સુરત: કોરોના કાળમાં શહેરના મોટા વરાછા વિસ્તારમાં આવેલા એક શૉપિંગ સેન્ટરમાં સોમવારે ગેરકાયદેસર રીતે ચાલતા “કપલ બૉક્સ” પર પોલીસ ત્રાટકી હતી. જેમાં કપલ બોક્સમાં એકાંત માણી રહેલા 10થી વધુ કપલ કઢંગી હાલતમાં ઝડપાયા છે. હાલ પોલીસે કપલ અને કપલ બોક્સના સંચાલક સહિતના કેટલાક લોકોની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, સુરતમાં કોરોના સંક્રમણના પ્રકોપને પગલે હાલ લૉકડાઉન અને રાત્રિ કરફ્યુ લગાવવામાં આવી રહ્યો છે. જરૂરી સેવાઓને બાદ કરતાં તમામ પ્રકારની ગતિવિધિઓ પર રોક લગાવવામાં આવી છે. આમ છતાં મોટા વરાછા વિસ્તારમાં આવેલા એટલાન્ટા શૉપિંગ સેન્ટરમાં કૉફી બીન્સ નામના કાફેમાં સ્થાનિક લોકોને શંકાસ્પદ ગતિવિધીઓ જોવા મળી હતી.
આ પણ વાંચો: કોરોના સુઓમોટો મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી, રાજ્યમાં 15 દિવસ લગ્નપ્રસંગ પર રોકની માંગ
સ્થાનિક લોકોએ આ કેફેમાં દેહ વેપારની આશંકા વ્યક્ત કરીને હોબાળો શરૂ કરી દીધો હતો. જેની જાણ થતાં અમરોલી પોલીસની ટીમ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસ ટીમે અંદર જઈને જોયું તો કપલ બોક્સમાં એકાંત માણી રહેલા યુવક-યુવતીઓ મળી આવ્યા હતા. જે બાદ પોલીસે કાફેના સંચાલક સહિત 10 જેટલા કપલની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આટલું જ નહીં, સ્થાનિક લોકોએ કેફે સંચાલકની પોલીસ સાથે મિલીભગત હોવાની આશંકા વ્યક્ત કરી છે. જેમાં કેફેની આડમાં કપલ બૉક્સ અને દેહ વેપારની આશંકાય વ્યક્ત કરવામાં આવી રહી છે. અગાઉ પણ વરાછા, પૂણાગામ, કપોદ્રા સહિત શહેરના અન્ય વિસ્તારોમાં પણ આવા અનેક કપલ બૉક્સનો પર્દાફાશ થઈ ચૂક્યો છે, જ્યાં દેહ વેપારનો ધંધો કરવામાં આવતો હતો.