Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > જન્મદિન વિશેષ: આધૂનિક ભારતીય રાજનીતિના ‘દુર્વાસા ઋષિ’ સુબ્રમણ્યમ સ્વામી

જન્મદિન વિશેષ: આધૂનિક ભારતીય રાજનીતિના ‘દુર્વાસા ઋષિ’ સુબ્રમણ્યમ સ્વામી

0
881

સુબ્રમણ્યમ સ્વામીના (Subramanian Swamy) ટ્વીટર હેન્ડલ પર નજર નાંખવામાં આવે તો, તેઓ પોતાના વિરોધીઓની સરખામણી હંમેશા પૌરાણિક દુષ્ટ પાત્રો સાથે કરે છે. જેમ કે, તાડકા, શકુનિ વગેરે. આજ રીતે સુબ્રમણ્યમ સ્વામીની સરખામણી કોઈ પૌરાણિક પાત્ર સાથે કરવામાં આવે, તો તેમને આધુનિક ભારતીય રાજનીતિના “દુર્વાસા” કહી શકાય, કે જે કોઈનાથી કોઈ પણ વાત પર નારાજ થઈ શકે છે.

રાજનીતિમાં છેલ્લા 4 દાયકાથી સક્રિય સ્વામી આરોપ-પ્રત્યારોપની શૈલીમાં વિશ્વાસ નથી ધરાવતા, પરંતુ તેઓ આરોપ લગાવાની જગ્યાએ સીધો નિર્ણય સંભળાવવામાં વિશ્વાસ ધરાવે છે. RBIના ગવર્નર શક્તિકાંત દાસે હજુ તો તેમનું પદ સંભાળ્યું હતું કે, સ્વામીએ તેમને જાહેરમાં ભ્રષ્ટ અધિકારી જાહેર કરી દીધા. તેમણે જાહેરમાં કહ્યું કે, RBIના નવા ગવર્નર તો પી ચિદમ્બરમના “ચેલા“ છે.

તેમણે જાહેરમાં જણાવ્યું કે, મોદી સરકારના મંત્રીઓમાં અર્થ વ્યવસ્થાની સમજ નથી. નાણાંમંત્રાલય અને નાણાં વિભાગ સાથે સંકળાયેલી એજન્સીઓના અધિકારીઓ કાયમ તેમના નિશાના પર રહે છે.દાખલા તરીકે જોઈએ તો, RBIના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન. આ સિવાય પૂર્વ નાણાંમંત્રી અરૂણ જેટલી સાથે પણ તેમના સબંધો સારા નહતા.

સુબ્રમણ્યમ સ્વામીએ રઘુરામ રાજનને “અમેરિકી માનસિક્તા” ધરાવતા અર્થશાસ્ત્રી જણાવીને, તેમની ભારતીયતા પર પ્રશ્ન ઉઠાવી દીધા. તેમણે આરોપ લગાવ્યો હતો કે, રાજનની નીતિઓ ભારતીય અર્થ વ્યવસ્થાને બરબાદ કરી રહી છે. નિષ્ણાંતો માને છે કે, આ દરમિયાન સ્વામી ભલે રાજનનો વિરોધ કરતા, પરંતુ તેમના નિશાના પર નાણામંત્રી અરૂણ જેટલી (Arun Jaitley) રહેતા હતા. રઘુરામ રાજન બાદ તેમણે પૂર્વ આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમ વિરૂદ્ધ મોરચો માંડ્યો હતો.

પ્રશ્ન ઉઠે છે કે, સતત પાર્ટી લાઈનની વિરૂદ્ધ જઈને બોલ્યા બાદ પણ ભાજપના (BJP) શિર્ષ નેતૃત્વ અથવા વડાપ્રધાન તરફથી સુબ્રમણ્યમ સ્વામીને કેમ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી? વડાપ્રધાન મોદીએ (PM Modi)એક વખત તેમનું નામ લીધા વિના જરૂર જણાવ્યું હતું કે, મીડિયાએ પ્રચારના ભૂખ્યા લોકોને વધારે મહત્વ ના આપવું જોઈએ. જો કે સ્વામી પર તેની કોઈ અસર નહતી થઈ. બીજા જ દિવસે તેમણે ટ્વીટ કરીને જણાવ્યું કે, તેઓ પ્રચાર માટે મીડિયાની પાછળ નથી ભાગતા, પરંતુ મીડિયા પોતે તેમની પાછળ દોડે છે. રાજનીતિક નિષ્ણાંતો માને છે કે, નરેન્દ્ર મોદીનું જે પ્રકારનું વ્યક્તિત્વ છે, તેઓ આવી વાતોને ક્યારેય સહન નથી કરતા, પરંતુ સ્વામી મામલે આવું કશું નથી થતું.

