Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > કર્ફ્યુની સમય મર્યાદા રાત્રે 12 થી સવારે 9 સુધી કરવા રજૂઆત

કર્ફ્યુની સમય મર્યાદા રાત્રે 12 થી સવારે 9 સુધી કરવા રજૂઆત

0
147

હાલમાં કોરોનાના સંક્રમણને કારણે ઉભી થયેલી પરિસ્થિતિમાં સરકાર દ્વારા વિવિધ પગલાઓ લેવામાં આવી રહ્યા છે, ત્યારે હોટલ, બેન્કવેટ કે રેસ્ટોરન્ટ એસોસિએશન દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીને રજૂઆત કરવામાં આવી છે કે સરકાર દ્વારા લેવાયેલા પગલાઓને અમારું સંપૂર્ણ સમર્થન છે. પરંતુ અમને કેટલીક વ્યાજબી તકલીફો પડી રહી છે તે અંગે યોગ્ય મદદ કરવામાં આવે.

હાલમાં કરફ્યુનો સમય રાત્રે 9 કલાકથી શરૂ થાય છે. જયારે હોટલ, બેન્કવેટ કે અન્ય રેસ્ટોરન્ટ રાત્રીના સમયે તો ખરેખર શરૂ થતા હોય છે. આ સંદર્ભે અમને કર્ફ્યુનું પાલન કરવામાં ખૂબ જ નુકસાની વેઠવી પડે તેમ છે. તો આ સમય મર્યાદાને રાત્રે 12 થી સવારે 9 સુધી કરવાથી અમોને રાહત મળે અને સરકારનો કરફ્યુનો હેતુ પણ જળવાઈ રહેશે. જો કરફ્યુનો સમય સવારે 6 ને બદલે સવારે 9 સુધીનો કરવામાં આવે તો અન્ય કોઈ પાયાની જરૂરિયાતોને અસર થાય એમ નથી. કારણ કે આ બધી ચીજવસ્તુઓ જેવી કે દૂધ, શાકભાજીને છૂટ મળેલ જ છે. તેથી કર્ફ્યુંનો સમય વધારવામાં કોઈ મુશ્કેલી ન થશે તેમ અમારું માનવું છે.

આ પણ વાંચો: ગુજરાતમાં 6 મહિના બાદ કોરોનાના રેકોર્ડ બ્રેક કેસ

રાત્રીના સમયે સુરત મહાનગરપાલિકાનું દબાણ ખાતુ કાર્યરત હોતું નથી. કારણ કે સાંજે 6 કલાક પછી મહાનગરપાલિકાનો સમય પૂર્ણ થઇ જાય છે. ત્યારબાદ પોલીસ ડિપાર્ટમેન્ટ લારી-ગલ્લા અને ફૂડ ટ્રક ચલાવનારા પર કાર્યવાહી કરતા હોય છે. અમારું એવું માનવું છે કે આ બધા રોડ પર / ફૂટપાથ પર ગેરકાયદેસર રીતે ધંધો કરે છે. અને સૌથી વધારે કોરોનાનો ફેલાવો ચાહની લારીઓ પર, પાનના ગલ્લાઓ પર સિગરેટ, માવા, તમાકુના ગુટખા, જ્યાં-ત્યાં થુંકવાથી અને ખાણીપીણીના ફૂડ ટ્રકસ પર ભીડના કારણે રોગચાળાનો ફેલાવો થાય છે. તેઓની પાસે હાથ ધોવા માટે પાણીની વ્યવસ્થા હોતી નથી. તેઓ પાસે સોશ્યલ ડિસ્ટન્સિંગની પણ કોઈ વ્યવસ્થા હોતી નથી. આ બધી જગ્યાઓ પર રાત્રિ સમયે ભીડભાડ થાય છે. તેના કારણે હોટલ ઉદ્યોગ બદનામ થાય છે અને તેનું નુકસાન ભોગવવું પડે છે.

હોટલ ઉદ્યોગ અનેક પ્રકારના જુદા જુદા ટેક્સ ભરી દેશના વિકાસ માટે ફાળો અને યોગદાન આપે છે. તો હોટલ ઉદ્યોગનું એવું માનવું છે કે કરફ્યુનો સમય રાત્રે 12 થી સવારે 9 સુધીનો કરવો અને સાથે સાથે શહેરના દરેક ઝોનમાં આવેલ લારીઓ અને ફૂડ ટ્રકને અમર્યાદિત સમય એટલે કે કોરોના કાળ સુધી જપ્ત કરી કોરોનાને કંટ્રોલ કરવો જોઈએ.

આ પણ વાંચો: ગુજરાતમાં જૂનથી ઓક્ટોબર સુધીના 5 મહિનામાં કુલ 2681 લોકોના કોરોનાથી મોત થયા

હોટલ ઉદ્યોગ સરકારને મોટો ટેક્સ આપનારો અને મોટા પ્રમાણમાં રોજગારી આપનાર ઉદ્યોગ છે. આ ઉદ્યોગ કોરોનાને કારણે સૌથી વધારે પ્રભાવિત થયો છે, તે જગજાહેર છે. તો ફક્ત સદ્દભાવના આપવાથી કામ નહિ ચાલે, પરંતુ તેને રાહત આપવા માટેના વિકલ્પો વિચારવા જોઈએ અને આ ઉદ્યોગને વિકટ પરિસ્થિતિમાંથી બહાર કાઢવા માટે અનેક પ્રકારની રાહતો આપવી જોઈએ.