા ઉપર આવી રહ્યાં છે. પરંતુ પ્રશ્ન ઉભા થઇ રહ્યો છે કે, શું કોરોનાકાળમાં જ લોકોને બેઘર કરવા જરૂરી હતા? અત્યાર એવી તો શું જરૂરત ઉભી થઈ કે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવી પડી?

કોરોનાની બીજી લહેરે ગુજરાત સહિત દેશભરમાં મોતનો તાંડવ કર્યો છે. જેની અસર હજું પણ ચાલી રહી છે. દેશભરમાં હજું પણ પ્રતિદિવસ બે હજારથી વધારે લોકોના મોત થઈ રહ્યાં છે. જ્યારે ગુજરાતમાં પણ નોંધપાત્ર કેસ સામે આવી રહ્યાં છે. તેવામાં ગુજરાત સરકાર એક વખત ફરીથી બેદરકાર થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે.

કોરોનાની બીજી લહેરે અમદાવાદ-સુરત જેવા શહેરોમાં કાળો કેર વર્તાવ્યો છે. લોકો ઓક્સિજન અને રેમડેસિવલ લેવા માટે મસમોટી લાઈનો લગાવતા હતા. જોકે, રાહતની વાત તે છે કે, તે પરિસ્થિતિમાંથી આપણે બહાર આવી ગયા છે પરંતુ લોકોએ ગુમાવેલા સ્વજનોની ખોટ વર્ષો સુધી લોકોને સાલતી રહેશે.

આટલી મોટી જાનહાનિ થઈ ગઈ હોવા છતાં અને ત્રીજી લહેર આવવાની પૂરેપૂરી શક્યતાઓ વિશે વૈજ્ઞાનિકોની ચેતવણી આપેલી હોવા છતાં અમદાવાદ એએમસી દ્વારા કોરાના જેવી વિકટ પરિસ્થિતિ વચ્ચે દબાણ હટાવવાનું શરૂ કરવું કેટલું યોગ્ય છે.

સરકાર પોતાની ગાઈડલાઈનમાં કહે છે કે, ઘરોમાં રહો- સામાજિક અંતર જાળવો અને કોરોનાની ગાઈડ લાઈનને અનુસરો જેથી કોરોના સંક્રમણની ચેનને તોડીને તેના પર કંટ્રોલ કરી શકાય. પરંતુ બીજી તરફ એએમસી જ લોકોને બેઘર કરી રહી છે. સ્વભાવિક છે કે સરકારી જમીન ઉપર ઘર બનાવવું ગેરકાનૂની છે, તેથી દબાણ હટાવવું જોઈએ પરંતુ આવા કપરા સમયમાં દબાણ હટાવો તે કેટલું યોગ્ય ગણી શકાય ?

AMCએ દબાણ હટાવવા માટે જે સમયની પસંદગી કરી છે તે ખરાબ છે. દબાણ હટાવવું ખોટું નથી પરંતુ કોરોનાની વિકટ પરિસ્થિતિમાં લોકોને રસ્તાઓ ઉપર રજડતા મૂકવા ભયંકર બની શકે છે. જ્યારે ગુજરાત કોરોનાને હરાવી દે અને બધા કામ-ધંધા વ્યવસ્થિત રીતે શરૂ થઇ જાય ત્યારે આવા દબાણ હટાવવાના કામ હાથે ધરવા જોઈએ.

હાલમાં સરકારી જમીન ખુલ્લી કરવા કરતાં આપણા દેશવાસીઓના જીવ બચાવવા મહત્વપૂર્ણ છે. રાજ્યમાં રહી રહેલા ઘર-બાર વગરના ગરીબોને રહેવા માટે સરકારે વ્યવસ્થા કરી આપવી જોઈએ. વર્તમાન સમયમાં કામ-ધંધા પણ ઠપ્પ છે. લોકો રોજી-રોટી મેળવવા માટે તરસી રહ્યાં છે, તેવામાં તેમને બેઘર કરી દેવા કેટલું યોગ્ય છે? પોતાની જમીન ખુલ્લી કરાવવા માટે સરકાર પાસે અનેક વર્ષો પડ્યા છે.

અમદાવાદમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો હતો તે પણ ભૂલવું જોઈએ નહીં. તેવામાં AMCએ લોકોને રસ્તા ઉપર બેસીને રડવા માટે મજબૂર કરી દીધા છે. સમય પ્રમાણે યોગ્ય નિર્ણય રાજ્યને સમૃદ્ધ બનાવી શકે છે અને ગરીબોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો કરી શકે છે. પરંતુ એએમસીના આવા નિર્ણયો રાજ્યને બિમાર બનાવી શકે છે. જેની અસર આખા રાજ્ય ઉપર પડી શકે છે.

અમદાવાદમાં અનેક વિસ્તાર છે, જ્યાં દબાણ સહિત ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવેલા છે. જો વર્તમાનમાં બધા વિસ્તારોમાં દબાણ હટાવવામાં આવશે તો લાખો લોકો રસ્તા ઉપર આવી જશે. આવી પરિસ્થિતિમાં એક વખત ફરીથી કોરોનાને કાળો કેર વર્તાવવાની તક મળી શકે છે. તેથી સરકારે તેનો યોગ્ય રસ્તો નિકાળવો જરૂરી છે. જેથી કોરોનાના સમયમાં લોકોને હાલાકી ભોગવવી પડે નહીં.

આગામી દિવસોમાં એક વખત ફરીથી અમદાવાદમાં કોરોના માથું ઉચકે તો તેની જવાબદારી એએમસી ઉઠાવશે? લોકોના જીવ જશે તો તેમની જવાબદારી એમએમસીના અધિકારીઓએ ઉઠાવવી જોઈએ? કેમ કે, તેઓ કોરોનાકાળમાં આવા અઘરા નિર્ણય લઈ શકતા હોય તો લોકોના મોતની જવાબદારીના નિર્ણય પણ તેમને લેવી જોઈએ.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat