Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > અમદાવાદ: ચિરિપાલ ગ્રુપની બેદરકારી, 1 માસની દિકરીએ પિતાની છત્રછાયા ગુમાવી

અમદાવાદ: ચિરિપાલ ગ્રુપની બેદરકારી, 1 માસની દિકરીએ પિતાની છત્રછાયા ગુમાવી

0
736

શાહબાઝ શેખ,અમદાવાદ: ગતરોજ અમદાવાદમાં આવેલ પીરાણા-પીપળેજ રોજ ચિરિપાલ ગ્રુપની નંદન ડેનિમ ફેકટરીમાં કોઈ આકસ્મિક કારણોસર આગ ભભૂકી હતી. આ આગની ઘટનામાં ફેક્ટરીમાં કામ કરી રહેલા 7 વર્કરોના મોત થયા હતા. આ બનાવને લઈ પોલીસ અને ફાયર અધિકારી પણ દોડતા થયા હતા અને માલિક સહિતના 4 લોકો વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

1 માસની દિકરીએ ગુમાવ્યા પિતા

ચિરિપાલ ગ્રુપની ઘોર બેદરકારીએ 7 લોકોના ભોગ લીધા છે. જેમનો પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. જેમાં મૃતક કુંજન જેના લગ્ન ગત વર્ષે જ થયા હતા અને તે 1 મહિનાની બાળકીનો પિતા પણ હતો. કુંજન પર ઓવર ટાઈમ કરવા માટે ફેક્ટરીમાં હાજર હતો. આ દરમિયાન તે પણ મોતને ભેટ્યો હતો. આ બનાવમાં એક મહિલાએ પોતાનો પતિ અને 1 મહિનાની બાળકીએ પોતાના પિતાને ગુમાવ્યો છે.

આ અંગે ફેકટીની વર્કરો પાસેથી જાણવા મળ્યું કે, મૃતકોમાંથી એક મહિલા સુમિત્રાબેનની આર્થિક પરિસ્થતિ ખરાબ હોવાના કારણે તે ફેકટરીમાં ઓવર ટાઈમ કામ કરતી હતી. જયારે તેને ઓવર ટાઈમ કામ ચાલુ કર્યા હજી 10 દિવસ જ થયા હતા. સુમિત્રાબેન ઓવર ટાઈમ કરવા માટે શનિવારે રોકાયા હતા અને આ ઘટના બની હતી. જેમાં તેમનું મોત થતા પરિવારજનોએ ફેકટરી માલિક વિરૂદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી છે.

ચિરાપાલ કે ‘આગપાલ‘, કંપની માલિકોની ઘોર બેદરકારી

ચિરિપાલ ગ્રુપની નંદન ડેનિમ ફેકટરીમાં લાગેલી આગમાં કંપની માલિકોની ઘોર બેદરકારી સામે આવી છે. છેલ્લા 20 વર્ષમાં ફેક્ટરીમાં 3 વખત આવી ભયાનક આગ લાગી હોવા છતાં કંપની માલિકોના પેટનું પાણી પણ હલતું નથી. ડેનિમ ફેક્ટરીનો શેડ ફાયર શેફ્ટિ વિનાનો જ હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત ફેક્ટરીમાં એક જ સીડી હતી અને ઈમરજ્ન્સી એક્ઝિટ ના હોવાથી વર્કરો ગુંગળાઈને મોતને ભેટ્યા છે. જો કંપની મેનેજમેન્ટે પહેલા લાગેલી આગને ધ્યાનમાં રાખીને તકેદારીના પગલા લીધા હોત, તો કદાચ મોતને ભેટેલા વર્કરોના જીવ બચાવી શકાયા હોત.

આગના કારણ અંગે ઘૂંટાતું રહસ્ય

ચીફ ફાયર ઓફિસર એમ.એફ.દસ્તુરે આ ઘટના અંગે જણાવ્યું કે, આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. બીજી તરફ ડેનિમ ફેક્ટરીમાં ક્યાં કારણોસર આગ લાગી? તે અંગે સ્થળ પર ઉપસ્થિત ફેક્ટરીના સંચાલકો પાસેથી પણ કોઈ જવાબ જાણવા મળ્યો ન હતો. શોર્ટ સર્કિટ કે અન્ય કારણોસર આગ લાગી છે કે કેમ? તે દિશામાં ફાયર વિભાગના જવાનો તપાસ કરી રહ્યા છે. આ દરમિયાન વટવા અને નારોલ પોલીસ સ્ટેશનનો કાફલો પણ સ્થળ પર પહોંચી ગયો હતો.

EVMમાં છેડછાડની આશંકા, સ્ટ્રોંગ રૂમ બહાર ‘આપ‘ કાર્યકર્તાઓની શિફ્ટ ગોઠવાઈ