સુરત: સુરત શહેરના પોલીસ કમિશનર આરબી બ્રહ્મભટ્ટને ત્રણ મહિના પછી તેમના સરકારી બંગલામાં રહેવાનો મોકો મળ્યો છે. પોલીસ કમિશનર સતીશ શર્મા ગયા ઓગસ્ટ મહિનામાં નિવૃત થયા બાદ છેલ્લા ચાર મહિનાથી સરકારી બંગલામાં રહેતા હતા જ્યારે સુરત પોલીસ કમિશનર આરબી બ્રહ્મભટ્ટ ONGCના ગેસ્ટ હાઉસમાં રહેતા હતા.
સુરત પોલીસ કમિશનર પદેથી નિવૃત થયેલા 1985 બેન્ચના નિવૃત અધિક પોલીસ માર્ગ નિર્દેશક સતીશ શર્માએ છેલ્લા ચાર મહિનાથી સુરત પોલીસ કમિશનરના સરકારી બંગલા પર કબજો જમાવી દીધો હતો.ગયા શનિવારે સાંજે સુરત શહેરના પોલીસ કમિશનર આરબી બ્રહ્મભટ્ટ સુરત પોલીસ કમિશનર માટે ફાળવાયેલા બંગલામાં પહોચી ગયા હતા અને બંગલામાં જ બેસી ગયા હતા.સુરત શહેરના પોલીસ કમિશનરના બંગલામાં છેલ્લા ચાર મહિનાથી કબજો જમાવીને બેઠેલા નિવૃત પોલીસ કમિશનર સતીશ શર્માને તેમણે રાત સુધીમાં જ બંગલો ખાલી કરી દેવાનુ જણાવ્યુ હતું.બંગલો ખાલી નહી કરે ત્યા સુધી પોલીસ કમિશનર આરબી બ્રહ્મભટ્ટ બંગલામાં બેસી રહેશે તેવો અણસાર આવી જતા સતીશ શર્માએ બંગલો ખાલી કરવાનું મન બનાવી લીધુ હતું અને મોડી રાત્રે બંગલો ખાલી કર્યો હતો.
સુરતના નિવૃત પોલીસ કમિશનર સતીશ શર્મા તેમના પરિવારને લઇને સુરતમાં જ રહેતા તેમના કોઇ મિત્રના 5BHK બંગલોમાં રહેવા ગયા હોવાનું જાણવા મળ્યુ છે.સુરતના નિવૃત પોલીસ કમિશનર સતીશ શર્મા ગયા ઓગસ્ટ મહિનામાં વય મર્યાદાને કારણે નિવૃત થયા હતા પરંતુ તેમણે પોલીસ કમિશનર તરીકે ફાળવવામાં આવેલો બંગલો ખાલી કર્યો નહતો.તેમની નિવૃતીના એક મહિના પછી 30મી સપ્ટેમ્બરે નવા પોલીસ કમિશનર તરીકે 1995 બેન્ચના અધિક પોલીસ માર્ગ નિર્દેશક આરબી બ્રહ્મભટ્ટની નિમણૂંક કરવામાં આવી હતી.10 વર્ષ સીનિયર અધિકારી હોવાના નાતે પોલીસ કમિશનર આરબી બ્રહ્મભટ્ટે બંગલો ખાલી થવા માટે ત્રણ મહિના સુધી રાહ જોઇ હતી.ત્રણ મહિના સુધી તેઓ ONGCના ગેસ્ટ હાઉસમાં રહેતા હતા પરંતુ નિવૃત પોલીસ કમિશનર બંગલો ખાલી નહી કરે તેવો અણસાર આવવાના કારણે પોલીસ કમિશનર આરબી બ્રહ્મભટ્ટ જાતે જ પોતાનો બંગલો ખાલી કરાવવા માટે પહોચી ગયા હતા.
નિવૃત પોલીસ કમિશનર સતીશ શર્મા અગાઉ વડોદરા શહેરના પોલીસ કમિશનર હતા ત્યારે તેમણી GUV (ગુજરાત ઊર્જા વીજ નિગમ)માં બદલી થઇ જવા છતા પોલીસ કમિશનર માટે ફાળવવામાં આવેલો સરકારી બંગલા પર કબજો જમાવી રાખ્યો હતો અને તે સમયના વડોદરા શહેરના પોલીસ કમિશનર ઇ.રાધાકૃષ્ણનને પણ સરકીટ હાઉસમાં મહિનાઓ સુધી રહેવુ પડ્યુ હતું. તેના કારણે બન્ને અધિકારીઓ વચ્ચે ટકરાવ પણ થયો હતો.સતીશ શર્માની સુરત શહેરમાં બદલી થયા બાદ તેમના અગાઉના પોલીસ કમિશનર આશીષ ભાટિયાની જામનગર ખાતે બદલી થઇ હતી.સરકારી બંગલામાં રહેવા જવા માટે સતીશ શર્માએ ધમપછાડા કર્યા હતા પરંતુ ત્યારે તેમને જ્યારે બંગલો છોડવાનો સમય આવ્યો ત્યારે બંગલો છોડવાના બદલે કબજો જમાવી રાખ્યો હતો.
#SaveGujaratstudent: નાકામી છુપાવવા વિદ્યાર્થીઓના બંધારણીય હકની હત્યા કરી રહી છે સરકાર?