Gujarat Exclusive > દેશ-વિદેશ > સુપ્રીમ કોર્ટે પ્રવાસી મજૂરોના મુદ્દા પર સુનાવણી પૂર્ણ કરી, 9મી જૂને નિર્ણય

સુપ્રીમ કોર્ટે પ્રવાસી મજૂરોના મુદ્દા પર સુનાવણી પૂર્ણ કરી, 9મી જૂને નિર્ણય

0
213

નવી દિલ્લી: પ્રવાસી મજૂરોના દુર્દશાના મુદ્દા પર શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે જણાવ્યુ કે, અત્યાર સુધી લગભગ એક કરોડ પ્રવાસી મજૂરોને તેમના ઘરે પહોંચાડી દેવામાં આવ્યા છે. બસોના માધ્યમથી 41 લાખ જ્યારે ટ્રેન દ્વારા 57 લાખ મજૂરોને તેમના ઘરે પરત મોકલવામાં આવ્યા છે. દેશભરમાં 3 જૂન સુધીમાં 4270 શ્રમિક ટ્રેનો ચલાવવામાં આવી છે. કેન્દ્ર સરકારના તરફથી રજૂ થયેલા સોલિસિટર જનરલ તુષાર મેહતાએ જણાવ્યુ કે, અમે રાજ્યોને પૂછ્યું કે કેટલા મજૂરોને શિફ્ટ કરવાની જરૂર છે અને કેટલી ટ્રેનો દોડવાની જરૂર છે. રાજ્યોએ અમને તે જાણકારી આપી દીધી છે અને તેના આધારે ચાર્ટ બનાવમાં આવ્યું છે. વધુ 171 ટ્રેન દોડવવાની જરૂર છે. સુપ્રીમ કોર્ટે બધા પ્રવાસી મજૂરોને તેમના ઘરે પરત મોકલવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારને 15 દિવસનો સમય આપ્યો છે.

તેના પર કોર્ટે પ્રશ્ન કર્યુ કે, તમારા ચાર્ટ પ્રમાણે શું મહારાષ્ટ્રએ એક જ ટ્રેનની માંગ કરી છે ? તો સોલિસિટર જનરલે કહ્યું – હાં, 802 ટ્રેન પહેલા જ મહારાષ્ટ્રથી ચલાવવામાં આવી છે. પછી કોર્ટે પ્રશ્ન પૂછ્યું કે, તો અમે એવું સમજીએ કે બીજો કોઈ પણ વ્યક્તિ મહારાષ્ટ્રથી નથી આવવા માંગતુ. તેના પર સોલિસિટર જનરલે ઉત્તર આપતા જણાવ્યુ કે, જી રાજ્ય સરકારે અમને આ જ માહિતી આપી છે. રાજ્યો તરફથી માંગ વધવા પર અમે 24 કલાકમાં ટ્રેન ઉપ્લબધ કરાવી રહ્યા છીએ.

જસ્ટિસ ભૂષણે જણાવ્યુ કે, અમે કેન્દ્ર અને રાજ્યોને મજૂરોને પરત મોકલવા માટે 15 દિવસનો સમય આપી રહ્યા છે. બધા રાજ્યોને જણાવવું પડશે કે તે મજૂરોને રોજગાર અને રાહત પહોંચાડવા માટે શું કરી રહ્યા છે. પ્રવાસી મજૂરોના રજિસ્ટ્રેશન ખૂબ જ જરૂરી છે.

અરજદારો તરફથી હાજર વકીલ કોલિન ગોંજાલ્વિસે જણાવ્યુ કે, રજિસ્ટ્રેશન સિસ્ટમ બરાબર રીતે કામ નથી કરી રહ્યું. અડધાથી વધારે મજૂરો પરત જવા માટે રજિસ્ટ્રેશન નથી કરી શકતા. તેના કરતા સારું હશે કે આવી સ્થિતિમાં પોલિસ સ્ટેશન અને બીજી કોઈ જગ્યાએ જઈને મજૂરોને રજિસ્ટ્રેશનની સુવિધા પૂરી પાડવામાં આવે.

બીજી તરફ સોલિસિટર જનરલ તુષાર મેહતાએ ફરી એકવાર ફરી આ સમસ્યાને લઈને વચગાળાની અરજી દાખલ કરવા પર પ્રશ્ન કરતાં જણાવ્યુ કે, આ બાબત સંપૂર્ણ રીતે કેન્દ્ર અને રાજ્યો પર છોડી દેવી જોઈએ. જેમને કોરોના સામે લડવા માટે કાઇ પણ યોગદાન નથી આપ્યું, તેમને અહી ક્રોસ-તપાસ કરવાની મંજૂરી આપવી જોઈએ નહી.

સુનાવણી દરમિયાન મહારાષ્ટ્ર સરકારે જણાવ્યુ, 11 લાખ મજૂરોને પરત મોકલવામાં આવ્યા છે. 38,000 લોકોને મોકલવાના બાકી છે. ગુજરાતે જણાવ્યુ કે, 23 લાખમાથી 20.5 લાખ લોકોને પરત મોકલવામાં આવ્યા છે તો પછી દિલ્લી સરકારે જણાવ્યુ કે, 2 લાખથી પણ વધારે મજૂરો અહી છે અને તે કામ છોડીને જવા નથી માંગતા. માત્ર 10 હજાર લોકો જ રાહ જોઈ રહ્યા છે. યૂપી સરકાર વતી કહેવામાં આવ્યું કે, 104 ટ્રેનોના માધ્યમથી 1.35 લાખ લોકોને પરત મોકલવામાં આવ્યા છે. 3206 મજૂરોને મોકલવાના બાકી છે. દેશભરમાથી 21,69,000 મજૂરો અમારે ત્યાં આવ્યા છે. તેમાથી 5 લાખ 50 હજાર મજૂરોને દિલ્લી બોર્ડર પરથી યૂપી લાવવામાં આવ્યા છે. બિહાર સરકારે જણાવ્યુ કે, 28 લાખ મજૂર પરત આવ્યા છે . સરકાર તેમને રોજગાર આપવા માંગે છે. અત્યાર સુધી 10 લાખ લોકોનું કૌશલ્યા મેપિંગ કરવામાં આવ્યું છે.

સોલિસિટર જનરલે જણાવ્યુ કે, તે NHRCની વચગાળાની અરજીનો વિરોધ નથી કરી રહ્યા પરંતુ તેમણે સરકારના જવાબની રાહ જોવી પડશે. NHRCએ મજૂરોની સ્થિતિને જોતાં કેટલાક ઉકેલ સૂચવ્યા છે સોલિસિટર જનરલ તુષાર મેહતાએ જણાવ્યુ કે, કોઈ પણ પ્રવાસી મજૂરના મૃત્યુ ખોરાક, પાણીના અભાવે નથી થઈ. જે લોકો પહેલાથી જ બીમાર હતા તેમના મૃત્યું થયા છે. કોર્ટ મંગળવારે પ્રવાસી મજૂરોના રજિસ્ટ્રેશન, ટ્રાન્સપોર્ટેશન અને રોજગાર જેવા મુદ્દા પર આદેશ આપશે.

કોરોના વાયરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથીતેવામાં દેશ-દુનિયાના અને ખાસ કરીને ગુજરાતના સમાચારો માટે તમે ગુજરાત એક્સક્લૂઝિવના ફેસબુક પેજને લાઈક કરી શકો છો અથવા વોટ્સએપ-ટેલિગ્રામ અને ટ્વિટર પર અમારા સાથે જોડાઇ શકો છો.

અંડરવર્લડ ડોન દાઉદ ઇબ્રાહિમ અને પત્ની કોરોનાનો શિકાર