અમદાવાદ: ગુજરાતના ઇતિહાસના સૌથી મોટા ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ અમદાવાદ ક્રાઇમ બ્રાંચે કર્યો છે. 1400 કરોડના સટ્ટાનો પર્દાફાશ થતા પોલીસ પણ ચોકી ગઇ હતી. ગુજરાતના બે સૌથી મોટા સટ્ટાખોર રાકેશ રાજદેવ ઉર્ફ આરઆર અને ટૉમી પટેલ ઉર્ફ ટોમીએ એક જ સીઝનમાં 1,400 કરોડ રૂપિયાનો સટ્ટો લગાવ્યો હતો. પોલીસને તેનો હિસાબ પણ મળી ગયો છે. સટ્ટા કિંગ રાકેશ રાજદેવ ઉર્ફ આરઆર કાંડનો મુખ્ય આરોપી છે. 11 બેન્ક ખાતામાંથી 1400 કરોડની લેવડ દેવડ થઇ હોવાની જાણકારી સામે આવી છે.
Advertisement
Advertisement
પાટણમાં ખોટા દસ્તાવેજોના આધાર પર બેન્ક ખાતા ખોલવામાં આવ્યા હતા. ક્રાઇમ બ્રાંચે 170 કરોડ રૂપિયાની લેવડ દેવડનો ખુલાસો પણ કર્યો છે. ટોમી પટેલ ઉર્ફ ટોમી (ઉંઝા), રાકેશ રાજદેવ ઉર્ફ આરઆર, આકાશ ઓઝા, ખન્નાજી, આશિક ઉર્ફ રવિ પટેલ સહિત 5 આરોપીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. આ આખા ઘટનાક્રમમાં ઉત્તર ગુજરાત કનેક્શનનો પણ ખુલાસો થયો છે.
આ મોટા લોકો દૂબઇમાં બેસીને એશ-આરામની જીંદગી જીવે છે, વિલામાં રહે છે, મોંઘી દારૂ પીવે છે. સટોડિયાઓ વિરૂદ્ધ વિદેશમાં પૈસા ટ્રાન્સફર કરવાની પણ વાત સામે આવી છે. આટલુ જ નહી આ લોકોનું કેટલાક રાજકીય નેતાઓ સાથે પણ સારા સબંધ છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચે આરોપીઓ સામે લુક આઉટ સર્કુલર નોટિસ જાહેર કરવાની તૈયારી કરી છે.
આ ઘટનાને લઇને અમદાવાદ ક્રાઇમના ડીસીપી ચૈતન્ય માંડલિકે કહ્યુ કે, “રાકેશ રાજદેવ અને ટોમીના 1400 કરોડ રૂપિયાના સટ્ટાનો હિસાબ અમને મળી ગયો છે. આ ઘટનામાં દૂબઇમાં હવાલા અને એક ડમી બેન્ક ખાતાની માહિતી મળી છે. હવે તેમના વિરૂદ્ધ લૂકઆઉટ નોટિસ જાહેર કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. હોંગકોંગ અને નેધરલેન્ડની ઘરેલુ મેચ પર પણ સટ્ટો રમાડવામાં આવતો હતો. રાકેશ રાજદેવે દૂબઇમાં પોતાનું સામ્રાજ્ય સ્થાપિત કરી લીધુ છે અને તે ત્યાથી જ આ કામને અંજામ આપે છે.
મોબાઇલ એપ્લિકેશન દ્વારા સટ્ટો રમાતો હતો
ક્રિકેટમાં કઇ ટીમ જીતશે અને કઇ ટીમ હારશે તેનો મોટાપાયે સટ્ટો રમાય છે. ગુજરાતમાં પણ આવા અનેક સટ્ટાખોર પોલીસની નજરથી બચીને સટ્ટો રમતા હોય છે. ટેકનોલોજી બદલાતા હવે સટોડિયાઓ મોબાઇલ એપ્લિકેશન દ્વારા સટ્ટો રમાડતા થયા છે. મોબાઇલ એપ્લિકેશન દ્વારા એકાઉન્ટ ખોલાવીને સટ્ટો રમાડવામાં આવે છે જેમાં સટોડિયાને ક્રેડિટ આપવામાં આવે છે, અથવા એડવાન્સ રૂપિયા પણ જમા થતા હોય છે. હાર-જીત બાદ એક એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવતા હોય છે. આ તમામ હિસાબ ભારતમાં નહી પણ મની લોન્ડિંગ દ્વારા વિદેશમાં જતો હોય છે.
Advertisement