Gujarat Exclusive > દેશ-વિદેશ > બિલ્ડર અને મકાન ખરીદનાર વચ્ચે મોડેલ કરાર બનાવવાની સુપ્રીમ કોર્ટની કેન્દ્ર સરકારને સલાહ

બિલ્ડર અને મકાન ખરીદનાર વચ્ચે મોડેલ કરાર બનાવવાની સુપ્રીમ કોર્ટની કેન્દ્ર સરકારને સલાહ

0
77

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે સોમવારે કહ્યું હતું કે દેશના રિયલ એસ્ટેટ સેક્ટરમાં ગ્રાહકોની સુરક્ષા માટે બિલ્ડરો અને મકાન ખરીદનારા ગ્રાહકો વચ્ચે એક આદર્શ કરાર અસ્તિત્વમાં હોય તે દેશ માટે ખુબ જરૂરી છે કેમ કે બિલ્ડરો તેમના દ્વારા તૈયાર કરાયેલા કરારમાં કેટલી બધી ગૂંચવાડાયુક્ત શરતો અને નિયમોનો ઉલ્લેખ કરતાં હોય છે જેની સામાન્ય ગ્રાહકને જાણ પણ હોતી નથી.

ન્યાયમૂર્તિ સર્વશ્રી ડીયવાય ચંદ્રચુડ અને બી.વી. નાગરત્નાની બેન્ચે આ અંગે દાખલ થયેલી એક અરજીના પગલે કેન્દ્ર સરકારને ઓક નોટિસ પાઠવી તેનો જવાબ આપવા જણાવ્યું હતું.

બિલ્ડરો દ્વારા તૈયાર કરાતા દસ્તાવેજોમાં એટલી બધી ગૂંચવાડાયુક્ત શરતો અને નિયમો મૂકેલા હોય છે જેની સામાન્ય ગ્રાહકને કશી જાણ હોતી નથી તેથી ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવા બિલ્ડરો અને ખરીદનાર ગ્રાહક વચ્ચે એક આદર્શ કરાર હોય તે દેશ માટે અતિ આવશ્યક છે એમ બેન્ચે તેનું અવલોકન વ્યક્ત કર્યું હતું.

અરજદાર એડવોકેટ અશ્વિની ઉપાધ્યાય વતી કોર્ટમાં હાજર રહેલા વરિષ્ઠ વકીલ વિકાસ સિંઘે બેન્ચ સમક્ષ દલીલ કરી હતી કે કેન્દ્ર સરકાર દ્વારા તૈયાર કરાયેલો એક આદર્શ કરાર હોવો ખુબ જરૂરી છે, કેમ કે કેટલાંક રાજ્યોએ તો આ રીતનો આદર્શ કરાર તૈયાર કરીને અમલમાં પણ મૂકી દીધો છે,

પરંતુ હજુ પણ કેટલાંક રાજ્યોમાં આવો કોઇ કરાર અમલમાં નથી, તદુપરાંત આ વિષયમાં કોઇ એકસમાનતા પણ જોવા મળતી નથી.બેન્ચે પણ કહ્યું હતું કે તેણે આ અગાઉ રિયલ એસ્ટેટ રેગ્યુલેશન એક્ટ વિશે સુનાવણી હાથ ધરી હતી તેથી તેને આ કરારનું મહત્વ સમજાયું હોવાથી આ કેસ ખરેખર રસપ્રદ છે.

અરજદાર વતી વધુ દલીલ કરતાં સિંઘે કહ્યું હતું કે જે રાજ્યોમાં બિલ્ડર-ખરીદનાર વચ્ચે આદર્શ કરારનો અમલ ચાલુ છે ત્યાં પણ બિલ્ડરો સરકારી અધિકારીો સાથે સાંઠગાંઠ રચીને પોતાની ઇચ્છા મુજબની શરતો દસ્તાવેજમાં દાખલ કરાવવા પ્રયાસ કરે છે તેથી કેન્દ્ર સરકારે જ એક આદર્શ કરાર તૈયાર કરીને સમગ્ર દેશના તમામ રાજ્યોને અને કેન્દ્ર શાસિત પ્રદેશોને તેનો અમલ કરવાનો આદેશ આપી દેવો જોઇએ.

ઘર ખરીદનારા ગ્રાહકો વતી કોર્ટમાં હાજર રહેલાં એડવોકેટ માનેકા ગુરૂસ્વામીએ કહ્યું હતું કે ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવા તેઓ પણ આ પ્રકારના કરારનો અમલ થાય તેની તરફેણ કરે છે.

તેમણે કહ્યું હતું કે સિંધ દ્વારા કરાયેલી દલીલને તેમનો પણ ટેકો અને સમર્થન છે. બેન્ચે કહ્યું હતું કે આ અંગે તે પ્રતિવાદી (કેન્દ્ર સરકાર)ને નોટિસ પાઠવે છે અને તેનો જવાબ માંગે છે. ગ્રાહકોના હિતોનું રક્ષમ કરવા એડવોકેટ અશ્વિની ઉપાધ્યાય દ્વારા સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી કરાઇ હતી જેની આજે સુનાવણી રાખવામાં આવી હતી.

આ અરજીમાં રિયલ એસ્ટેટમાં જેની સૌથી મોટી ખોટ છે તે પારદર્શિતા લાવવાની પણ દાદ માંગવામાં આવી હતી. બિલ્ડરો, પ્રમોટરો અને એજન્ટો પોતાની મુનસફી ઉપર આધારિત શરતો દસ્તાવેજોમાં ઘૂસાડી દેતાં હોય છે જેના કારણે ગ્રાહકને સમાન તક મળતી નથી જે ભારતીય બંધારણના અનુચ્છેદ 14,15 અને 21નું ખુલ્લેઆમ ઉલ્લંઘ છે એમ આ અરજીમાં વેધક દલીલ કરાઇ હતી.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat