Gujarat Exclusive > એક્સક્લૂઝિવ બ્લોગ > #Column: ઠાકોરભાઈને મન નાનામોટા સહુ સરખા

#Column: ઠાકોરભાઈને મન નાનામોટા સહુ સરખા

0
166

જયનારાયણ વ્યાસ: Column

પ્રસંગ સાવ નાનો છે.
માણસની માનવતા અને મોટાઈ શું કહેવાય એનું એ ઉદાહરણ છે.
વાત છે શ્રી ઠાકોરભાઇ દેસાઇની.
મોરારજી દેસાઈ જ્યારે બૃહદ મુંબઈ રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે ઠાકોરભાઈ તેમના અંગત સચિવ હતા.
આગળ જતાં ગુજરાતનું અલગ રાજ્ય થયું ત્યારે એ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ બન્યા.
હિતેન્દ્રભાઇ દેસાઇના મંત્રીમંડળમાં તેઓએ કેબિનેટ મંત્રી પદ શોભાવ્યું.
ઠાકોરભાઈ દેસાઈ પાસે પંચાયત, સહકાર, ખેતી, સર્વોદય યોજનાઓ અને ખાદી ગ્રામોદ્યોગ જેવા વિષયોના ખાતા આવ્યા.
શાહીબાગમાં હાલ જે રાજભવન એનેક્સી તરીકે વપરાય છે તે બંગલામાં ઠાકોરભાઈ રહેતા હતા. બંગલો જૂની ઢબનો. અંદરના ઓરડા કરતાં બહારનો ફરતો ઓટલો મોટો, પહોળો અને નળિયાવાળો. એ ઓટલા પર જ નાનકડી બેઠક અને હિંચકો. ઠાકોરભાઈ મુલાકાતીઓને આ ઓટલે જ મળતા. દિવસ-રાત ગમે ત્યારે કોઇ મુલાકાતી મળવા આવે ત્યારે એને મળવા આવતો રોકવાનો નહીં એવી સંત્રીઓને સુચના.Column

આ ઠાકોરભાઈ દેસાઈના દીકરી કિલબિલના લગ્ન લેવાયા. આ પ્રસંગનું વર્ણન કરતાં શ્રી જીતેન્દ્ર દેસાઇ પોતાના પુસ્તક ‘રવિયા દૂબળાના રખેવાળ ઠાકોરભાઈ દેસાઇ – કેટલાંક સંસ્મરણો’ના પાન. 78,79,80 પર લખે છે.

“મારી મોટીબહેન કિલબિલનું લગ્ન મુંબઈ થયેલું. આમ તો જાન અમદાવાદ આવે પણ મુંબઈમાં જ લગ્ન થાય તો સારું, એમ નક્કી થતાં ભાઈએ મુંબઈમાં, મોટે ભાગે શ્રી કે. કે. શાહની મદદથી હાજીઅલી પાસે રંગવાલાના બંગલા તરીકે ઓળખાતા બંગલામાં અમારો ઉતારો ગોઠવેલો, લગ્ન સમારંભ પણ ત્યાં જ.Column

કંકોતરી છપાવેલી નહીં. મુંબઈ અને અમદાવાદ બધે ભાઈ જાતે જ નિમંત્રણ માટે ગયેલા. મુંબઈમાં ભાણાભાઈ પાસે સાઈડકારવાળું લેમ્બ્રેટા સ્કૂટર હતું. તેમાં પણ ભાઈ મુંબઈમાં જ્યાં જવું હોય ત્યાં જતા. તેમના મિત્ર રણછોડ પટેલે તેમની ગાડી આપેલી. ગાડી એવી કે મુંબઈના વરસાદના ઝાપટામાં અંદર પાણી ટપકે. તે લઈ યશવંતરાવ ચવાણને લગ્નમાં આવવાનું નિમંત્રણ આપવા ભાઈ જાતે ગયેલા. યશવંતરાવે ભાઈને આવકાર્યા પણ પછી કહ્યું કે મારાથી તો તે દિવસે નહીં અવાય કારણ મારે દિલ્હી જવાનું છે.

એવામાં તેમણે ચવાણના પટાવાળાને જોયો. તેનું નામ વિઠ્ઠુ. વિઠ્ઠુ પાતળો ને લાંબો. ઊભો હોય ત્યાં દેખાયા વગર ન રહે. વળી માથે દોરીદાર પાઘડી મૂકે ને સફેદ લાંબા કોટ પર લાલ પટ્ટો પણ બરાબર લટકાવે. આ વિઠ્ઠુ જ્યારે પ્રાંતિક સરકારો રચાઈ અને ઠાકોરભાઈ મોરારજીભાઈના પીએ હતા ત્યારનો સરકારી નોકરીમાં. પછી તો ખરેસાહેબની મિનિસ્ટ્રીમાં મોરારજીભાઈ ગૃહપ્રધાન હતા ત્યારે અને પછી મુખ્ય પ્રધાન થયા ત્યારે પણ તેમની સાથે. મોરારજીભાઈ કેન્દ્રમાં ગયા ને એ યશવંતરાવ ચવાણના અંગત સ્ટાફમાં આવી ગયો.

ભાઈ યશવંતરાવ ચવાણને ત્યાંથી પાછા ફરતા હતા ત્યાં તેમણે વિઠ્ઠુને જોયો અને ચવાણને કહ્યું, ‘યશવંતરાવ તમે દિલ્હો જવાના છો ને ન આવી શકો તે સમજાય તેવું છે. પણ આ વિઠ્ઠુને ખાસ રજા આપજો. એને લગ્નમાં મોકલજો. એ અમારો જૂનો સાથી છે. કિલબિલને તેણે નાનપણમાં હેતથી રમાડી હતી.’

આ પણ વાંચો: #Column: પ્રેમ અને લાગણીથી સાચો રસ્તો ચીંધવાની ગાંધી રીત Column

લગ્નમાં વિઠ્ઠુ આવ્યો. ઠાકોરભાઈના સંબંધોની દષ્ટિએ જોઈએ તો બહુ ઓછા માણસો આ લગ્નમાં હતા, તેમાં વિઠ્ઠુ પણ હતો. કિલબિલને વિદાય આપવાનો વખત આવ્યો. કિલબિલ વડીલોને પગે લાગી વિદાય લેતી હતી. વિઠ્ઠુ તરફ તેનું ધ્યાન નહોતું. પણ ભાઈ તો પટાવાળા વિઠ્ઠુમાં પણ ‘વિઠ્ઠલ’ જોવાવાળા. ભાઈએ કહ્યું, ‘કિલબિલ, આ વિઠ્ઠુને પગે લાગો!’ હાજર રહેલા સહુ કોઈને જુદી જુદી લાગણી થઈ હશે. મને પૂછો તો કહું કે ‘વિઠ્ઠલ’ને પગે લાગી, તેના આશીર્વાદ મેળવી, કિલબિલ પણ ધન્ય થઈ ને વિઠ્ઠુ પણ ધન્ય થયો.” (‘રવિયા દૂબળાના રખેવાળ ઠાકોરભાઈ દેસાઇ – કેટલાંક સંસ્મરણો’, લેખક – જીતેન્દ્ર દેસાઇ, પાન. 78થી 80)Column

માણસની મોટાઈ કે માનવતા એ કયા પદે પહોંચ્યો છે તેનાથી નક્કી નથી થતી, એના વ્યક્તિત્વની ગરિમાનો માપદંડ એ ગમે તેટલી ઊંચાઈ પર બેઠો હોય તો પણ કઈ રીતે વર્તે છે તેના પરથી નક્કી થાય છે. ઠાકોરભાઈ દીકરીના લગ્નનું આમંત્રણ આપવા માટે તત્કાલિન મુખ્યમંત્રી યશવંતરાવ ચવાણને ત્યાં ગયા હતા પણ યશવંતરાવ તે દિવસે દિલ્હી હતા એટલે નહીં આવી શકાય તેવું કહ્યું. ઠાકોરભાઈને એનાથી જરાય દુઃખ ન થયું. એમણે એટલા જ પ્રેમથી બલ્કે થોડી વધારે આત્મીયતાથી વિઠ્ઠલને આમંત્રણ આપ્યું અને એ આમંત્રણનું માન જાળવી વિઠ્ઠલ આવ્યો પણ ખરો. કન્યા વિદાય પ્રસંગે ભલે દીકરી કુટુંબના વડીલોને જ પગે લાગી. કન્યા વિદાય પ્રસંગે દીકરીના મન પર તો સો મણનો ભાર હોય છે અને એટલે એને રમાડીને મોટી કરનાર વિઠ્ઠલને પગે લાગવાનું ચૂકાઈ ગયું પણ ઠાકોરભાઈની નજરમાંથી આ વાત ન છટકી શકી. એમણે પ્રેમપૂર્વક દીકરીની આ નાનકડી ભૂલ સુધારી લેવડાવી. આથી મોટું સંબંધોની ગરિમાનું ઉદાહરણ બીજું કયું હોઈ શકે? ઠાકોરભાઈએ પ્રેમપૂર્વક વિઠ્ઠલને પોતાની દીકરીના લગ્ન પ્રસંગે આમંત્રણ આપ્યું એ કોઈ ઔપચારિકતા નહોતી એનો આ દસ્તાવેજી પુરાવો છે. પોતાના આમંત્રણને માન આપીને લગ્નમાં છેક કન્યા વિદાય સુધી હાજર રહેલ વિઠ્ઠલનું માન પ્રેમપૂર્વક જાળવે એનું નામ ઠાકોરભાઈ. માનવતાની ગરિમા અને સંબંધોની સચ્ચાઈનો આથી મોટો દાખલો ભાગ્યે જ મળી શકે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9