Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > સહકારી સંસ્થાઓમાં વધી રહેલા ભ્રષ્ટાચાર સામે વહીવટમાં સરકારની સીધી નજર જરૂરી

સહકારી સંસ્થાઓમાં વધી રહેલા ભ્રષ્ટાચાર સામે વહીવટમાં સરકારની સીધી નજર જરૂરી

0
90

વિશાલ મિસ્ત્રી રાજપીપળા: “ભ્રષ્ટાચાર” કદાચ આ શબ્દ દેશની જનતાના કાનમાં રોજ બરોજ ગુંજતા જરૂર હશે પણ નવાઈ તો નહીં જ હોય કારણ લોકો પણ હવે ભ્રષ્ટાચાર શબ્દના આદિ બની ગયા છે.જ્યાં જુઓ ત્યાં ભ્રષ્ટાચાર સિવાય કોઈ વાત છે જ નહીં, અને ભ્રષ્ટાચાર વધ્યો એનું કારણ ક્યાંક ને ક્યાંક જનતાને પણ ગણી જ શકાય.ભ્રષ્ટાચાર માટે સરકાર અને સહકાર એ બે મુખ્ય કેન્દ્ર છે.એ કોઇની પણ સરકાર હોય સરકારમાં તો ભ્રષ્ટાચાર થાય જ છે પણ સહકારી ક્ષેત્રમાં પણ ભ્રષ્ટાચારે માઝા મૂકી છે.સહકારી ક્ષેત્રમાં કાયદાની છટકબારીઓ જ એટલી બધી છે કે ભ્રષ્ટાચારીઓને ભ્રષ્ટાચાર કરવામાં ફાવટ આવી ગઈ છે.

જો સત્તાના 2 મુખ્ય કેન્દ્રો જ ભ્રષ્ટાચારથી ખદબદતા રહેશે તો સ્થિતિ કેટલી હદે બગડશે એ કેહવું મુશ્કેલ છે.સહકારી ક્ષેત્રમાં ભ્રષ્ટાચાર થાય છે અને એમાં કોઈ એક રાજકીય પક્ષ વિરોધ કરતું નથી એનું કારણ એ છે કે સહકારી ક્ષેત્રમાં અલગ અલગ રાજકીય પક્ષો એક જ પાટલીએ બેઠેલા હોય છે.સરકારી ક્ષેત્રમાં વહિવટમાં સરકારની સીધી નજર હોવા છતાં જો ભ્રષ્ટાચાર થતો હોય તો સહકારી ક્ષેત્રના વહીવટમાં તો સરકાર ચંચૂપાત કરતી જ નથી, એના પરથી નક્કી કરી શકાય કે સહકારી ક્ષેત્રે ભ્રષ્ટાચાર કેટલી હદે ખદબદતું હશે.હાલમાં જ ગુજરાતના સહકાર વિભાગે એવો એક ખુલાસો કર્યો છે કે ઉચાપાત, પોલીસ ફરિયાદ, દૂધની ઓછી આવકને લીધે ગુજરાતની 1272 દૂધ સહકારી મંડળીઓ બંધ થઈ ગઈ છે.એ મંડળીઓમાં સૌથી વધુ દાહોદની 170 અને નર્મદાની 152 મંડળીઓનો સમાવેશ થાય છે.અહીં એ નોંધવું રહ્યું ભારત દેશના 19 અતિ પછાત જિલ્લાઓ માંથી ગુજરાતના દાહોદ અને નર્મદા જિલ્લાનો સમાવેશ થાય છે.અતિ પછાત જિલ્લાઓમાં તો સરકાર વિકાસ માટે વધુ ધ્યાન આપે છે અને ગ્રાન્ટ પણ વધુ ફાળવે છે.કદાચ એ જ ગ્રાન્ટનો દુરુપયોગ થતો હશે એવું લાગી રહ્યુ છે, બાકી આ બે જિલ્લાઓની આવી હાલત ન હોત.

પણ અહીંયા પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે આ બંધ થયેલી દૂધ ડેરીઓના વહિવટકર્તાઓ પર કડક કાર્યવાહી થશે કે કેમ? કાર્યવાહી કરવામાં પણ નરોવા કુંજરોવાની નીતિ અખત્યાર કરાય છે.હાલમાં જ ગણેશ સુગરના ચેરમેન સંદીપ માંગરોલા વિરુદ્ધ કાર્યવાહી થઈ, સંદીપ માંગરોલા કોંગ્રેસના કાર્યકર છે.તો બીજી બાજુ ભાજપ પ્રેરિત કેટલીયે એવી સહકારી સંસ્થાઓના ચેરમેન વિરુદ્ધ ભ્રષ્ટાચારની ફરિયાદ ઉઠી છે તો એમની વિરુદ્ધ કેમ કોઈ કાર્યવાહી કરાતી નથી.સહકારી સંસ્થાઓ શરૂ કરવા માટે તો સરકાર જ નાણાં પુરા પાડે છે, સરકારી રૂપિયે સહકારી સંસ્થાઓ શરૂ તો કરી દેવાય છે અને આગેવાનો માલ મલીદો ખાય પણ લે અને પચી પણ જાય છે ત્યાં સુધીમાં તો એ સંસ્થા ખોટ કરતી થઈ જાય છે અંતે એને ખંભાતી તાળા મારવાનો વારો આવે.

હાલમાં ગુજરાતની એવી કેટલીયે સંસ્થાઓ એવી છે જે માત્ર કાગળ પર ચાલે છે તો અમુક સંસ્થા માત્ર ખોટ કરે છે, એવી સહકારી સંસ્થાઓના કર્મચારીઓના પગાર પણ સમયે સમયે થતા નથી, પણ એ સંસ્થાઓની જ્યારે ચૂંટણીઓ આવે ત્યારે માત્ર વટ ખાતર ઉમેદવારો એ ચૂંટણી જીતવા લાખો રૂપિયા ખર્ચી કાઢે છે.ખોટ ખાતી સંસ્થાઓની ચૂંટણી યોજવા સરકાર પરવાનગી જ કેમ આપતી હશે એ પ્રશ્ન અહીંયા ઉપસ્થિત થાય છે.ચૂંટણી જીતવા જો લાખો રૂપિયા ખર્ચાતા હોય તો ખોટ ખાતી સંસ્થાને ઉભી કરવા કેમ ખર્ચાતા નથી? ખોટ ખાતી સહકારી સંસ્થાઓને ચાલુ રાખીને ફાયદો શુ થતો હશે?

ગુજરાતમાં કેટલીયે સહકારી સંસ્થાઓમાં મત બેન્ક ઊભી કરવા બોગસ મતદારો ઉભા કરાય છે, તો એની સામે કેમ કોઇ પગલાં લેવાતા નથી, આવી ગંભીર બાબતોની સરકારને જાણ નહિ હોય એવુ માની શકાય ખરુ? બસ સત્તાધારી પક્ષના નેતાઓએ તો પોતાની હાટડીઓ ચાલુ રાખવા સરકારી રૂપિયે લીલા લેર કરવા ગમે તેમ કરીને મારી મચોડીને પણ સંસ્થાઓને ચાલુ તો રાખવી જ છે, મરશે તો “રૂ” વાળો કપાસિયા વાળાને શુ? સહકારી સંસ્થાઓને પ્રાથમિક તબક્કે ચાલુ કરવા માટે સરકાર જ્યારે ગ્રાન્ટ ફાળવે છે ત્યારે એ યોગ્ય રીતે ચાલે છે કે કેમ એ જોવાની એટલી જવાબદારી સરકારની પણ છે જ.અને જો સરકાર સહકારી સંસ્થાઓના વહીવટમાં માથું મારતી જ ન હોય તો એમાં ક્યાંકને ક્યાંક સરકારનો પણ ફાયદો હોવો જ જોઈએ.

આ પણ વાંચો: ગુજરાત ડ્રગ્સ માટે બફર રાજ્ય, ગુજરાતથી વિદેશમાં ડ્રગ્સ જવા લાગ્યું

સરકાર ખોટ કરે કે સહકારી સંસ્થાઓ ખોટ કરે, એમાં મરો તો બિચારી જનતાનો જ થવાનો છે.જનતાના પરસેવાના રૂપિયાથી જ દેશનો આર્થિક વહીવટ ચાલી રહ્યો છે.આર્થિક સ્થિતિ નબળી હશે તો એને સુધારવા માટે જનતા પર ટેક્ષના વધારા રૂપી બોજ નાખવામાં આવશે.વહીવટકર્તાઓને તો શું છે એક નહિ તો બીજી સહકારી સંસ્થામાં કબજો જમાવી બેસી જશે.ગુજરાતની મોટી મોટી સહકારી સંસ્થાઓમાં દિગગજો વર્ષોથી પોતાનો અડિંગો જમાવીને બેઠા છે નિયમો નેવે મૂકી સરમુખત્યાર વહીવટ ચલાવી રહ્યાં છે એવા લોકોને લીધે જ તો આજે ભ્રષ્ટાચાર વધ્યો છે.સહકારી સંસ્થાઓમાં વહીવટ કોણ કરશે એની યોગ્ય લાયકાત સરકારે નક્કી કરવી જોઈએ.બાકી અંગુઠા છાપ ખુરશી પર બેસી રહેશે અને ભણેલો ગણેલો વ્યક્તિ એમની સેવા ચાકરી કર્યા કરશે.

આવો જ કંઈક હાલ મોટા મોટા ટ્રષ્ટોનો પણ છે જ.વિકાસના નામે ટ્રસ્ટ શરૂ કરી શરૂઆતના દિવસોમાં સરકાર પાસેથી ગ્રાન્ટ મેળવી સારા કામો કરે પણ છે.પણ સમય જતા એ જ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સંસ્થાને પોતાના બાપની જાગીર સમજી પોતાની તિજોરીઓ ભરવાનું કામ કરે છે.એવા ટ્રષ્ટો માત્ર કાગળ પર જ યોગ્ય કામગીરી કરે છે જ્યારે રિયાલિટી ચેક કરીએ તો માત્રને માત્ર ભ્રષ્ટાચાર જ થતો હોય છે આવા અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા જ છે.ટૂંકમાં જનતા આજે જે મોંઘવારીનો સામનો કરી રહી છે એની પાછળ ઉપરના આ તમામ કારણો જવાબદાર હોઈ શકે એમ કહીએ તો ખોટું નથી.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat