Gujarat Exclusive > ગુજરાત > ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનો પ્રથમ પદવીદાન સમારોહ યોજાયો

ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનો પ્રથમ પદવીદાન સમારોહ યોજાયો

0
53

ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જૂનાગઢની ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના પ્રથમ પદવીદાન સમારોહમાં પદવી પ્રાપ્ત યુવા વિદ્યાર્થીઓને સમાજ પ્રત્યેની પોતાની કર્તવ્ય ભાવના સાથે રાષ્ટ્રહિત માટે સમર્પિત થવા આહવાન કર્યુ હતુ. 2015માં સ્થપાયેલી આ ભક્તિ કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી સંલગ્ન 162 કોલેજીસના 30 હજારથી વધુ છાત્રોને વિવિધ 6 ફેકલ્ટીઝમાં પદવીઓ અને તજજ્ઞતા પ્રાપ્ત 43 દિકરીઓ સહિત 54 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

પોરબંદરના સાંદિપની ગુરૂકુળ આશ્રમના પ્રણેતા અને પ્રસિદ્ધ ભાગવત કથાકાર રમેશ ઓઝાને આ યુનિવર્સિટી દ્વારા માનદ્ ડૉકટરેટની પદવી પણ મુખ્યમંત્રીએ આ પદવીદાન સમારંભમાં એનાયત કરી હતી.મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ પ્રસંગે યુવા વિદ્યાર્થીઓને પ્રેરણા આપતા કહ્યુ કે, કોન્વોકેશન-પદવીદાન એતો ભારતીય ગુરૂકુળ પરંપરામાં સદીઓથી ચાલતી આવતી શિક્ષા-દિક્ષાની આગવી વિશેષતા છે. ભગવાન શ્રીરામચંદ્ર, શ્રીકૃષ્ણએ પણ ગુરૂવર્યોના આશ્રમમાં રહીને જ શિક્ષા-દિક્ષા મેળવી હતી.

તેમણે પદવી પ્રાપ્ત વિધાર્થીઓને સ્પષ્ટ પણે જણાવ્યુ કે, હવે તમારે ઘેઘુર વડલાની વડવાઇઓની જેમ કારકિર્દી ઘડતર અને કેરીયરમાં વિશાળ સમાજ હિત વટવૃક્ષ જેવા બનવાનુ છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યુ કે, સંસ્કૃત યુનિવર્સિટી અને યોગ યુનિવર્સિટી જેવી ભારતીય પરંપરાગત શિક્ષણ પ્રણાલીથી યુવાઓને સજ્જ કરતી યુનિવર્સિટીઓ સાથો સાથ ગુજરાતે સમયાનુકુલ શિક્ષણ માટે સેક્ટરલ યુનિવર્સિટીઓ શરૂ કરીને ફોરેન્સીક સાયન્સ, પંડીત દિનદયાળ એનર્જી યુનિવર્સિટી, રક્ષાશક્તિ યુનિવર્સિટી, લો યુનિવર્સિટી, જેવી આધુનિક શિક્ષણ સુવિધાઓ યુવાઓને ઘર આંગણે પુરી પાડી છે. ‘‘સમાજ હિત અને રાષ્ટ્ર હિતને જ સર્વોપરિ માનીને વ્યક્તિગત જીવન ઘડતર સાથે સમાજે આપણને અત્યાર સુધી જે આપ્યુ છે તે હવે આપણે સમાજને પરત આપવાની શરૂઆત થાય છે’’ તેમ વિજય રૂપાણીએ ડીગ્રી પ્રાપ્ત કરી રહેલા યુવા વિદ્યાર્થીઓને પ્રેરણા આપતા જણાવ્યુ હતુ.

મુખ્યમંત્રીએ આ યુનિવર્સિટીનુ નામ જેની સાથે જોડાયેલુ છે તે ભક્ત કવિ નરસિંહ મહેતાના ભજન વૈષ્ણવજન તો તેને રે કહી એ જે પીડ પરાઇ જાણે રે… નો વિશેષ ઉલ્લેખ કરતા યુવાનોને આહવાન કર્યુ કે, હવે તમારે વૈષ્ણવજન તરીકે સમાજના દુખી-પીડીત-જરૂરતમંદ લોકોની સંવેદના સમજીને તેમના કલ્યાણ માટે, સમાજ દાયિત્વ માટે કર્તવ્યરત રહેવાનુ છે.

તેમણે નવિન પંખ કે લીયે નવિન પ્રાણ ચાહીયેની વિભાવના આપતા જણાવ્યુ કે, પાઠ્યક્રમની શિક્ષા મેળવ્યા પછી હવે મા ભારતીને વિશ્વગુરૂ બનાવવા, નયા ભારતનુ નિર્માણ કરવા નવી ઉર્જા અને સામર્થ્યથી યુવાનોએ સજ્જ થવાનુ છે. મુખ્યમંત્રીએ આત્મનિર્ભર ભારત અને ઉત્તમથી સર્વોત્તમ ગુજરાત બનાવવામાં યુવા શક્તિ પોતાના જ્ઞાન-કૌશલ્ય અને સંપૂર્ણ સમર્પણ ભાવથી સંવાહક બને તેવુ આહવાન પણ કર્યુ હતુ.

આ તકે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યુ હતુ કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીનું સૂત્ર છે કે, ગુજરાત જોબ સીકર નહિ, જોબ ગીવર બને જેના ભાગરૂપે ગુજરાત એકમાત્ર રાજ્ય છે. જેને યુવાનો માટે ગુજરાત સ્ટાર્ટઅપ સ્ટુડન્ટ પોલીસી શરૂ કરી છે. શિક્ષણમંત્રીએ વધુમાં પદવીધારકોને અભિનંદન પાઠવતા કહ્યુ હતુ કે, આજ સુધીની પરીક્ષા સીલેબસ આધારીત હતી. હવે અનએક્સપેક્ટેડ હશે. તેમણે વિદ્યાર્થીઓને ટીપ્સ આપતા વ્યવહારીક જીવનમાં રાષ્ટ્રના નિર્માણમાં સહભાગી બનવા આહવાન કર્યુ હતુ.

આ તકે જાણીતા ભાગવત કથાકાર રમેશ ઓઝાએ પદવીધારકોને આશીર્વચન પાઠવતા જણાવ્યુ હતુ કે, આજે વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને ગરીમાપૂર્ણ જવાબદારીના ભાવ સાથે પોતાની પદવીને સ્વીકારવાનો અવસર છે. શાળા, મહાવિદ્યાલયો, વિશ્વવિદ્યાલયો મળીને આપણને લાયક બનાવે છે. અને પછી એક ડિગ્રી એનાયત કરે છે. એક લાયકાત અહિથી પ્રાપ્ત થાય છે. લાયકાત એ માત્ર પ્રમાણપત્ર જ નથી, આપણા પદ સાથે જવાબદારી પણ જોડાયેલી છે.

આ પણ વાંચો: જૂનાગઢને સૌરાષ્ટ્રની ટુરીઝમ સર્કિટ સાથે જોડીને પર્યટન વિકાસનુ હબ બનાવવું છે -મુખ્યમંત્રી

ભાઇએ પદવીધારકોને કૌશલ્ય, નિષ્ઠા અને જવાબદારી સાથે અસરકારક રીતે દરેક ક્ષેત્રે કામગીરી કરવા આહવાન કર્યુ હતુ. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ પ્રો.ડૉ.ચેતન ત્રિવેદીએ સૌનુ સ્વાગત કર્યું હતું. યુનિવર્સિટી પદવીદાન સમારોહમાં પ્રવાસન અને મત્સ્યોદ્યોગ મંત્રી જવાહર ચાવડા, શિક્ષણ રાજયમંત્રી વિભાવરી બેન દવે,જુદી-જુદી યુનિવર્સિટીના કુલપતિઓ, મેયર ધીરૂભાઇ ગોહેલ, ધારાસભ્ય દેવાભાઇ માલમ, જિલ્લા પંચાયત પ્રમુખ શાંતાબેન ખટારીયા, અગ્રણી પુનિત શર્મા, કિરીટ પટેલ, દિનેશ ખટારીયા, રેન્જ આઇ.જી. મનીન્દરસિંહ પવાર, જિલ્લા કલેક્ટર રચિત રાજ, જિલ્લા વિકાસ અધિકારી મીરાંત પરીખ, મ્યુ.કમિશનર આર.એમ.તન્ના, પ્રો.અતુલ બાપોદરા સહિત શિક્ષણવિદો, અધ્યાપકો, વિદ્યાર્થીઓ સહભાગી થયા હતા.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat