Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > સુરતમાં કોરોનાનું સંક્રમણ ફરી વધ્યું, રેપીડ ટેસ્ટના પોઝિટિવ દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લે તેવી સ્થિતિ

સુરતમાં કોરોનાનું સંક્રમણ ફરી વધ્યું, રેપીડ ટેસ્ટના પોઝિટિવ દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લે તેવી સ્થિતિ

0
171

સુરત: એક તરફ અનલોક-5ની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે બીજી તરફ શહેરમાં કોરોનાનું સંક્રમણ ફરી વધી રહ્યું હોવાનું આંકડાઓ પરથી દેખાય રહ્યું છે. એક સમયે 150 આસપાસ પોઝિટિવ કેસો પહોંચ્યા હતાં, તેમાં ફરી પાછો વધારો જોવા મળી રહ્યો છે. બુધવારે નવા 180 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે. આજના આ 180 કોરોના પોઝિટિવ કેસો સાથે કુલ કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 21,502 થયા છે. સુરત મહાનગરપાલિકા દ્વારા હાલમાં એકિટવ સર્વેલન્સ દરમિયાન 2,404 ટીમો દ્વારા 9,33,285 વ્યકિતઓની તપાસ કામગીરી હાથ ધરવામાં આવેલ છે. સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલ APX સર્વેમાં કુલ 3,18,341 ઘરોનું સર્વે હાથ ધરી કુલ 9,33,285 શહેરીજનોનું સર્વે કરવામાં આવ્યું છે.

રેપીડ ટેસ્ટના પોઝિટિવ દર્દીએ હોસ્પિટલમાં સારવાર મેળવવી પડે તેવી પરિસ્થિતિ

પાલિકા દ્વારા કહેવામાં આવ્યું છે કે હાલમાં શહેરમાં વધી રહેલા કોરોના વાયરસના સંક્રમણને નિયંત્રિત કરવા માટે મહાનગરપાલિકા દ્વારા બનતા તમામ પ્રયાસો કરવામાં આવી રહયા છે. કોરોનાને નિયંત્રિત કરવા માટે દરરોજ મોટી સંખ્યામાં લોકોનાં રેપીડ એન્ટીજન ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. આ ટેસ્ટ દરમિયાન કોરોના પોઝિટિવ આવતા લોકોને હોસ્પિટલમાં સારવાર મેળવવી પડે તેવી પરિસ્થિતિની શરૂઆત થઈ ચૂકી છે. કારણ કે કોરોના વાયરસ એ અતિ ગંભીર રોગ છે. તેને સહજતાથી ના લેવો જોઈએ. જો આપણને અને પરિવારને આ રોગના શિકાર ન થવું હોયતો કોવિડ–19ની માર્ગદર્શિકાનું અચૂકપણે પાલન કરવું જરૂરી છે . ફરજિયાત માસ્ક પહેરવું , એક બીજા વચ્ચે સામાજિક અંતર જાળવવુ , વારંવાર સાબુથી હાથ ધોવા અને સેનિટાઈઝરનો મહત્તમ ઉપયોગ કરવો.

આ પણ વાંચો: હાસકારો: ટ્રેનમાં આવતાં મુસાફરોમાં કોરોના પોઝિટિવના ઘટતી જતી સંખ્યા

નવા હાઇરિસ્ક વિસ્તારો બની રહ્યા છે.

શહેરના તમામ ઝોન વિસ્તારમાં કોરોનાનું પ્રમાણ વધી રહ્યું છે. આ તમામ વિસ્તારો હાઈરિસ્ક વિસ્તાર તરીકે ઉભરી આવેલ છે. આ વિસ્તારોમાં કોરોના વાયરસના સંક્રમણ થવાની શકયતા વધુ રહેલ હોય જેથી શહેરીજનોએ આ વિસ્તારોમાં બિનજરૂરી અવર-જવર કરવી નહીં અને માસ્ક પહેરવું, સામાજિક અંતર જાળવવું તથા કોરોનાની માર્ગદર્શિકાનું ચૂસ્તપણે પાલન કરવું. હાલની પરિસ્થિતિમાં વરાછા ઝોન–એમાં ધનવર્ષા , ભાગ્યોદય વોર્ડ અને કાપોદ્રા વિસ્તાર, વરાછા ઝોન– બીમાં સીમાડા, પૂણા બી વોર્ડ અને મોટા વરાછા સી વોર્ડ વિસ્તાર, રાંદેર ઝોનમાં કૃષ્ણકુંજ, પાલનપુર જકાતનાકા, પાલ અને જહાંગીરપુરા વિસ્તાર, કતારગામ ઝોનમાં ડભોલી, મોટી વેડ, અખંડઆનંદ અને પારસ વિસ્તાર, ઉધના ઝોનમાં વિજયાનગર વોર્ડ, જૂનું બમરોલી વોર્ડ અને ભેસ્તાન વિસ્તાર, અઠવા ઝોનમાં અલથાણ, વેસુ, સિટીલાઈટ અને પીપલોદ વિસ્તાર, લિંબાયત ઝોનમાં મગોબ વોર્ડ અને ગોડાદરા વોર્ડ, સેન્ટ્રલ ઝોનમાં નાનપુરા અને સલાબતપુરા વિસ્તાર સહિત આ તમામ વિસ્તારો હાઈરિસ્ક વિસ્તાર છે.

પુનઃ સંક્રમણ થવાની શકયતાઓ વધી

સુરત શહેરમાં છેલ્લાં 7 મહિનાથી કોરોના વાયરસનું સંક્રમણ પ્રસરી રહ્યું છે. તેમ છતાં લોકો આ બાબતે ગંભીરતા દાખવતા ના હોવાથી ઘણા લોકો સંક્રમિત થઈ રહ્યા છે. જુલાઈ 2020 દરમિયાન શહેરમાં કોરોનાનું સંક્રમણ વધ્યું હતું. ઘણા ગંભીર કેસો પણ જોવા મળ્યા હતા કેટલાક કિસ્સાઓમાં મૃત્યુ પણ થયેલા હતાં. આ સમય દરમિયાન કોવિડ સંક્રમણને નિયંત્રિત કરવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા  અસરકારક કડક પગલાંઓ લેવામાં આવેલા હતાં. જેમાં લોકોએ પોતાના સ્વાસ્થ્યની દરકાર કરવા બદલ સુરત મહાનગરપાલિકાને સહયોગ આપ્યો હતો અને લોકોમાં કોવિડ પ્રત્યેની જાગૃતિના કારણે કેસોમાં ધીરે ધીરે ઘટાડો નોંધાયો હતો. પરંતુ હાલમાં પુનઃ સંક્રમણ થવાની શકયતાઓ વધી રહી છે અને ARIના કેસોની સંખ્યા પણ વધી રહી છે. જેથી તમામ શહેરીજનોને અપીલ કરવામાં આવે છે કે સુરત મહાનગરપાલિકા દ્વારા કોવિડના સંક્રમણને નિયંત્રિત કરવાના પગલાં ઓમાં સહયોગ આપી કોવિડની માર્ગદર્શિકાનું પાલન કરે.

આ પણ વાંચો: 31 ઓક્ટો.સુધી મહારાષ્ટ્રમાં લોકડાઉન

શનિવાર-રવિવારના દિવસે ખાસ સાવચેતી

કોવિડ 19ના સંક્રમણને નિયંત્રિત કરવા માટે સુરત મહાનગરપાલિકા અનેક પ્રયત્નો કરી રહી છે, ખાવાના શોખીન સુરતીઓ ખાણી-પીણીની લારીઓ પર વધુ સંખ્યામાં એકત્રિત થાય છે. ખાસ કરીને શનિવાર અને રવિવારે કોરોનાના સંક્રમણને ફેલાતો રોકવા માટે ખાણી-પીણીની લારીઓ બંધ કરાવવામાં આવે છે, તેમ છતાં ઘણા લોકો રાત્રે બહાર નિકળીને કુટપાથ પર સહપરિવારો અથવા મિત્રો સાથે બેસીને વાતચીત કરતા હોય છે. તે સમયે તેઓ માસ્ક પહેરતા નથી. આ સ્થિતિમાં કોરોનાનું સંક્રમણ થવાની શક્યતા વધુ રહેલી છે. જેથી તમામ લોકોને ફરજીયાત માસ્ક પહેરીને જ બહાર નીકળે તે જરૂરી છે.