ચોટીલાના ખાંડીપ્લોટમાં આંગડીયા પેઢીની ઓફિસ ધરાવતા સંચાલક તા. ૨૭ ડીસેમ્બરના રોજ રાતના સમયે રૂ.૭૯.૬૭ લાખ રોકડ લઇને થાન ખાતે આવેલ ચિત્રકુટ સોસાયટીમાં પોતાના ઘરે જતા હતા, ત્યારે બે બાઇક પર આવેલા ચાર અજાણ્યા શખ્સોએ આંગડીયા પેઢીના સંચાલકની આંખમાં મરચાની ભુકી નાખી રૂ.૭૯.૬૭ લાખની લૂંટ ચલાવી હતી. ત્યારે આ બનાવમાં પોલીસના હાથે ઝડપાયેલ શખ્સ જામીન પર મુકત થવા કરેલ અરજી સુરેન્દ્રનગર સેશન્સ કોર્ટે નામંજુર કરી ફગાવી દીધી છે.
આ અંગે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ચોટીલાના થાન રોડ પર આવેલ ચિત્રકુટ સોસાયટીમાં રહેતા ૪૧ વર્ષીય ગીરીશભાઇ મહેન્દ્રભાઇ પુજારા ચોટીલાના ખાંડીપ્લોટમાં આંગડીયા પેઢી ચલાવે છે. જેમાં બેસ્ટ તથા વી.પટેલ નામની આંગડીયા પેઢીના રૂપિયાની લેવડ-દેવડ કરે છે.
તેઓ ગત તા. ૨૭ ડીસેમ્બરના રોજ રાતના સમયે રૂ.૭૯.૬૭ લાખ લઈને થેલામાં ભરીને બાઇક પર ઘરે જતાં હતા. ત્યારે થાન રોડ પર આવેલી ચિત્રકુટ સોસાયટીના ગેટ પાસે બે બાઇક પર આવેલા ચાર શખ્સોએ તેમની આંખમાં મરચાની ભુકી નાખી બંદુક જેવું હથિયાર બતાવી લૂંટ ચલાવી હતી. આ બનાવમાં પોલીસે લખુ પુજભાઈ ઉર્ફે આપાભાઈ ખાચર, ચાંપરાજ બાબભાઈ ખવડ, આંબાભાઈ પાંચાભાઈ ડાભી, અને લાલદાસ ઉર્ફે લાલા મહારાજ રવીદાસ મેસવાણીયાને ઝડપી લીધા હતા. આ કેસમાં હજુ એક આરોપી આલકુ અનકભાઈ કાઠી ફરાર છે.
ત્યારે જેલવાસ ભોગવી રહેલા લાલદાસ ઉર્ફે લાલા મહારાજ રવીદાસ મેસવાણીયાએ જામીન પર મુકત થવા સુરેન્દ્રનગર સેશન્સ કોર્ટમાં તા.૦૯ ફેબ્રુઆરીના રોજ અરજી કરી હતી.આ અરજીની સુનવણી થતા મુખ્ય જિલ્લા સરકારી વકીલ એમ.પી.સભાણીએ દલીલો કરતા જણાવ્યુ કે, આરોપી આંગડીયા પેઢીની બહાર રહી અન્ય ચાર શખ્સોને વોટસએપ કોલથી આંગડીયા પેઢીના સંચાલક વિશે માહીતી આપતો હતો. આથી આરોપીનો લૂંટના બનાવમાં રોલ મહત્વનો છે.આ ઉપરાંત હજુ આ કેસનો એક આરોપી પકડવાનો બાકી છે.
જયારે અગાઉ ઝડપાયેલા આરોપી આંબાભાઈ પાંચાભાઈ ડાભીએ કરેલી જામીન અરજી કોર્ટે નામંજુર કરી છે. હાલના અરજદાર આરોપીને જો જામીન પર મુકત કરાય તો તે તપાસમાં અવરોધ ઉભા કરે તથા ફરીયાદીને ધાક ધમકી, લાલચ, પ્રલોભન આપી કેસને નુકસાન પહોંચાડે તેવી શકયતા નકારી શકાય નહી. આથી સુરેન્દ્રનગર સેશન્સ જજ એસ.વી.પીન્ટોએ જો આરોપીને જામીન પર મુકત કરાય તો સમાજ પર તેની વીપરીત અસર પડે તેમ માની જામીન અરજી નામંજુર કરી હતી.