Gujarat Exclusive > આપણી જરૂરિયાત > રોજગાર > પીએફ ધારકો માટે નાણામંત્રીએ કરી મોટી જાહેરાત, કરમુક્તિ મર્યાદામાં કર્યો વધારો

પીએફ ધારકો માટે નાણામંત્રીએ કરી મોટી જાહેરાત, કરમુક્તિ મર્યાદામાં કર્યો વધારો

0
197

નિર્મલા સીતારમણે બજેટ દરમિયાન લીધેલા પોતાના જ એક નિર્ણયમાં સુધારો કરતાં પીએફ ધારકોને ફાયદો પહોંચાડવાની કોશિશ કરી છે. સરકારે હવે પ્રોવિડન્ટ ફંડના ખાતામાં જમા વાર્ષિક પાંચ લાખ રૂપિયા સુધીની રકમને કરમુક્ત કરી દીધી છે. નાણામંત્રી નિર્મલા સીતારામને 1લી ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરતા કહ્યું હતું કે, પીએફ એકાઉન્ટમાં વાર્ષિક 2.5 લાખ રૂપિયા સુધીની રકમ જ કરમુક્ત રહેશે. તેનાથી વધુ જમા રકમ પરની વ્યાજની આવક કરપાત્ર હશે. હવે આ મર્યાદા સરકારે બમણી કરીને વાર્ષિક પાંચ લાખ કરી દીધી છે.

નાણામંત્રી નિર્મલા સીતારામને જણાવ્યું હતું કે, જોકે કરમુક્તિની આ છૂટ માત્ર એવા પીએફધારકોને મળશે, જેમના પીએફ ખાતામાં કંપની દ્વારા કોઈ યોગદાન આપવામાં આવ્યું નહીં હોય. આ સાથે લોકસભામાં નાણાં બિલ કોઈ જ વિરોધ વગર બધાની સહમતિથી પસાર થઈ ગયું હતું. આ બિલ પર ચર્ચા દરમિયાન નાણામંત્રી સીતારામને લોકસભામાં કરમુક્તિ મર્યાદા 2.5 લાખથી વધારીને પાંચ લાખ કરવાની જાહેરાત કરી હતી.

આ બિલ મંજૂર થઈ જતાં 1લી ફેબ્રુઆરીએ બજેટમાં કરાયેલી જાહેરાત પર મંજૂરીની મહોર લાગી ગઈ હતી. નાણામંત્રીએ ફરી એક વખત કહ્યું હતું કે પીએફની રકમ પર વ્યાજની આવકને કરપાત્ર બનાવવાની અસર માત્ર એક ટકા પીએફ ધારકોને થશે. બાકીના પીએફ ધારકો પર આ નિયમની અસર નહીં થાય, કારણ કે તેમનું વાર્ષિક યોગદાન રૂ. 2.5 લાખથી ઓછું હોય છે.

2020માં સાઈબર એટેકની 11 લાખથી વધુ ઘટનાઓ

દરમિયાન રાજ્યકક્ષાના ગૃહમંત્રી જી. કિશન રેડ્ડીએ લોકસભામાં જણાવ્યું હતું કે, દેશમાં વર્ષ 2019, 2020ના બે વર્ષના સમયમાં સાઈબર હુમલાની 15.5 લાખ ઘટનાઓ બની છે, જેમાં 11.58 લાખ ઘટના એકલા વર્ષ 2020માં બની હતી. ઈન્ડિયન કમ્પ્યુટર ઈમર્જન્સી રીસ્પોન્સ ટીમ (સીઈઆરટી-ઈન)ને બધા જ સેક્ટર્સના નેટવર્ક્સમાં માલવેર ઈન્ફેક્શન્સ અંગે ઈન્ટેલિજન્સ સોર્સના જોખમની માહિતી મળે છે. સાઈબર હુમલાની કોઈપણ ઘટના ધ્યાનમાં આવતાં જ સીઈઆરટી-ઈન તે અંગે એલર્ટ્સ જાહેર કરે છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat