Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > રાજયની સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોના શિક્ષકોને પણ આઇકાર્ડ આપવામાં આવશે

રાજયની સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોના શિક્ષકોને પણ આઇકાર્ડ આપવામાં આવશે

0
54
  • સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેકટરની કચેરી દ્વારા શિક્ષક દીઠ 50 રૂપિયાની ગ્રાન્ટ ફાળવાશે

  • જે શિક્ષકોને આઇકાર્ડ ઇસ્યુ થઇ ગયા હોય તેમણે 7 દિવસમાં કચેરીને જાણ કરવી

ગાંધીનગર: કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રાલયના નિર્દેશ બાદ સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટરની કચેરી દ્વારા તમામ સ્કૂલોના શિક્ષકોને નક્કી કરેલી ડિઝાઈનમાં આઈકાર્ડ તૈયાર કરી આપવા માટે આદેશ આપ્યો છે. આ માટે કચેરી દ્વારા શિક્ષક દીઠ રૂ. 50ની ગ્રાન્ટ પણ આપવામાં આવશે. આ આઈકાર્ડમાં શિક્ષકોનો ફોટોગ્રાફ તેમજ અન્ય તમામ વિગતો લખેલી હશે. શિક્ષકોએ આ કાર્ડ સ્કૂલમાં પોતાની સાથે રાખવાનો રહેશે. જે જિલ્લામાં શિક્ષકોને આઈકાર્ડ ઈશ્યુ થઇ ગયા હોય તેમણે 7 દિવસમાં કચેરીને જાણ કરવાની રહેશે.

કેન્દ્ર સરકારના MHRD દ્વારા સમગ્ર શિક્ષાના એન્યુઅલ વર્કપ્લાન એન્ડ બજેટ વર્ષ 2019-20 અંતર્ગત તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને તેમની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના કાર્યરત તમામ શિક્ષકોને ફોટોગ્રાફ, શિક્ષકનું નામ, હોદ્દો, શાળાનું નામ, શાળા UDISE કોડ અને શાળાના સંપુર્ણ સરનામા વગેરે માહિતી સાથેના ટીચર આઈડેન્ટિટી કાર્ડ એટલે કે શિક્ષકને ઓળખપત્ર ઈસ્યુ કરવા માટે નિર્દેશ આપ્યો હતો. જેને લઈને રાજ્યના સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર દ્વારા તમામ ડીઈઓ, ડીપીઈઓ અને શાસનાધિકારીઓને પરિપત્ર કરવામાં આવ્યો છે.

પરિપત્રમાં જણાવાયું છે કે, તેમના તાબાની સરકારી પ્રાથમિક તેમજ સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના કાર્યરત શિક્ષકોને ફોટો સાથેના ટિચર આઈડેન્ટિટી કાર્ડ ઈસ્યુ થયેલા હોય તો તેની વિગતો આપવાની રહેશે અને જો ટિચરને આઈડેન્ટિટી કાર્ડ ઈસ્યુ કરવાના બાકી હોય તો તે અંગેની કાર્યવાહી કરવાની રહેશે. આ અંગે કાર્યવાહી કરી તે અંગેની વિગતો મોકલવા માટે પણ સુચના અપાઈ છે.

જો જિલ્લામાં આઈકાર્ડ ઈશ્યુ કરી દેવામાં આવ્યા હોય તો જિલ્લા અને કોર્પોરેશન અંતર્ગત સરકારી પ્રાથમિક શાળાઓ તેમજ સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓના હાલમાં કાર્યરત શિક્ષકોને ફોટો સાથેના આઈડેન્ટિટી કાર્ડ ઈસ્યુ કર્યા હોય તેની વિગતો સાત દિવસમાં મોકલવાની રહેશે. પરંતુ જો શિક્ષકોને આઈડેન્ટિટી કાર્ડ ઈશ્યુ કરવાના બાકી હોય તો સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટરની કચેરી દ્વારા મંજુર કરવામાં આવેલી ડિઝાઈન મુજબ શિક્ષકોના કાર્ડ તૈયાર કરવા માટે સુચના અપાઈ છે.

જે શિક્ષકોને સુચિત ડિઝાઈન મુજબ ટીચર કાર્ડ ઈશ્યુ થયા ન હોય તો તેમને જિલ્લા-કોર્પોરેશન કક્ષાએથી ઈસ્યુ કરવાના રહેશે. આ અંતર્ગત ખરીદ પ્રક્રિયા માટે સરકારના પ્રવર્તમાન ધારા ધોરણ અને નિયમો ફરજિયાતપણે અનુસરવાના રહેશે. જિલ્લા અને કોર્પોરેશન કક્ષાએથી આઈડેન્ટિટી કાર્ડનુ આયુષ્ય અને ઉપયોગિતા વધારવા સંદર્ભે કાર્ડના મટિરીયલની પસંદગી, પ્રિન્ટીંગની ગુણવત્તા-પ્રકાર તેમજ ટેક્નોલોજીનો ઉપયોગ અંગે નિર્ણય લઈ ઈનોવેટિવ કામગીરી કરી શકાશે.

આઈડેન્ટિટી કાર્ડ ઈશ્યુ કરતા પહેલા દરેક શિક્ષકની ઓળખનું ફોટોગ્રાફ અને નિયુક્તિની વિગતોની ચકાસણી કરવા માટે પણ સુચના અપાઈ છે. સરકારી પ્રાથમિક શાળાઓ તેમજ સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓના કાર્યરત તમામ શિક્ષકોને ફોટો સાથેને આઈડેન્ટિટી કાર્ડ ઈશ્યુ થાય અને શાળામાં હંમેશા ઓળખપત્ર પોતાની સાથે રાખે તે નિશ્ચિત કરવાનું રહેશે. હાલમાં ટીચર આઈડેન્ટિટી કાર્ડ ધાવતા શિક્ષકોની માહિતી મળ્યેથી બાકી રહેલા શિક્ષકો માટે શિક્ષક દીઠ રૂ. 50 લેખે જિલ્લા અને કોર્પોરેશન માટે નિયત કુલ બજેટ પ્રમાણે સમગ્ર શિક્ષાની જિલ્લા-કોર્પોરેશન પ્રોજેક્ટ કચેરીને ગ્રાન્ટ ફાળવવામાં આવશે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat