અમદાવાદ: આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે અંગદાતા ભાવનાબેન ઠાકોરના ઘરે જઈ બેસણામાં હાજર રહીને તેમના પરિવારજનોને સાંત્વના આપી આભાર માન્યો હતો. અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકા સ્થિત ભોજવા ગામે અંગદાતા ભાવનાબેન ઠાકોરના ઘરે તેમના પરિવારજનો સાથે ભાવસભર મુલાકાત લીધી હતી.
આરોગ્ય મંત્રીએ રાજ્ય સરકાર વતી ભાવનાબેનના પરિવારજનોને પ્રશસ્તિ પત્ર આપીને આ સેવા કાર્ય બદલ તેમનું સન્માન પણ કર્યું હતું. પરિવારજનો દ્વારા કરેલો અંગદાનનો હૃદયસ્પર્શી નિર્ણય રાજ્યના અનેક પરિવારો માટે ઉદાહરણરૂપ બની રહેશે એવો ભાવ મંત્રીશ્રીએ આ ભાવુક ક્ષણે પ્રગટ કર્યો હતો. ખરા અર્થમાં આ બીજા માટે ઘણું પ્રેરણાદાયી કામ કહી શકાય કેમ કે અંગ દાન કરવું એ મહાદાન કહેવામાં આવે છે અને અનેક લોકોના જીવ બચે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ત્રણ દિવસ અગાઉ ભાવનાબેન પટેલ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બ્રેઇનડેડ થતા તેમના પરિવારજનોએ અંગદાન નો પવિત્ર નિર્ણય કર્યો હતો. અંગદાનમાં બે કીડની અને લિવરનું દાન પ્રાપ્ત થયું જે જરૂરિયાત મંદ ૩ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવ્યું છે.જેના થકી જરૂરિયાત મંદ પીડિત દર્દીઓને નવજીવન મળ્યું છે.