Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > કેવડિયા જંગલ સફારી પાર્કમાં રાજાના ઘરે પારણું બંધાયું, સિંહણે બે બચ્ચાને જન્મ આપ્યો

કેવડિયા જંગલ સફારી પાર્કમાં રાજાના ઘરે પારણું બંધાયું, સિંહણે બે બચ્ચાને જન્મ આપ્યો

0
3
  • દીપડા અને હરણના પ્રજનન બાદ અનેક પ્રાણી- પક્ષીઓએ આપ્યો છે બચ્ચાને જન્મ, 230 દિવસની ગર્ભાવસ્થા બાદ સિંહણે આપ્યો બચ્ચાને જન્મ
  • સોમવારની મધ્ય રાત્રિએ સિંહણને થયેલી સુવાવડથી બે બાળ સિંહોનું સફારી પરિવારમાં આગમન થયું
  • સિંહણના પ્રસવ પછી થોડા સમય સુધી બચ્ચાની જાતિ (લિંગ) કળી શકાતી નથી એટલે આ ચુલબુલ બાળ સિંહો કુંવર છે કે કુંવરીએ હાલમાં કહી શકાય તેમ નથી.

વિશાલ મિસ્ત્રી રાજપીપળા: એકતા નગર (કેવડિયા)ની જંગલ સફારીમાં રાજા અને રાણીના ઘેર બે સિંહ બાળોનું આગમન થયું છે. ભલે વિશાળ અને મોકળા પાંજરામાં રહેતા હોય પણ આ સિંહ દંપતી આ માનવ નિર્મિત જંગલમાં રાજવી યુગલના સ્થાને તો છે જ. એટલે એમનું નામ રાજા રાણી રાખવામાં આવ્યું છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટીના જનસંપર્ક અધિકારી રાહુલ પટેલે જણાવ્યું કે, અહીં ભારતની ઝુ ઓથોરિટીએ નિર્ધારિત કરેલા તમામ માપદંડોને અનુસરીને જ પ્રાણીઓની કાળજી લેવામાં આવે છે. પરિણામે અહીંના નિવાસી દીપડા અને હરણ યુગલ, વિવિધ પક્ષીઓ પછી આજે રાજવી સિંહ દંપતીના આંગણે પારણું બંધાયું છે. સોમવારની મધ્ય રાત્રિએ સિંહણને થયેલી સુવાવડથી બે બાળ સિંહોનું સફારી પરિવારમાં આગમન થયું છે.

આ જંગલ સફારી રોજે રોજ પ્રવાસીઓની અવર જવર વચ્ચે સાવ સહજ તણાવ મુક્ત સિંહણનો પ્રસવ ચોક્કસ એક મોટી ઘટના છે. 230 દિવસ એટલે કે લગભગ સાત મહિનાથી વધુ સમયના ગર્ભકાળ પછી સિંહણ રાણીએ બાળ જન્મ આપ્યો છે. સિંહણના પ્રસવ પછી થોડા સમય સુધી બચ્ચાની જાતિ (લિંગ) કળી શકાતી નથી એટલે આ ચુલબુલ બાળ સિંહો કુંવર છે કે કુંવરીએ હાલમાં કહી શકાય તેમ નથી.યોગ્ય સમયે એમની જાતિ પ્રાણી શાસ્ત્રીઓ નક્કી કરે તે પછી ઉચિત સમયે તેમનું નામકરણ કરવામાં આવશે.

આપણી પરંપરા પ્રમાણે નામ પાડવાનો અધિકાર ફોઈનો હોય તો સફારી પરિવારમાં સિંહબાળોના નામ પાડવાનો અધિકાર તો દીપડી ફોઈને જ મળશે એવી વાતો સાથે જંગલ સફારીના અધિકારીઓ મઝાક મસ્તી પણ કરી રહ્યા છે.હરણ અને દીપડા પછી સિંહ યુગલના પ્રસન્ન દાંપત્યના પગલે પ્રજનન અને સફળ પ્રસવની ઘટના, આ લોકો કેટલા વાત્સલ્ય ભાવ, ચાહના અને ઉષ્માથી આ વન્ય જીવન સંપદાનું અહીં જતન કરે છે એનો બોલકો અને સચોટ પુરાવો આપે છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat