Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > પોલીસ કમિશ્નર અજય કુમાર તોમરનો કડક સંદેશ “પોલીસે કોઇની ભેટ સ્વિકારવી કે આપવી નહીં”

પોલીસ કમિશ્નર અજય કુમાર તોમરનો કડક સંદેશ “પોલીસે કોઇની ભેટ સ્વિકારવી કે આપવી નહીં”

0
264
  • રક્ષાબંધનના દિવસે સુરતના નવા પોલીસ કમિશ્નર તરીકે અજય તોમરે ચાર્જ સાંભળ્યો
  • 10 મહિનામાં જ આર બી બ્રહ્મભટ્ટની બદલી સુરતથી વડોદરા કરવામાં આવી
  • અજય તોમરે સુરતના પૂર્વ પોલીસ કમિશનર આર. બી બ્રહ્મભટ્ટ સાથે દસ મિનિટ ચર્ચા કરી

રાજ્યના પોલીસ વિભાગમાં મોટાપાયે થયેલી બદલીઓ બાદ આજે રક્ષાબંધનના દિવસે સુરત શહેરના નવા પોલીસ કમિશ્નર તરીકે અજય તોમરે ચાર્જ સાંભળી લીધો હતો.

મહત્વનું છે 10 મહિનામાં જ આર બી બ્રહ્મભટ્ટની બદલી સુરતથી વડોદરા પોલીસ કમિશ્નર તરીકે કરવામાં આવતા અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે.

સુરતના 22માં કમિશનર તરીકે અજય કુમાર તોમરે આજે રક્ષાબંધનના દિવસે ચાર્જ ગ્રહણ કર્યો હતો.

અજય કુમાર તોમર સુરત પોલીસ કમિશ્નર કચેરીએ પહોંચતાં તેમનું સ્વાગત કરી ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું.

ત્યાર બાદ અધિકારીઓ સાથે પરિચય કરાવવામાં આવ્યો હતો.

તોમરે ચાર્જ લીધા બાદ ડીસીપી, એસીપી અને પીઆઇ સાથે મીટીંગ કરી શહેર ની ભૌગોલિક પરિસ્થિતિ બાબતે જાણકારી મેળવી હતી.

તોમરે સુરતના પૂર્વ પોલીસ કમિશનર આર. બી બ્રહ્મભટ્ટ સાથે દસ મીનીટના વાર્તાલાપમાં શહેરના તમામ ભૌગોલિક પરિસ્થિતિ અંગે પણ જાણકારી મેળવી હતી.

આ પણ વાંચો: અમદાવાદના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે રક્ષાબંધનના દિવસે ચાર્જ સંભાળ્યો

પત્રકારોને સંબોધતા તોમરે જણાવ્યું હતું કે આર. બી બ્રહ્મભટ્ટ દ્વારા અત્યાર સુધી શહેરમાં લૉ એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ ખૂબ જ સારી રીતે સંભાળવામાં આવી છે.

શહેરમાં લો એન્ડ ઓર્ડરની સ્થિતિ વધુ સઘન બનાવવા માટે અમે કટિબદ્ધ છે.

પ્રજા માટે પોલિસિંગ વ્યવસ્થા વધુ સારી કરવામાં આવશે.

રક્ષાબંધનના પર્વ પર ચાર્જ લેનાર પોલીસ કમિશનર અજય તોમરે શહેરની તમામ બહેનોને જણાવ્યું હતું કે તેઓ પોતાના સ્વપ્ન પૂરા કરવા માટે આગળ વધે પોલીસ તેમની સાથે છે અને હંમેશા તેમની સુરક્ષા માટે તત્પર રહેશે.

સુરતમાં હાલ કોરોના ના કેસો વધી રહ્યા છે અને આ વચ્ચે પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું હતું કે અમદાવાદમાં પણ કોરોના કેસ મેં નિયંત્રણ કરવાનો અનુભવ હોવાથી સુરતમાં પણ તેજ  સ્ટ્રેટેજી અપનાવી પોલીસ કાર્ય કરશે.

તોમર માટે પડકાર

કોરોનાની મહામારી સામે લડી રહેલા સુરત શહેરની ભૌગોલિક સ્થિતિ અમદાવાદ અને ગુજરાતના અન્ય શહેરો કરતાં અલગ છે.

સુરતના મોટી સંખ્યામાં પરપ્રાંતના લોકો રહે છે, અને તેમના દ્વારા આચરવામાં આવતી ગુન્હાખોરી, સાથે જ ઓર્ગેનાઇઝ ક્રાઇમ ઉપરાંત સ્થાનિક ગેંગોનું ગુંડારાજ તોમર માટે પડકારજનક રહેશે.

આ ઉપરાંત દારૂ , જુગારનો ધંધો સુરતમાં મોટા પ્રમાણમાં થાય છે તે તેમના માટે માથાના દુખાવા રૂપ બની શકે છે.

આ પણ વાંચો: ગુજરાતના 74 IPS અધિકારીઓની બદલી: 12 SPને DIGમાં બઢતી

આ સાથે જ અનેક મથકોના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલતી લાલિયાવાડી અને તોડબાજી પર તોમરે નિયંત્રણ લાવી ખરેખર પોલીસ સાચા અર્થમાં પ્રજ સેવક બને તે દિશામાં કામ કરવું પડશે.

ભેટ લેવી કે આપવી નહીં

અજય કુમાર તોમર પોલીસ કમિશ્નર તરીકેનો ચાર્જ લીધો તે સમયે પોલીસ મુખ્ય કચેરી ખાતે એક બાળકી પોતાના પિતાની સાથે તમેના અભિવાદન માટે આવી હતી.

બાળકી ચોકલેટ લઈને પહોંચી હતી અને ચોકલેટ પોલીસ કમિશનરને આપી રહી હતી પરંતુ નવનિયુક્ત પોલીસ કમિશનર ચોકલેટ લીધી નહીં.

તેમને બાળકીના માથા પર હાથ ફેરવી અભિવાદન સ્વીકારી સુરત પોલીસ અને શહેરની જનતાને સંદેશો આપ્યો હતો કે પોલીસે કોઇની ભેટ સ્વીકારવી નહીં અને પોલીસને કોઈ ભેટ આપે નહીં.