નવી દિલ્હી: અદાણી કેસમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્રના સૂચનને ફગાવી દીધું છે. હિંડનબર્ગ રિસર્ચના અહેવાલ પછી અદાણી ગ્રૂપની કંપનીઓના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. રોકાણકારોના હિતોનું રક્ષણ કરવા માટે કેન્દ્ર સરકારે પેનલની રચના અંગે સીલબંધ કવરમાં સૂચનો મંગાવ્યા હતા. સુપ્રીમ કોર્ટે તેને ‘ના’ કહ્યું છે. સુપ્રીમ કોર્ટે કહ્યુ કે, તેઓ આ મામલે સંપૂર્ણ પારદર્શિતા ઇચ્છે છે. અદાણી ગ્રૂપની કંપનીઓના શેરના ઘટાડામાં હસ્તક્ષેપની માંગ કરતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટે શુક્રવારે સુનાવણી યોજી હતી. સુપ્રીમ કોર્ટે ઘટનાની તપાસ માટે સમિતિની રચના પર પોતાનો આદેશ અનામત રાખ્યો હતો.
Advertisement
Advertisement
કેન્દ્ર સરકારે સોમવારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે તેને શેરબજાર માટે નિયમનકારી મિકેનિઝમને મજબૂત કરવા માટે નિષ્ણાતોની સમિતિની રચના કરવાના પ્રસ્તાવ સામે કોઈ વાંધો નથી. હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટ બહાર આવ્યા બાદ અદાણી ગ્રૂપના શેરમાં ઘટાડા અંગે સુપ્રીમ કોર્ટ સુનાવણી કરી રહી છે. કેન્દ્ર સરકારે મુખ્ય ન્યાયાધીશ CJI ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની બેંચને કહ્યું હતું કે વ્યાપક હિતને ધ્યાનમાં રાખીને તે નિષ્ણાતોના નામ અને સમિતિના કાર્યનો વિસ્તાર સીલબંધ કવરમાં પ્રદાન કરવા માંગે છે. જો કે સુપ્રીમ કોર્ટે આ સૂચન સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો છે.
ગત સુનાવણીમાં કેન્દ્ર સરકાર અને સેબી તરફથી હાજર થયેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યુ હતુ કે રેગ્યુલેટર અને અન્ય વૈધાનિક સંસ્થાઓ હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટથી ઉભી થયેલી પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર છે, તેમણે કહ્યુ હતુ કે, “સરકારને સમિતિની રચના કરવામાં કોઇ વાંધો નથી પરંતુ અમે નિષ્ણાતોના નામ સૂચવી શકીએ છીએ. અમે સીલબંધ કવરમાં નામ સૂચવી શકીએ છીએ.
તુષાર મહેતાએ આશંકા વ્યક્ત કરી હતી કે જો પેનલની રચના કરવામાં આવે તો કોઇ પણ અનિચ્છનીય મેસેજ ભંડોળના પ્રવાહને પ્રતિકૂળ અસર કરી શકે છે. સુપ્રીમ કોર્ટે રોકાણકારોને નુકસાન પહોચાડવા અને અદાણી ગ્રુપના શેરને કૃત્રિમ રીતે નુકસાન પહોચાડવા માટે બે જાહેર હિતની અરજીઓ (PIL) શુક્રવારે લિસ્ટ કરી હતી.
હિંડનબર્ગની સુનામીમાં અદાણી ગ્રુપનું MCap તૂટ્યુ
Hindenburgએ પોતાના રિપોર્ટમાં 88 સવાલ ઉઠાવતા જે આરોપ લગાવ્યા હતા, તેનું અદાણી ગ્રુપ પર એવી અસર થઇ કે શેરમાં એકદમ સુનામી આવી ગઇ હતી અને 10 દિવસની અંદર Adani Groupનું માર્કેટ કેપિટલાઇઝેશન અડધુ સાફ થઇ ગયુ હતુ. આટલુ જ નહી શેરમાં થયેલા ઘટાડાની અસર ચેરમેન ગૌતમ અદાણીની નેટવર્થ પર પણ પડી હતી અને દુનિયાના ટૉપ બિઝનેસમેનની યાદીમાં ચોથા નંબર પરથી તે ટોપ-20ની બહાર થઇ ગયા હતા. ફોર્બ્સની યાદી પ્રમાણે ગૌતમ અદાણી સૌથી અમીર વ્યક્તિમાં 24માં નંબર પર છે. 110 અબજ ડૉલર ઉપર નેટવર્થ ધરાવનારા ગૌતમ અદાણીની સંપત્તિ ઘટીને હવે માત્ર 51 અબજ ડૉલર રહી ગઇ છે.
Advertisement