ગાંધીનગર: ભારત એક વર્ષ સુધી G20ની અધ્યક્ષતા કરવાનું છે. ગુજરાતમાં પણ અલગ અલગ સ્થળોએ કુલ G20ની બેઠક યોજાવાની છે. 22થી 24 જાન્યુઆરી દરમિયાન ગાંધીનગરમાં 22થી 24 જાન્યુઆરી દરમિયાન “બિઝનેસ 20 (B20) ઇન્સેપ્શન”ની પ્રથમ બેઠક યોજાશે.
મહાત્મા મંદિર ખાતે યોજાનાર બી-20 ઇન્સેપ્શન મીટીંગ દરમિયાન 23મી જાન્યુઆરીના રોજ સાંજે “Gujarat’s G20 Connect” વિષય પર એક વિશેષ સેશનનું આયોજન કરાયું છે. આ સેશનમાં ગુજરાત સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી કેટલીક વિશેષ પરિવર્તનાત્મક પહેલો અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવશે. આ સેશનમાં સૌ પ્રથમ ગુજરાતનો પરિચય આપતી ફિલ્મનું નિદર્શન કરવામાં આવશે. ત્યારબાદ રાજ્યના ઉર્જા મંત્રી કનુ દેસાઈ, ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત અને TDS લિથિયમ-આયન બેટરી ગુજરાત પ્રાઇવેટ લિમિટેડના મેનેજીંગ ડીરેક્ટર હિસાનોરી તાકાશીબા “Gujarat: Accelerating Inclusive Growth and Sustainable Development” વિષય પર તેમના વિચારો રજૂ કરશે.
આ ઉપરાંત સેશનમાં ઝાઈડસ લાઈફ સાયન્સના ચેરમેન પંકજ પટેલ અને અરવિંદ લીમીટેડના એક્ઝીક્યુટીવ ડીરેક્ટર કુલીન લાલભાઈ પણ વિષય સંદર્ભે તેમના વિચારો રજૂ કરશે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકાર દ્વારા એશિયામાં સૌ પ્રથમવાર શરુ કરવામાં આવેલો ક્લાઈમેટ ચેન્જનો સ્વતંત્ર વિભાગ, મોઢેરા ખાતે શરુ કરવામાં આવેલો દેશનો સૌપ્રથમ સોલાર પાર્ક, ભારતનું સૌપ્રથમ 24X7 સોલાર પાવર સંચાલિત ગામ- મોઢેરા અને ગ્રીન મેન્યુફેક્ચરીંગને પ્રોત્સાહન આપવા જેવી વિશેષ પહેલો ગુજરાતને ગ્લોબલ વેલ્યુ ચેઈન સાથે જોડવાનું કામ કરશે. આ વિવિધ વિષયો પર સેશનમાં વિશેષ ચર્ચાઓ કરવામાં આવશે.