Gujarat Exclusive > રાજનીતિ > કોરોના વાયરસને કારણે 26 માર્ચે યોજાનાર રાજ્યસભાની ચૂંટણી સ્થગિત

કોરોના વાયરસને કારણે 26 માર્ચે યોજાનાર રાજ્યસભાની ચૂંટણી સ્થગિત

0
119

કોરોના વાયરસને કારણે ચૂંટણી પંચે રાજ્યસભા ચૂંટણીને ટાળી નાખી છે. રાજ્યસભાની 55 બેઠકો પર ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી જેમાંથી 37 બેઠકો પર ઉમેદવાર વિરોધ વગર ચૂંટાયા હતા પરંતુ 18 બેઠકો માટે 26 માર્ચે મતદાન યોજાવાનું હતું. જેમાં ગુજરાતની પણ 4 બેઠકનો સમાવેશ થતો હતો.

ચૂંટણી પંચે મંગળવારે બેઠક બાદ રાજ્યસભા ચૂંટણીના મતદાનને ટાળવાનો નિર્ણય કર્યો હતો. ચૂંટણી પંચનું કહેવુ છે કે અત્યારે સ્થિતિ સારી નથી, એવામાં જો ચૂંટણી યોજાય છે તો મતદાન એજન્ટથી લઇને મતદારોનો જમાવડો થશે, જે યોગ્ય નથી. અત્યારે દરેક જગ્યાએ લોકોને ભેગા થતા રોકવામાં આવી રહ્યા છે.

18 બેઠકો માટે મતદાન યોજાવાનું હતું

55માંથી 18 બેઠકો માટે મતદાન યોજાવાનું છે. જેમાં ગુજરાત અને આંધ્ર પ્રદેશની ચાર-ચાર, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં 3-3, ઝારખંડમાં 2 અને મણિપુર તેમજ મેઘાલયની 1-1 સીટ સામેલ છે.

શરદ પવાર સહિત 37 વિરોધ વગર ચૂંટાયા

રાજ્યસભા ચૂંટણીમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) પ્રમુખ શરદ પવાર, કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલે અને રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશ નારાયણ સિંહ સહિત 37 ઉમેદવાર વિરોધ વગર ચૂંટાયા હતા.

આ રાજ્યોમાં થઇ વિરોધ વગર ચૂંટણી

મહારાષ્ટ્રની સાત, તમિલનાડુની છ, હરિયાણા, છત્તીસગઢ અને તેલંગાણાની 2-2, ઓરિસ્સાની ચાર, બિહાર અને બંગાળથી પાંચ-પાંચ અને એક હિમાચલ પ્રદેશની બેઠક હતી. જેમાં ભારતીય જનતા પાર્ટીના ભાગમાં સાત બેઠક આવી છે, તેની સહયોગી જેડીયુની બે (બિહાર), અન્નાદ્રમુકને 2 (તમિલનાડુ) અને બીપીએફને એક સીટ (અસમ)માં મળી છે. બીજુ જનતા દળ ઓરિસ્સામાં ચાર અને તૃણૂલ કોંગ્રેસને બંગાળમાં ચાર બેઠક મળી છે. તેલંગાણામાં ટીઆરએસને બન્ને બેઠકો પર સફળતા મળી છે.

ગુજરાતની 4 બેઠકો પર યોજાવાની હતી ચૂંટણી

ગુજરાતની 4 બેઠકો પર રાજ્યસભાની ચૂંટણી યોજાવાની હતી. ગુજરાતમાં 4 બેઠકો પર 5 ઉમેદવાર મેદાનમાં હતા. ગુજરાતમાં ભાજપના ત્રણ ઉમેદવાર અભય ભારદ્વાજ, રમીલાબેન બારા અને નરહરી અમીન હતા જ્યારે કોંગ્રેસ તરફથી શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીને ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા.

રાજ્યમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 33, અમદાવાદમાં સૌથી વધુ