Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > 1960ના દાયકામાં અફઘાન મહિલાઓની લાઇફ ખૂબજ ગ્લેમરસ હતી

1960ના દાયકામાં અફઘાન મહિલાઓની લાઇફ ખૂબજ ગ્લેમરસ હતી

0
353

તાલિબાનોએ બે દાયકા પછી અફઘાનિસ્તાન પર કબ્જો જમાવતા અફઘાનિસ્તાનની મહિલા માટે ફરી પનોતી બેઠી છે. તાલિબાન શાસકોએ ભૂતકાળમાં મહિલાઓ પર જે અત્યાચાર કર્યા હતા તેને કોઇ ભૂલ્યું નથી. જો કે એ જાણીને નવાઇ લાગશે કે તાલિબાન કલ્ચર અફઘાનિસ્તાનમાં વિકસ્યું ન હતું તે પહેલાના સમયમાં અફઘાન મહિલાઓને ઘણી સ્વતંત્રતા હતી. કાબુલની ગલીઓ મહિલાઓ મુકત રીતે હરી ફરી શકતી હતી.

1950માં અફઘાનિસ્તાનના આધુનિકીકરણનો દોર શરુ થયો હતો. ઐતિહાસિક અનુભવો સારા ન હોવાથી તત્કાલિન વડાપ્રધાન મોહમ્મદ દાઉદે બુરખો પહેરવો કે નહી એ સ્વૈચ્છિક કરી નાખ્યો પરંતુ મહિલાઓને હેલ્થ,એજ્યુકેશન સેકટરમાં આગળ વધવા પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. 1960ના દાયકામાં અફઘાન મહિલાઓની લાઇફ ખૂબજ ગ્લેમરસ હતી. એક સમયે ગુરવી ફેશન શો થતા હતા.

   1964માં બંધારણીય સુધારા હેઠળ મહિલાઓને શિક્ષણ અને રાજકારણમાં સ્થાન મળતા યુનિવર્સિટીઓની ફેકલ્ટી અને સંસદમાં મહિલાઓની ગુંજ સંભળાવા લાગી હતી. પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી ઓફ અફઘાનિસ્તાન (પીડીપીએ)એ સોવિયત સંઘ સમર્થિત સમાજવાદી સંગઠનની રચના કરી હતી. એક માહિતી મુજબ 1980ના દાયકાના અફઘાનિસ્તાનમાં 7 હજાર મહિલાઓ ઉચ્ચ શિક્ષણ સંસ્થામાં હતી.

2.30 લાખ છોકરીઓ આસપાસની સ્કૂલોમાં અભ્યાસ કરતી હતી. 190 મહિલાઓ પ્રોફેસર અને 22 હજાર મહિલા શિક્ષક હતી. સાયન્સ, મેડિસીન અને સિવિલ સેવામાં પણ મહિલાઓની નિમણુંક કરવામાં આવી હતી. છોકરીઓના નાની ઉંમરે લગ્નો તો થતા હતા છતાં પુરુષોના ગણાતા ક્ષેત્રમાં ઝડપભેર પ્રવેશ કરી રહી હતી. અફઘાની છોકરા છોકરીઓ થિએટર અને યુનિવર્સિટીમાં સાથે ફરતા હતા.

1979માં સોવિયત સંઘ રશિયા (યુએસએસઆર)ના સૈન્યએ અફઘાનિસ્તાન પર કબ્જો કરતા એક દાયકા સુધી ધમાસાણ ચાલ્યું હતું. અમેરિકા, પાકિસ્તાન, ઇરાન અને સાઉદી અરેબિયાની મદદ અને સમર્થનથી રશિયનદળો સામે કટ્ટરપંથી મુજાહિદીનોએ લડત આદરી હતી. મુજાહિદીનોમાં અફઘાનિસ્તાનની પરંપરાગત સંસ્કૃતિ ખતરામાં હોવાનો ડર પેદા કરવામાં આવ્યો હતો.

1989માં સોવિયત સંઘ અફઘાનિસ્તાનમાંથી ખસી ગયું પરંતુ મજબૂત આર્મી ધરાવતા મુજાહિદીનોએ કાબુલ પર કબ્જો જમાવીને ઇસ્લામિક સ્ટેટ જાહેર કરી દીધું. તાલિબાન લિડર ગુલબુદ્દીન હિકમત્યારે નજીબુલ્લાહની સામે પડતા ગૃહયુધ્ધ શરુ થયું. 4 વર્ષ સુધી ચાલેલા વર્ગ વિગ્રહમાં સેંકડો મહિલાઓના અપહરણ, બળાત્કાર અને હત્યાઓ થઇ.

છેવટે તાલિબાનોએ કાબૂલ તરફ કૂચ કરી જેમાં મુલ્લા ઉંમર સહિતના મોટા ભાગના તાલિબાની લીડર્સ પાડોશી પાકિસ્તાનની વ્હાબી સ્કૂલોમાં શિક્ષિત ગરીબ ગ્રામીણો હતા. તાલિબાની શાસન પહેલા મોટા પાયે મહિલાઓ શિક્ષણ કાર્ય સંભાળતી હતી. મહિલાઓની નોકરી પર પ્રતિબંધ મુકાતા બાળકોના ભણતર પર વિપરીત અસર થવા લાગી. મહિલાઓ માટે ફરજીયાત બુરખાપ્રથા અમલમાં મુકવામાં આવી.

અલકાયદાના કમાંડરોએ માનવ તસ્કરી નેટવર્ક હેઠળ સેંકડો મહિલાઓના અપહરણ કરીને પાકિસ્તાનમાં વેશ્યાવૃતિ અને ગુલામી માટે વેચી દીધી. મહિલાઓએ તાલિબાનોના અત્યાચારોથી બચવું હોયતો છુપાઇને રહેવું એજ એક માત્ર ઉપાય હતો.

જીગરબાજ શિક્ષિત મહિલાઓ તાલિબાનોના ખોફ વચ્ચે ગુપ્ત સ્થળે સ્કૂલો ચલાવીને જીવ વિજ્ઞાાન, રસાયણ વિજ્ઞાન, અંગ્રેજી, ધર્મશાસ્ત્ર, પાક શાસ્ત્ર, સિલાઇ અને વણાટ જેવા વિષયો શિખવતી હતી. શિક્ષણ આપતા પકડાયેલી અનેક મહિલાઓને જેલમાં પુરીને તાલિબાનોએ અત્યાચાર ગુજાર્યો હતો. 20 વર્ષ પછી ફરી તાલિબાન શાસકો મહિલાઓને બાનમાં રાખીને અત્યાચાર કરે તેવી પરીસ્થિતિ ઉભી થઇ છે. આમ પણ આધુનિકતા અને જડવાદની રાજકિય સ્થિતિ વચ્ચે અટવાયેલી અફઘાન મહિલાઓએ હંમેશા વેઠવાનું જ આવ્યું છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat