Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > પોલીસની પોલ ખોલતો હોવાનો એક નનામો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ

પોલીસની પોલ ખોલતો હોવાનો એક નનામો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ

0
143
  • કારંજ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કોવોર્ડના પોલીસ કર્મીઓ વેપારી પાસે રોકડી કરતાનો આક્ષેપ

  • સ્થાનિક વેપારીઓ સર્વેલન્સ સ્કોવોર્ડથી તંગ આવી ગયા હોવાનો આક્ષેપ

અમદાવાદ: કારંજ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કવોર્ડ દ્વારા વેપારી વર્ગ પાસેથી ઉઘરાણી કરી ત્રાસ આપતો હોવાના લખાણ લખેલો એક નનામો પત્ર સોશિયલ મીડિયા પર વહેતો થયો હતો. જેમાં એવા આક્ષેપો કર્યા છે કે, સર્વેલન્સ સ્કવોર્ડના પોલીસ કર્મીઓ વેપારીઓને હેરાન પરેશાન કરીને રોકડી કરે છે. તથા કારંજ પોલીસ સ્ટેશનના પીએસઆઈ લોકોને ધાકધમકી આપી રહ્યા હોવાનો પણ નનામી પત્રમાં ઉલ્લેખ કર્યો હતો. જોકે વેપારીઓ પોલીસના ડરે સામે ન આવી શકતા આવો પત્ર લખી વાઇરલ કર્યો હોવાની શંકા છે.

રાજ્યમાં સરકાર તરફથી મીની લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ છે. બીજી બાજુ દુકાન ધરાવતા વેપારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો છે. સરકારના નિયમોનો અને લોકડાઉનનો ફાયદો લઇ પોલીસ પૈસા પડાવતી હોવાની અનેક ફરિયાદો ઊઠવા પામી છે. પોલીસના અત્યાચાર સામે અવાજ ના ઉઠાવી શકતા એવો નનામો પત્ર સોશિયલ મીડીયા પર વહેતો કર્યો હોવાની ચર્ચા છે.

જેમાં એવા આક્ષેપો છે કે, પોલીસ દ્વારા વેપારીઓને હેરાન કરવામાં આવે છે. કારંજ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કવોર્ડ દ્વારા વેપારી વર્ગ પાસેથી રોકડી કરવામાં આવી છે. જેથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. પોલીસ વેપારીઓને સહકાર આપવાને બદલે કારંજ પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્કવોડ અને તેમના સ્ટાફ દ્વારા વેપારીઓને હેરાન કરવાની વૃત્તિ ચાલી રહી હોવાની રજુઆત પણ નનામી પત્રમાં કરવામાં આવી છે.

વધુમાં એવા પણ આક્ષેપો કર્યા છે કે, સર્વેલન્સ સ્કવોડના પીએસઆઈ ઠાકોર અને કોન્સ્ટેબલ કલ્પેશ સામે વેપારીઓએ ગંભીર આક્ષેપો કર્યા છે. કારંજ વિસ્તારમાં ફરતા રહી ઉઘરાણી કરી રહ્યા હોવાનું પણ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. આટલું જ નહીં પીએસઆઇ ઠાકોર પોતાનું કહી બગડવાનું નથી કે કોઈ બગાડી શકવાના નથી, અહીંથી બદલી પણ નહીં થાય તેવું લોકોને કહી રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.આ ઉઘરાણી બાબતે ડીસીપી, એસીપી, પીઆઇને અંધારામાં રાખ્યા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.

સર્વેલન્સ સ્ક્વૉડના પીએસઆઈ ઠાકોરની બદલી ટ્રાફિક વિભાગમાં થઇ હોવા છતાં તેઓને હજુ ઉચ્ચ અધિકારીઓને ફાયદો કરાવતા હોવાથી છુટા કરવામાં આવ્યા નથી અને તેમના માણસોને ઉઘરાણીના કામે લગાડી દીધા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જો કોઈ વેપારી ઉઘરાણી બાબતે મનાઈ કરે તો ખોટા કેસો વેપારીઓ સામે કરવાની ધમકીઓથી ફફડાટ જોવા મળી રહ્યો છે.

આટલું જ નહીં લોકમુખે ચર્ચા ચાલી છે કે, સર્વેલન્સ સ્ક્વૉડના પીએસઆઈ ઠાકોર એવો રોફ જમાવી રહ્યા છે કે અહીંયા મારું જ ચાલે છે. હું અહીંયા જ રહેવાનો છું, ટ્રાફિકની બદલી રદ કરાવી ક્રાઇમ કે એસ.ઓ.જીમાં કરાવી લઈશ અને સામે પડશે તેને છોડીશ નહિ. જો કે અત્રે ઉલ્લેખનિય છે કે, નનામો પત્ર ઉચ્ચ અધિકારીઓને ધ્યાને આવ્યો છે અને તેની તપાસ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat