Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > માત્ર રાજધાની એક્સપ્રેસમાંથી મળેલા કોરોના પોઝિટિવનો આંકડો 100ને પાર

માત્ર રાજધાની એક્સપ્રેસમાંથી મળેલા કોરોના પોઝિટિવનો આંકડો 100ને પાર

0
99
  • ટ્રેનમાં મુસાફરોના ટેસ્ટિંગમાં વધુ 31 પોઝિટિવ કેસો મળ્યા

  • છઠ્ઠા દિવસે પણ ટ્રેનમાં અમદાવાદ આવતાં મુસાફરોનું ટેસ્ટિંગ થયું

  • રાજધાની એક્સપ્રેસમાંથી પોઝિટિવ કેસો મળવાનો સીલસીલો જારી

અમદાવાદ: અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્રારા આજે સતત છઠ્ઠા દિવસે પણ દેશના જુદા જુદા સ્થળેથી ટ્રેન મારફતે અમદાવાદ આવતાં મુસાફરોનું ટેસ્ટિંગ ચાલુ રાખ્યું હતું. આજના દિવસે 1713 મુસાફરોના ટેસ્ટ કર્યા હતા. તેમાંથી 31 કેસો પોઝિટિવ મળી આવ્યા હતા. જેમા સૌથી વધુ અમદાવાદ દિલ્હી વચ્ચેની રાજધાની એક્સપ્રેસમાં કોરોનાના 20 કેસો મળી આવ્યા હતા. અગાઉના પાંચ દિવસોના ટેસ્ટીંગમાં પણ રાજધાની એક્સપ્રેસમાંથી જ વધુ કોરોના પોઝિટિવ કેસો મળ્યા હતા. આજે આ આંકડો 100ને વટાવી ગયો છે.

પ્રથમ દિવસે 26 અને બીજા દિવસે 13 પોઝિટિવ અને ત્રીજા દિવસે 19 કેસો અને ચોથા દિવસે 20 અને પાંચમા દિવસે 12 મળી આવ્યા હતા. આજના 20 કેસોની ગણતરી કરીએ તો છેલ્લાં છ દિવસમાં સરવાળે એકમાત્ર રાજધાની એક્સપ્રેસમાંથી કુલ કોરોના પોઝિટિવ કેસો 110 પહોચ્યો છે. આમ છેલ્લાં છ દિવસમાં અમદાવાદ આવેલી ત્રણ ટ્રેનોમાં સૌથી વધુ અમદાવાદ દિલ્હી વચ્ચેની રાજધાની એક્સપ્રેસ ટ્રેનમાં કોરોના પોઝિટિવના કેસો વધુ મળી આવ્યા છે.

આ પણ વાંચો: કોરોનાના દર્દીઓને ઓક્સિજનની અછત દૂર કરવા બે નોડલ ઓફિસર નિમાયા

અમદાવાદ શહેરમાં નોવેલ કોરાના વાયરસનું સંક્રમણ ફેલાતું અટકાવવા માટે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્રારા વિવિધ પગલાંઓ લેવામાં આવ્યા છે. જેના ભાગરૂપે અમદાવાદ શહેરના સાતેય ઝોનમાં એક ખાસ ઝુંબેશ હેઠળ ટેસ્ટિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ટેસ્ટિંગ દરમિયાન પરપ્રાંતિય મજુરો તથા કામદારોમાં કોરોના પોઝિટિવ કેસો મોટા પ્રમાણમાં મળી આવ્યા હતા. શહેરના જુદા જુદા વિસ્તારોમાં વસવાટ કરતાં મજૂરો/કામદારોને શોધવામાં ઘણો સમય વ્યતીત થતો હતો.

બીજી તરફ કોરોના પોઝિટિવ ધરાવતા મજૂરો તથા કામદારો અન્ય સાથીદારોમાં સંક્રમણ ઊભું કરે તેવી શકયતા દેખાઇ રહી હતી. જેથી અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને અમદાવાદમાં પ્રવેશે તે પહેલાં જ પરપ્રાંતિય મજૂરો તથા કામદારોના ટેસ્ટ કરવાનું નક્કી કર્યું હતું. જેના ભાગરૂપે જ અમદાવાદ રેલવે સ્ટેશન પર ટેસ્ટિંગની કામગીરી હાથ ધરી હતી. આજે કાલુપુર રેલ્વે સ્ટેશન પર આવેલી ગોરખપુર એક્સપ્રેસ ટ્રેનમાં આવેલા 361 પ્રવાસીઓના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તેમાંથી 5 પોઝિટિવ કેસો મળ્યા હતા.

આ પણ વાંચો: લોકશાહીની ચૂંટણીઓને પણ ટપી જતી શિક્ષણ બોર્ડની સામાન્ય ચૂંટણી

તે જ રીતે રાજધાની સ્પેશ્યલ ટ્રેનમાં આવેલા 833 પ્રવાસીઓમાંથી 20 અને મુઝફરપુર એક્સપ્રેસ ટ્રેન મારફતે આવેલા 519 પ્રવાસીઓની ચકાસણીમાં 6 પોઝિટિવ કેસો મળી આવ્યા હતા. આમ સરવાળે કુલ 1713 મુસાફરોનું આજે દિવસ દરમિયાન ટેસ્ટિંગ કરાયું હતું. જેમાં 31 મુસાફરો કોરોના પોઝિટિવ નિકળ્યા હતા. આ મુસાફરોને મેડિકલ ટીમ દ્રારા તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. તેમ જ તેઓને જરૂરી તબીબી સારવાર અર્થે કોવીડ કેર સેન્ટર/ કોવિડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આગામી સમયમાં પણ મોટાપાયા પર વિવિધ સ્થળોએ ટેસ્ટીંગની કામગીરી ચાલુ રહેશે તેવું કોર્પોરેશને જાહેર કર્યું છે.