Gujarat Exclusive > ગુજરાત > એરપોર્ટ ઓથોરિટીનું એવું પગલું જેની તેને કોઈપણ પ્રકારની ઓથોરિટી જ નથી

એરપોર્ટ ઓથોરિટીનું એવું પગલું જેની તેને કોઈપણ પ્રકારની ઓથોરિટી જ નથી

0
212
  • 17 વર્ષ પછી પણ સુરત એરપોર્ટનો પાણી, વીજળી, સુરક્ષાનો કરોડોનો ખર્ચ ગુજરાત સરકાર માથે કેમ?
  • રાજ્ય સરકાર દ્વારા એરપોર્ટની સુરક્ષા પેટે અત્યાર સુધી કરાયેલો 100 કરોડ જેટલો ખર્ચો
  • એએઆઇએ ચૂકવવા જોઈએ તેવો લાઇટ, પાણી, વેરા બિલનો 17 કરોડનો ખર્ચ રાજ્ય સરકારે કર્યો

સુરતઃ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એએઆઇ) દ્વારા એવું પગલું ભરવામાં આવ્યું છે જેની તેને કોઈ ઓથોરિટી જ નથી. સુરત એરપોર્ટના ડેવલપમેન્ટનું કામ કરવાની જવાબદારી તેની છે ત્યારે તેનું જોઈએ તેવું ડેવલપમેન્ટ તો બાજુએ રહ્યુ પરંતુ તેનો નિયમિત ખર્ચ (surat-airport-AAI) પણ તેણે ગુજરાત સરકારના માથે નાખી દીધો છે.

ગુજરાત સરકાર પણ આજે સરકારી કર્મચારીઓનો વેતનકાપ કરી રહી છે અને બીજા ખર્ચાઓમાં કાપ મૂકી રહી છે, પરંતુ સુરત એરપોર્ટ અંગે તેણે એએઆઇ સાથે સત્તાવાર એમઓયુ કર્યા છે કે આ એરપોર્ટ સુપ્રદ કર્યાના બે વર્ષ પછી તેનો બધો ખર્ચ (surat-airport-AAI) એએઆઇ ઉઠાવશે, છતાં પણ રાજ્ય સરકાર આ એમઓયુ (MoU)નું તેની પાસે પાલન કરાવી શકી નથી. એએઆઇ રીતસર આના એમઓયુ અંગે ફરી ગઈ છે તેમ જ કહી શકાય.

આ પણ વાંચોઃ કોંગ્રેસ આપી રહી છે પેટાચૂંટણીના સંભવિત ઉમેદવારોની યાદીને આખરી ઓપ

આ અંગે સુરત એરપોર્ટ એક્શન કમિટીના પ્રમુખ સંજય ઇઝાવાએ જણાવ્યું હતું કે ગુજરાત સરકાર અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (AAI) દ્વારા કરાયેલા એમ.ઓ.યુ. પછી રાજ્ય સરકારે વાર્ષિક સાત કરોડનો ખર્ચ ભોગવવો પડે છે. આ ખર્ચ છેલ્લા 15 વર્ષથી ભોગવવો પડે છે. એએઆઇ સાથેના કરાર મુજબ સુરત એરપોર્ટનો વ્યવસ્થિત વિકાસ થાય ત્યાં સુધી આ બધો ખર્ચો રાજ્ય સરકારે ભોગવવાનો હતો.

આ એમ.ઓ.યુ મુજબ સુરત એરપોર્ટના ડેવલપમેન્ટ માટે ફક્ત બે જ વર્ષ ગણતરીમાં લેવામાં આવ્યા હતા. આ સમયગાળા દરમિયાન એએઆઇ સુરત એરપોર્ટના વિકાસના કામો કરવામાં નિષ્ફળ ગઈ છે. આમ રાજ્ય સરકારે જે ખર્ચ બે વર્ષ ભોગવવાનો હતો તે ખર્ચ તે છેલ્લા 15 વર્ષથી ભોગવી રહી છે. વાસ્તવમાં આ એએઆઇની જવાબદારી છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં કોંગ્રેસી MLAના રાજીનામાં બાદ ખાલી પડેલી 8 બેઠકો પર 3 નવેમ્બરે By Election

તેમણે આ અંગે મુખ્યમંત્રી, ઉડ્ડયન મંત્રી, જિલ્લા કલેક્ટર અને કેન્દ્રીય ઉડ્ડયન મંત્રાલયની સાથે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાને પત્ર પાઠવીને આ એમ.ઓ.યુ. તાત્કાલિક ધોરણે રદ થાય અને પાણી, વીજળી, વેરા તથા સુરક્ષાનો ખર્ચ અન્ય એરપોર્ટોની જેમ એએઆઇ ભોગવે તથા ગુજરાતની પ્રજાના માથેથી આ વધારાનો ખર્ચ દૂર કરવામાં આવે તેવી માંગ કરી છે.

મહત્વનું છે કે વર્ષ 2003માં સેપ્ટમ્બર 30મી તારીખે ગુજરાત સરકાર અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા એક એમ.ઓ.યુ બનાવીને સુરત હવાઈ મથક એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાને સોપવામાં આવ્યું હતું. ગુજરાત સરકાર તરફથી ઉદ્યોગ અને માઇન ખાતાના પ્રિન્સિપલ સેક્રટરી અને ચેરમેન એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા આ એમ.ઓ.યુ સહી કરીને અમલમાં મુકવામાં આવ્યું હતું. જયારે ગુજરાત સરકાર દ્વારા 898.27 લાખની મિલકત એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાને સુપરત કરવામાં આવી ત્યારે એમ.ઓ.યુ પ્રમાણે 30 સપ્ટેમ્બર 2003 બાદ કોઈ પણ ડેવલપમેન્ટ કામ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાને હાથ ધરવાનું હતું.

આ પણ વાંચોઃ પાટિલની પરીક્ષાઃ આઠેય બેઠકો જીતવાનો દાવો, હાર્દિક સામનો કરવા સક્ષમ?

સુરત એરપોર્ટ માટે ગુજરાત સરકારે 346 લાખની 312.67 હેક્ટર જમીન ફાળવી છે. સુરત એરપોર્ટને સુરક્ષા આપવા પેટે જ રાજ્ય સરકાર છેલ્લા 15 વર્ષ દરમિયાન 100 કરોડથી વધુ રકમ પગારભથ્થા પેટે કરી ચૂકી છે. જ્યારે આ કામગીરી સામાન્ય રીતે સીઆઇએસએફના જવાનો કરતાં હોય છે. આ સિવાય લાઇટબિલ, પાણી અને વેરા બિલ પેટે સરકાર અત્યાર સુધીમાં 17.07 કરોડની રકમ ખર્ચી ચૂકી છે.