Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > સુરતમાં કાર્યરત 237 અને ગ્રામ્યમાં 39 ધન્વંતરિરથોથી સર્વેલન્સ અને પ્રાથમિક સારવારને વધુ વ્યાપક બનાવવામાં આવી

સુરતમાં કાર્યરત 237 અને ગ્રામ્યમાં 39 ધન્વંતરિરથોથી સર્વેલન્સ અને પ્રાથમિક સારવારને વધુ વ્યાપક બનાવવામાં આવી

0
29

સુરત: વન, આદિજાતિ વિકાસ, મહિલા અને બાળકલ્યાણ મંત્રી ગણપતસિંહ વસાવાના અધ્યક્ષસ્થાને જિલ્લા વહીવટીતંત્ર અને સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે પ્રવર્તમાન કોવિડ-19ની સ્થિતિ અને આરોગ્ય તંત્રની કામગીરી સંદર્ભે સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ પ્રસંગે ગણપત વસાવાએ જણાવ્યું હતું કે, ઓક્સિજન અને રેમડેસિવીર ઈન્જેક્શન સહિતના ઉપલબ્ધ સંસાધનોના સુનિયોજીત ઉપયોગ દ્વારા શહેર-જિલ્લાના તમામ નાગરિકોને સમયસર સારવાર ઉપલબ્ધ થાય ઉપરાંત સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં સારવાર હેઠળના દર્દીઓને ઉપયુક્ત સારવાર મળે તે માટે કામગીરીને વધુ વેગવાન બનાવવાનો અનુરોધ કર્યો હતો.

સુરત શહેરમાં કાર્યરત 237 અને ગ્રામ્યમાં 39 ધન્વંતરિ રથોથી સર્વેલન્સ અને પ્રાથમિક સારવારને વધુ વ્યાપક બનાવવામાં આવી છે. ધન્વંતરિ રથ સેવાથી કોરોના સંક્રમણને આગળ વધતા અટકાવવાંમાં ખુબ મદદ મળી રહી છે, આ ઉપરાંત લોકોને ઘરઆંગણે આરોગ્યલક્ષી સેવા મળી રહી છે, જેથી આ સેવાને વધુ વ્યાપક અને અવિરતપણે જારી રાખવા જણાવ્યું હતું.

જિલ્લા વિકાસ અધિકારી હિતેશ કોયાએ ગ્રામ્ય વિસ્તાર અને મ્યુ.કમિશનર બંછાનિધિ પાનીએ શહેરી વિસ્તારની કોવિડ-19 ના સંક્રમણને અટકાવવાં અને દર્દીઓની સારવાર સુવિધાઓ અંગે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન આપીને માહિતગાર કર્યા હતાં. જેમાં તેમણે શહેર પ્રશાસન અને જિલ્લા વહિવટીતંત્ર દ્વારા કોરોના વાયરસ સંક્રમણને નિયંત્રણમાં લાવવા લેવામાં આવી રહેલા પગલા, ડોર-ટુ-ડોર સર્વેલન્સ, ટેસ્ટીંગ, રેમડેસિવિર ઈન્જેક્શન અને ઓક્સિજનની ફાળવણીની વ્યવસ્થા સહિતની કામગીરીનો ચિતાર રજૂ કર્યો હતો.

રાજ્ય અને કેન્દ્ર સરકાર સાથે પરામર્શ કરી સુરતને વધુ ઓક્સિજન પુરવઠો મેળવવાના સતત પ્રયાસો કરાઈ રહ્યાં છે એમ જણાવતાં મંત્રીએ નવી સિવિલમાં દરરોજ 9 મેટ્રિક ટન અને સ્મીમેરમાં 5 મેટ્રિક ટન વધારાના ઓક્સિજનની જરૂરિયાત છે.

વસાવાએ જણાવ્યું કે, રાજ્યના સ્થાપના દિવસ 1લી મે થી 15 મે સુધી રાજ્યના 18 હજાર ગામોમાં કોરોના સામેની લડતને સફળ બનાવવા અને જનજાગૃત્તિથી કોરોના સંક્રમણથી મુક્ત રાખવા ‘મારૂ ગામ, કોરોનામુક્ત ગામ’ અભિયાન શરૂ કરાશે. અભિયાન હેઠળ ગામોમાં શરદી, ઉધરસ, તાવ જેવા લક્ષણો ધરાવતાં ગ્રામજનોને ગામની વાડી, કોમ્યુનિટી હોલ કે પ્રાથમિક શાળાઓમાં આઈસોલેટ કરવામાં આવશે અને સારવાર આપવામાં આવશે. ગામના સરપંચ, ગ્રામ, તાલુકા અને જિલ્લા પંચાયતોના સહયોગથી સતર્કતા, જવાબદારી અને સહિયારા પુરૂષાર્થથી કોરોનાને નાથવાના પ્રયાસો કરવામાં આવશે, જેથી જિલ્લા આરોગ્ય તંત્ર સ્થાનિક ગ્રામ, તાલુકા અને જિલ્લા પંચાયતોના સહયોગથી આ અભિયાનને ઘર ઘર સુધી લઈ જઈને લોકજાગૃત્તિ કેળવે અને ગ્રામ્ય સ્તરે જ સારવાર અને આઇસોલેશનની વ્યવસ્થા ઉભી કરવાં માટે સક્રિય બને એમ જણાવ્યું હતું.

બેઠકમાં જિલ્લા કલેક્ટર ડો.ધવલ પટેલ, ખાસ ફરજ પરના અધિકારી થેન્નારસન, નાયબ વનસંરક્ષક અને સ્મીમેરના કોવિડ 19 નોડલ ઓફિસર પુનિત નૈયર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી હસમુખ ચૌધરી સહિત આરોગ્ય તંત્ર અને સ્થાનિક પ્રશાસન અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

બેઠક બાદ યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારોને કોવિડ-19ની વિગતો આપતા જણાવ્યું કે, કોરોના વધતા જતા કહેરની પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવા તથા જરૂરી સગવડો ઉપલબ્ધ કરવા માટે કેન્દ્ર તથા રાજય સરકાર સાથે મળીને તમામ સક્રિય પ્રયાસો કરી રહી છે. સુરત શહેર-જિલ્લામાં કોરોનાના 100013 કેસો નોંધાયા છે. જેમાં 88997 સ્વસ્થ થઈ ચુકયા છે. જયારે 22305 કેસો એકટીવ છે. જયારે 18354 દર્દીઓ હોમ આઈસોલેશનમાં સારવાર મેળવી રહ્યા છે.

સુરત શહેરમાં દરરોજ 30 હજાર ટેસ્ટ તથા જિલ્લામાં 5000 ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યા છે. જયારે દરરોજ 3800 જેટલા રેમડિસીવીર ઈન્જેકશનોની ફાળવણી કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, હાલમાં દેશના પાંચ રાજયો ઓક્સિજનનું ઉત્પાદન કરી રહ્યા છે. જેનું સમગ્ર નિયંત્રણ કેન્દ્ર સરકાર કરી રહી છે. ગુજરાતમાં એક હજાર ટન ઓક્સિજનની ફાળવણી કરવામાં આવી રહી છે. જેથી ઓક્સિજનની મર્યાદાના કારણે હાલ નવી સિવિલ હોસ્પિટલને 46 ટન અને સ્મિમેરને 25 ટનની ફાળવણી કરવામાં આવી રહી છે. સમગ્ર વહીવટીતંત્ર પ્રજાની સુખાકારી માટે પ્રયાસરત હોવાનું જણાવીને કોરોના નિયંત્રણ માટે સૌ સાથે મળીને કાર્ય કરવાનો અનુરોધ કર્યો હતો.

ગયા વર્ષની લહેરમાં શહેર-જિલ્લામાં 442 વેન્ટીલેટર બેડ હતા જે વધારીને હાલમાં 1222 જેટલા કરવામાં આવ્યા છે. જયારે ગુજરાતમાં એક કરોડના વેકસીનેશનની સામે સુરત શહેર-જિલ્લામાં નવ લાખ જેટલું વેકિસનેશન થઈ ચુકયું છે. તેમણે કહ્યું કે, હાલમાં સિવિલમાં રોજના ત્રણ ટન ઓક્સિજન જાતે જ પ્લાન્ટ દ્વારા ઉત્પન કરવામાં આવે છે જયારે બે દિવસ બાદ સ્મિમેરમાં એક ટન તથા સ્મિમેરમાં આગામી સમયમાં વધુ બે ટનનું ઉત્પાદન જાતે જ કરે તે પ્રકારની કામગીરી ચાલી રહી હોવાનું તેમણે કહ્યું હતું.

રાજય સરકાર દ્વારા રાજયના 18000 ગામોમાં મારૂ ગામ કોરોના મુકત ગામનું અભિયાનની શરૂઆત કરવામાં આવશે. જેમાં તા.1લી મે મથી 15મી એપ્રિલ દરમિયાન ગામની કોઈ વ્યકિતને શરદી, ખાંસી કે અન્ય લક્ષણો હોય તો તેની ગામ પ્રાથમિક શાળાઓ કે કોમ્યુનિટી હોલમાં હોમ આઈસોલેશન કરવામાં આવશે. જેથી પરિવારના અન્ય સભ્યો સુધી કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટેના નિવારાત્મક પગલાઓ લેવામાં આવનાર હોવાની વિગતો આપી હતી.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat