Gujarat Exclusive > દેશ-વિદેશ > દેશમાં બિટકોઈનને કાયદેસર કરન્સી તરીકે માન્યતા આપવાની કોઈ દરખાસ્ત નથી: સરકાર

દેશમાં બિટકોઈનને કાયદેસર કરન્સી તરીકે માન્યતા આપવાની કોઈ દરખાસ્ત નથી: સરકાર

0
8

નવી દિલ્હી : ક્રિપ્ટોકરન્સીના ભારતમાં ભવિષ્ય અંગે આ સપ્તાહે સરકાર મસમોટો નિર્ણય લેવા જઈ રહી છે. સરકારના ક્રિપ્ટો સહિતની તમામ વર્ચ્યુઅલ કરન્સી પરના કાયદા પૂર્વે સરકારે કહ્યું છે કે હાલમાં ભારતમાં બિટકોઈનને ચલણ તરીકે માન્યતા આપવાની કોઈ દરખાસ્ત નથી.

કેન્દ્રીય નાણા મંત્રાલયે કહ્યું છે કે ભારત સરકાર સમગ્ર દેશમાં ક્રિપ્ટોકરન્સી બિટકોઈન ટ્રાન્ઝેક્શનની સંખ્યા અને વોલ્યુમ અંગેનો ડેટા એકત્રિત કરતી નથી. નાણાં મંત્રાલયે લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં કહ્યું કે ભારત સરકાર બિટકોઈન ટ્રાન્ઝેક્શન પર ડેટા એકત્ર કરતી નથી. આ સિવાય જણાવ્યું કે દેશમાં બિટકોઈનને કાયદેસર કરન્સી તરીકે માન્યતા આપવાની કોઈ દરખાસ્ત નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે મોદી સરકારે બિટકોઈન સહિતની ડિજિટલ કરન્સી પર કાયદો બનાવવાની દિશામાં કામ શરૂ કરી દીધું છે. સંસદના શિયાળુ સત્રમાં સરકાર ક્રિપ્ટોકરન્સી સંબંધિત બિલ રજૂ કરે તેવી શક્યતા છે જે ખાનગી ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ મૂકવાનો અને આરબીઆઈ દ્વારા જારી કરાયેલ ડિજિટલ ચલણના નિયમન માટે એક માળખું બનાવવાના માર્ગે પ્રથમ ડગલું હશે.

લોકસભાના બુલેટિન અનુસાર ક્રિપ્ટોકરન્સી અને અધિકૃત ડિજિટલ કરન્સી રેગ્યુલેશન બિલ 2021 સંસદના શિયાળુ સત્ર દરમિયાન નીચલા ગૃહમાં રજૂ કરવામાં આવનાર બિલોની યાદીમાં ‘લિસ્ટેડ’ છે. આ પ્રસ્તાવિત બિલ ભારતમાં તમામ પ્રકારની ખાનગી ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ મૂકવા માંગે છે.

ગત સપ્તાહે સંસદની નાણાંકીય બાબતોની સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ અને બીજેપી સાંસદ જયંત સિન્હા ક્રિપ્ટો એક્સચેન્જ, બ્લોકચેન અને ક્રિપ્ટો એસેટ કાઉન્સિલ (BACC) અને અન્યના પ્રતિનિધિઓને મળ્યા અને એવા નિષ્કર્ષ પર આવ્યા હતા કે ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ ન મૂકવો જોઈએ. તેને બદલે તેનું નિયમન કરવું જોઈએ.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat