Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > સુરતમાં સંકટ સમયની સાંકળ એટલે ‘સેવા’: 52 સંસ્થાની ટીમનું એક જ ધ્યેય ‘સેવા પરમો ધર્મ’

સુરતમાં સંકટ સમયની સાંકળ એટલે ‘સેવા’: 52 સંસ્થાની ટીમનું એક જ ધ્યેય ‘સેવા પરમો ધર્મ’

0
285
  • સુરતમાં 14 આઇસોલેશન સેન્ટરોમાં 650 બેડ ઊભા કર્યા, ટીમ વર્કથી થતી કામગીરી
  • સુરત બાદ હવે સૌરાષ્ટ્રમાં દર 50 કિ.મી. અંતરે આઇસોલેશન સેન્ટર ઊભા કરવાના ચક્રો ગતિમાન

મનોજ કે. કારીઆ, ગાંધીનગરઃ સુરત શહેરનો પર્યાય એટલે ‘સેવા’ (Surat Seva Sanstha)કહીએ તો અતિશયોકિતભર્યુ નહીં લાગે. કેમ કે સુરતમાં સંકટ સમયની સાંકળ એટલે ‘સેવા’ નામની સંસ્થા. 52 વિવિધ સંસ્થાઓની બનેલી ‘સેવા’ નામની સંસ્થાના દરેક વ્યક્તિનો એક જ ધ્યેય ‘સેવા પરમો ધર્મ’ .

આ સંસ્થાના એક ધ્યેયના કારણે જ દરેક વ્યકિત ટીમ વર્કથી ખભેથી ખભા મિલાવીને સુરતને પાછું બેઠું કરવામાં સિંહફાળો આપી રહી છે. માટે જ સુરતમાં કુદરતી કે કુત્રિમ આપત્તિ જેવી કે પ્લેગ હોય, પુર હોય કે પછી કોરોના જેવી ગંભીર બિમારી, દરેક વિષમ પરિસ્થિતિને પહોંચી વળવા માટે દરેક વર્ગ એક થઇને સામનો કરે છે.

સુરતીઓ અત્યારે આવો જ સામનો કોરોના મહામારીનો કરી રહ્યાં છે. માત્ર ગણતરીના દિવસોમાં જ સુરતમાં સેવાકીય કાર્યો માટે જાણીતી 52 સામાજિક સંસ્થાઓની બનેલી સેવા નામની સંસ્થાએ સુરતમાં ઠેર ઠેર 14 જેટલાં કોરોના કેર સેન્ટરો ( આઇસોલેશન ) ઊભા કરીને 650 ઓક્સીજન સાથેના બેડ તૈયાર કરી દીધાં છે. હવે સુરતીઓ સૌરાષ્ટ્રમાં વસતાં તેમના ભાઇ-ભાડુંઓ માટે સૌરાષ્ટ્રમાં દરેક 50 કિ.મી.ના અંતરે કોવીડ કેર આઇસોલેશન સેન્ટર ઊભા કરવાની કામગીરીમાં લાગી ગયાં છે.

આ પણ વાંચોઃ વિદેશમાં વસતા ભારતીયો મોકલશે ઓક્સિજન કન્સટ્રેટર મશીનો, ઉત્તર ગુજરાતના ગામડાઓને થશે ફાયદો

સુરત એટલે સૌરઠવાસીઓનું બીજી ઘર

સૌરાષ્ટ્ર અને સુરત નામ અને શહેર ભલે અલગ હોય. પરંતુ સૌરાષ્ટ્રના મોટાભાગના લોકો સુરતમાં વસ્યા હોવાથી બંને એક જ જેવા થઇ ગયા છે. માટે જ સુરતના શ્રેષ્ઠીઓએ સૌરાષ્ટ્રમાં વસતા લોકોને કોરોનાની સારવાર માટે સુરત સુધી લાંબુ ના થવું પડે તે માટે સૌરાષ્ટ્રમાં જ કોવિડ કેર સેન્ટરો ઊભા કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Surat Seva Sanstha1

માતા-પિતા વિનાની 3 હજાર દિકરીને પરણાવી

સેવા (Surat Seva Sanstha) શબ્દ જેના લોહીમાં વણાઇ ગયો છે તેવા સુરતમાં અનેક શ્રેષ્ઠીઓ છે. પરંતુ તેમાંના એક શ્રેષ્ઠી મહેશ સવાણી કે જેમણે માતા-પિતા વિનાની 3 હજાર દિકરીઓને પરણાવીને સાસરિયે વળાવીને પિતા ધર્મ બજાવ્યો છે. મહેશભાઇના જણાવ્યા મુજબ એપ્રિલના બીજા લહેરમાં કોરોનાએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. અને ગુજરાત આખાયમાં કાળો કેર વર્તાવ્યો હતો. જેમાં સુરત પણ સામેલ હતું. આ ગંભીર બિમારીમાં સપડાયેલા સુરતવાસીઓને બચાવવા માટે સુરતની જુદી જુદી 52 સામાજિક સંસ્થાઓએ બીડું ઝડપી લીધું હતું.

છેલ્લાં ત્રણ વર્ષથી કાર્યરત આ સંસ્થાઓ સામાન્ય દિવસોમાં પોતાના કામમાં પરોવાયેલા હોય છે. પરંતુ સુરત પર સંકટ આવે ત્યારે આ ગ્રુપ એકદમ સક્રિય થઇ જાય છે. આ ગ્રુપની આજથી 22 દિવસ પહેલાં તાત્કાલિક મીટીંગ યોજીને સુરતમાં કે જયાં દોઢથી બે લાખની વસ્તી ધરાવતાં મધ્યમ વર્ગ વિસ્તારોમાં કોવિડ કેર આઇસોલેશન સેન્ટર સ્થાપવાનો નિર્ણય કર્યો હતો.

આ પણ વાંચોઃ ગુજરાતમાં લૉકડાઉન અંગે સાંજે નિર્ણય લેવાશે: CM રૂપાણી

પ્રથમ તબક્કામાં જ 200 બેડની હોસ્પિટલથી સેવાયજ્ઞનો પ્રાંરભ કર્યો હતો. આજે સુરતના જુદા જુદા વિસ્તારો જેવાં કે કતાર ગામ, લીંબાયત, ઉધના, વરાછા રોડ વગેરે વિસ્તારોમાં 14 કોવિડ કેર સેન્ટરો ઊભા કરી દીધાં છે. જેમાં ઓક્સીજનથી માંડીને ડોકટરોની ટીમ ખડે પગે સેવા કરી રહી છે.

અનેક આપત્તિનો સામનો કરીને સાંગોપાગ સુરતને ઉગાર્યું હોવાથી સુરતના શ્રેષ્ઠીઓ નિષ્ણાંત જેવા બની ગયા છે. તેમની કોઠાસૂઝ પ્રમાણે દરેક વ્યક્તિને જુદા જુદા કામો સોંપી દેવામાં આવ્યાં છે. જેવા કે ડોનેશનનું કાર્ય પી.પી. સવાણી ચેરીટેબલ ટ્રસ્ટ તથા સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજે ઉપાડી લીધી હતી.

બીજા લોકોએ ઓક્સીજન, કોવિડ કેર સેન્ટર ઊભા કરવા માટેના કોમ્પ્યુનીટી હોલ કે અન્ય જગ્યાની વ્યવસ્થા, સરકાર સાથેનો તાલમેલ જાળવવો, બેડ-ગાદલાં, એલ.ઇ.ડી., સવારે નાસ્તો, સવાર-સાંજ જમવાની વ્યવસ્થાથી માંડીને જરૂરી તમામ વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી. તેની કામગીરી જુદી જુદી સંસ્થાઓએ સ્વેચ્છાએ ઉપાડી લીધી હતી.

આ અંગે પી.પી. સવાણી ચેરીટેબલ ટ્રસ્ટના તથા  સેવા (Surat Seva Sanstha)ના ચેરમેન મહેશ સવાણી (Mahesh Savani)એ કહ્યું કે, પી.પી. સવાણી સ્કૂલમાંથી અભ્યાસ કરીને ગયેલા વિદ્યાર્થીઓ કે જેઓ આગળ ભણીને એમ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી હોય તેવા ડોકટરો અને એમ.બી.બી.એસ. ડોકટરો કે જેઓ સેવા કરવા પોતાનું નામ નોંધાવ્યું હતું. તેમની યાદી તૈયાર કરીને પ્રત્યેક કોવિડ કેર સેન્ટરમાં 4 એમ.ડી. તથા તેમની સાથે 6 એમ.બી.બી.એસ. ડોકટરો મળીને કુલ 10 ડોકટરોની ટીમને સારવાર માટે મૂકી દેવામાં આવી છે.

પડતર ભાવે દવાની વ્યવસ્થા

જયારે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી દવા પહોંચાડવામાં આવે છે. જે દવા ઉપલબ્ધ ના હોય તે પી.પી. સવાણી મેડિકલ સ્ટોર્સ તથા સરદાર પટેલ સેવા સમાજમાંથી પડતર ભાવે મળી રહે છે. બાકીની જવાબદારી જુદી જુદી સંસ્થાઓએ ઉપાડી લીધી છે.

મહેશ સવાણીએ વધુમાં કહ્યું કે, અત્યારસુધીમાં કોવિડ કેર સેન્ટરમાંથી 974 દર્દીઓ સાજા થઇને પોતાના ઘરે ગયા છે. રોજેરોજ કયા કોવિડ સેન્ટરમાં જગ્યા ખાલી છે તેની યાદી સતત અપડેટ કરીને મારા ફેસબુકમાં મૂકવામાં આવે છે. તે જોઇને ગમે તે દર્દી સારવાર માટે આવી શકે છે.

આ પણ વાંચોઃ સેવાભાવી સંગઠનોના સેવાકીય કાર્યોમાં ઉપયોગ થાય તો ઉત્તમ પરિણામ પ્રાપ્ત થાય: પ્રદિપસિંહ

સૌરાષ્ટ્રથી સુરત આવતા ઘણા દર્દીઓના મોત

આ સારવાર દરમિયાન અમને ખબર પડી કે સૌરાષ્ટ્રથી સુરત આવતાં રસ્તામાં ઓક્સિજન ખલાસ થઇ જવાના કારણે ઘણાં દર્દીઓએ દમ તોડયો છે. આ હકીકતને ધ્યાનમાં લઇને અમે તારાપુર પાસે ઓક્સીજનના સીલિન્ડરો રાખ્યા છે. ત્યાંથી દર્દીઓને નવા ઓક્સીજન સીલિન્ડરો આપી દેવામાં આવે છે.

હવે સૌરાષ્ટ્રમાં દરેક 50 કિ.મી.ના અંતરે આઇસોલેશન સેન્ટર ઊભા કરવા અને જયાં ઊભા હોય તેમને સુવિધાઓ પુરી પાડવાની દિશામાં કાર્યવાહી હાથ ધરી છે. ટૂંકસમયમાં ત્યાં પણ કોવિડ કેર સેન્ટરો ઊભા કરી દેવામાં આવશે. જેથી તેમને સારવાર માટે સુરત સુધી આવવું ના પડે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat