Gujarat Exclusive > દેશ-વિદેશ > ગુજરાતના ઉદ્યોગકારો દ્વારા ગુજરાતમાં પ્રથમ વાઇબ્રન્ટ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બનાવાશે

ગુજરાતના ઉદ્યોગકારો દ્વારા ગુજરાતમાં પ્રથમ વાઇબ્રન્ટ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બનાવાશે

0
2
  • અમદાવાદથી 75 કિલોમીટર દુર વાઇબ્રન્ટ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ડેવલપ કરવામાં આવશે.
  • ગુજરાતમાં વર્ષ 2030 સુધીમાં 25000 હેકટરમાં સ્માર્ટ ક્લસ્ટર પાર્ક બનાવવાની ઇચ્છા
  • પ્રથમ પાર્ક ડિસેમ્બર 2023 સુધીમાં શરૂ કરી દેવાનો દાવો

ગાંધીનગર: ઉદ્યોગ સાહસિકોના અનુભવ અને તેમને પડતી તકલીફો નિવારવા માટે ગુજરાતમાં પ્રથમ સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બનાવવામાં આવશે. તબક્કાવાર રાજ્યના જુદા જુદા શહેરોમાં પાર્ક બનાવવામાં આવશે. સમગ્ર પ્રોજેકટ 4500 કરોડનો છે. પાર્ક ડેવલપ થયા બાદ 20 હજાર કરોડનું રોકાણ થશે. ગુજરાતના જુદા જુદા શહેરોમાં સ્થાપિત પાર્કના કારણે 1 લાખ લોકોને રોજગારી પ્રાપ્ત થશે તેમ વાઇબ્રન્ટ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક લિમિટેડના ચેરમેન શૈલેષ પટવારીએ જણાવ્યું છે.

તેમણે મીડિયાને વધુમાં જણાવ્યું કે ગુજરાતમાં શરૂઆતમાં ખંભાત તાલુકાના ગોલાણાં ગામ પાસે ઉભો કરાશે. આ પાર્કમાં 1 હજાર હેકટરમાં અંદાજે 600 જેટલા વિવિધ ઉદ્યોગોને વિકાસ પામવાની તક મળશે. 5મી ફેબ્રુઆરીએ પ્રોજેકટ લોન્ચ કરવામાં આવશે. આ પાર્ક માટેની 1350 એકર જમીન સંપાદિત થઈ ગઈ છે. 600 એકરમાં સંપાદિત માટેની કાર્યવાહી થઈ રહી છે. જાન્યુઆરીના અંત સુધીમાં પ્રોજેકટને લગતી કાર્યવાહી પૂર્ણ થઈ જશે.

અગ્રણી ઉધોગકારો દ્વારા બનાવવામાં આવેલી વાઇબ્રન્ટ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક લિમિટેડમાં દરેક ઇન્ડસ્ટ્રીઝના લોકો જોડાયેલા છે. અત્યારસુધીમાં 50 કરોડથી વધુનું રોકાણ થયું છે. અત્યારે પ્રથમ તબક્કામાં 19 લોકો જોડાયા છે. પરંતુ આ અંગેની જાણ દરેકને કરવામાં આવી છે. ટૂંક સમયમાં જ 500 ઇન્ડસ્ટ્રીઝ આ પ્રોજેકટમાં જોડાશે તેવો દાવો તેમણે કર્યો હતો.

વધુમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ( GIIC ) ના પૂર્વ પ્રમુખ પટવારીએ કહ્યું કે, પ્રથમ પાર્ક અમદાવાદથી 70-75 કિલોમીટર દૂર બનાવવામાં આવશે. આ પાર્ક 31 ડિસેમ્બર 2023 સુધીમાં શરૂ થઈ જશે. એટલું જ નહીં દરેક પાર્ક ગામથી 500 મીટરના અંતરે બનાવવામાં આવશે. આ પાર્ક બનવાથી ઇન્ડસ્ટ્રીઝમાંથી નીકળતા પ્રદુષિત પાણીમાંથી 85 ટકા આધુનિક ટેકનોલોજીના કારણે રિયુઝ થઈ શકશે. બાકીનું 15 ટકા પાણીને ડમ્પીંગ સાઈડમાં ઠલવાશે. જેનાથી પર્યાવરણના પ્રશ્નનો ઉકેલ આવી જશે. આ પ્રોજેકટમાં સરકાર પણ રસ ધરાવે છે. એટલું જ નહીં સરકાર તરફથી સબસીડી પણ મળશે.

શૈલેષ પટવારીએ કહ્યું કે, ગુજરાતમાં વર્ષ 2030 સુધીમાં 25000 હેકટરમાં સ્માર્ટ ક્લસ્ટર પાર્ક બનાવવા માંગે છે. જેમાં કેમિકલ્સ, ફર્નિચર, ટાઇલ્સ, એન્જિનિયરીગ, ફાર્મા, પેપરમિલ, ટેકસટાઇલ જેવા વિવિધ સેક્ટરોના પાર્ક બનાવાશે.

આ પાર્કમાં અત્યાધુનિક સી.ઇ.ટી.પી., સ્પ્રે ડ્રાયર, એમ.ઇ., સોલ્વન્ટ રિકવરી, સોલિડ વેસ્ટ સાઇટ, કો-પ્રોસેસ સેન્ટર, દરિયાના પાણીને શુદ્ધ કરવાનો પ્લાન્ટ, સોલર એનર્જી, કોમન બોઇલર સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવશે. જેના કારણે પર્યાવરણ કે પછી અન્ય કોઇ પણ પ્રકારની પરવાનગી ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં પોતાનું યુનિટ ઊભા કરનાર ઉદ્યોગકારોને લેવી નહીં પડે.

કયા પ્રકારના કેટલા ઉદ્યોગો જોડાશે ?

ધંધાનો પ્રકાર યુનિટની અંદાજીત સંખ્યા

કેમિકલ્સ. 400
ફાર્મા. 050
ટેકસટાઇલ 025
ફૂડ. 025
એન્જીનયરીગ 050
પેપરમિલ એન્ડ પેકેજીંગ 020
લોજીસ્ટિક, વેરહાઉસીંગ, કોલ્ડ સ્ટોરેજ 030

કુલ. 600

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat