તેલંગાણાના જગતિયાલ જિલ્લામાંથી એક વ્યક્તિના મોતનો આશ્ચર્યમાં મૂકનાર કેસ સામે આવ્યો છે. પોલીસે આ કેસમાં આરોપી મુરઘાની ધરપકડ કરી લીધી છે. ધરપકડ કરાયેલા મુરઘા પર પોતાના માલિકની હત્યા કરવાનો આરોપ છે અને આ કેસમાં તેને સજા પણ મળી શકે છે. અસલમાં મુરઘાની ફાઈટનું આયોજન થવાનું હતુ. જેથી અનેક લોકો પોત-પોતાના મુરઘાઓને ફાઈટ માટે તૈયાર કરી રહ્યાં હતા. ફાઈટમાં હિસ્સો લેવા માટે ટી. સતૈયા નામના પોલ્ટ્રી માલિક પણ પોતાના મુરઘાને તૈયાર કરી રહ્યાં હતા.
22 ફેબ્રુઆરીની સવારે સતૈયા પોતાના કામ માટે પોલ્ટ્રી ફાર્મ આવ્યા હતા. તેમને મુરઘાના પગમાં એક 3 ઈંચનું ચાકુ બાંધ્યુ હતું. મુરઘાના પગમાં ચાકુ બાંધ્યા પછી તેને નીચે મૂકી દીધો હતો અને બીજા મુરઘાને ઉઠાવવા લાગ્યા હતા. આ દરમિયાન તે મુરઘો ચાકું ખોલવાની કોશિશ કરવા લાગ્યો. મુરઘાની કોશિશમાં સતૈયાની કમરમાં ચાકુ લાગી ગયો હતો અને તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયો. 45 વર્ષિય સતૈયા ફાઈટ માટે મુરઘાને તૈયાર કરવાનો માસ્ટર માનવામાં આવતો હતો.
કેસની તપાસ કરી રહેલી ગોલાપલ્લી પોલીસ સ્ટેશનના સબ-ઈન્સ્પેક્ટર જીવને જણાવ્યું કે, ચપ્પુ લાગવાના કારણે સતૈયાનું ખુબ જ લોહી વહીં ગયુ હતુ, જેના કારણે તેનું મોત નિપજ્યું. જીવને જણાવ્યું કે, એક ઓપન એન્ડ શટ કેસ છે. તપાસ માટે પોલીસે ચપ્પુને જપ્ત કર્યો છે અને મુરઘાની અનેક તસવીરો પણ લેવામાં આવી છે. હાલમાં મુરઘો પોલીસ કસ્ટડીમાં છે. મીડિયા રિપોર્ટ્સની માનીએ તો મુરઘાને કોર્ટમાં રજૂ પણ કરવામાં આવી શકે છે. જણાવી દઈએ કે, અન્ય એક કેસમાં આ વર્ષની જાન્યુઆરીમાં બે મુરઘાઓને સજાના રૂપમાં ત્રણ દિવસ જેલમાં રહેવું પડ્યું હતું.