અમદાવાદ શહેરમાં કોરોના વાયરસની બીજી લહેરમાં લોકોના ધંધા રોજગાર પર માઠી અસર જોવા મળી હતી. ત્યારે હવે ધીમે ધીમે તમામ ધંધાઓ શરુ થવા લાગ્યા છે અને પ્રોપર્ટી માર્કેટ તથા હોટલ ઉદ્યોગમાં તેજી જોવા મળી રહી છે. શહેરની જાણીતી હોટલ ગ્રાન્ડ ભગવતીનો સોદો 50 કરોડમાં થયો છે.
શહેરના એસ.જી. હાઇવે પર આવેલ હોટલ ગ્રાન્ડ ભગવતી હોટેલ એઆઇએસ ટ્રેડેક્સ પ્રાઇવેટ લી.વતી તેના ડાયરેક્ટર ઇમ્તિયાઝ દેસાઇએ આ હોટલ ખરીદી છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી પ્રમાણે આ હોટલનો દસ્તાવેજ રૂ. 50 કરોડમાં થયો છે. બિલ્ડિંગનું કુલ ક્ષેત્રફળ 10575 ચો.મી છે. ત્યારે આ પ્રમાણે ગણીએ તો આ બિલ્ડિંગમાં પ્રતિ ચો.મી. 4728નો ભાવ ગણી શકાય.
ગ્રાન્ડ ભગવતીના વેચાણ બાદ પણ તેનું સંચાલન તો કેટલાંક સમય સુધી નરેન્દ્ર સોમાણીને હસ્તક રહેશે. ગ્રાન્ડ ભગવતીના નવા સંચાલકો પાસેથી આ જગ્યા લીઝ પર લેવાઇ હોવાનું જાણવા મળે છે. આ અંગે દિવસથી ગ્રાન્ડ ભગવતીના નરેન્દ્ર સોમાણીના સંપર્કનો ભાસ્કરે પ્રયાસ કર્યો હતો.