ભાજપના આંતિરક સુત્રોનું માનવું છે કે, મોદી સરકારના સૌથી શક્તિશાળી મંત્રીઓમાંથી એક દિવગંત અરૂણ જેટલી ક્યારેય નહતા ઈચ્છતા કે, સુબ્રમણ્યમ સ્વામી ભાજપમાં રહે. જાણીતા પત્રકાર કૂમી કપૂરે પોતાના પુસ્તક “ઈમરજન્સી: અ પર્સનલ હિસ્ટ્રી”માં લખે છે કે, કટોકટી સમયે ઈન્દિરા ગાંધીની કટ્ટર આલોચના અને ડાબેરીઓના વિરોધના કારણે સ્વામી જનસંઘ માટે હીરો બની ગયા હતા. કટોકટી દરમિયાન અમેરિકા જતા પહેલા સ્વામીએ અનેક વખત ગુજરાતનો પ્રવાસ ખેડ્યો અને એ સમયે RSSએ જે પ્રચારકને સ્વામીને લેવા માટે મોકલ્યા, તેમનું નામ નરેન્દ્ર મોદી (Narendra Modi)  હતું. સ્વામી ખુદ આ વાત સ્વીકારે છે.

આમ બન્ને વચ્ચે બહુ જૂની ઓળખ છે. 2014માં સુબ્રમણ્યમ સ્વામીએ પ્રધાનમંત્રી પદ માટે નરેન્દ્ર મોદીના નામનું સમર્થન પણ કર્યું હતું. આ સિવાય 2G કૌભાંડથી લઈને સોનિયા ગાંધીની ડિગ્રી અને રાહુલ ગાંધીની (Rahul Gandhi) નાગરિક્તા પર જે પ્રશ્નો સુબ્રમણ્યમ સ્વામીએ ઉઠાવ્યા, તે તમામ નરેન્દ્ર મોદીને ફાયદો પહોંચાડીને રહ્યાં. નેશનલ હેરાલ્ડ કેસમાં પણ સ્વામી ગાંધી પરિવારની પાછળ પડી ગયા છે. આ સિવાય RSSની તરફથી પણ સ્વામીની પ્રસંશા કરવામાં આવી હતી.

ભાજપના આંતરિક સુત્રો અનુસાર, પૂર્વ નાણાંમંત્રી અરૂણ જેટલી અને સુબ્રમણ્યમ સ્વામી વચ્ચેના સબંધો સારા નથી રહ્યા.આ ઉપરાંત 2014ની લોકસભા ચૂંટણી સમયે એવી અફવા ઉડી કે, સુબ્રમણ્યમ સ્વામીને દિલ્હીથી લોકસભાની ટિકિટ અરૂણ જેટલીના વિરોધને કારણે આપવામાં નથી આવી. આ વાતમાં કેટલી સચ્ચાઈ છે? તે તો હજુ સુધી નથી જાણી શકાયું, પરંતુ રાજનીતિક જાણકારોનું માનવું છે કે, સ્વામીએ તે વાતને સાચી માની અને જેટલી જ્યાં સુધી મોદી સરકારમાં મંત્રી રહ્યાં, ત્યાં સુધી સ્વામી તેમની આલોચના કરતા રહ્યાં.

જાણકારો માને છે કે, ભાજપના 2014માં સત્તામાં આવ્યા બાદ સુબ્રમણ્યમ સ્વામી પોતાની ભૂમિકા વડાપ્રધાનના બૌદ્ધિક સલાહકાર તરીકે જોઈ રહ્યાં હતા.એ સમયે ગુજરાતથી આવેલા નરેન્દ્ર મોદીને લુટિયન્સ ઝોનની રાજનીતિમાં એક એવા માણસની આવશ્યક્તા પણ હતી, પરંતુ આ માટે તેમણે દિલ્હીની રાજનીતિમાં પારંગત અરૂણ જેટલી પર વિશ્વાસ મૂક્યો. જાણકાર જણાવી છે કે, ભાજપનું શીર્ષ નેતૃત્વ સ્વામીને રાજ્યસભામાં પણ મોકલવા નહતું માંગતુ, પરંતુ RSSના દબાણે કામ કર્યુ અને તે રાજ્યસભામાં પહોંચી ગયા.

એવું માનવામાં આવે છે કે, સુબ્રમણ્યમ સ્વામીનો અરૂણ જેટલી પર હુમલો રાજનીતિક મતભેદનું પરિણામ હતું. એક આર્થિક વિશેષજ્ઞના જણાવ્યા પ્રમાણે, રઘુરામ રાજન અને અરવિંદ સુબ્રમણ્યમ જેવા અર્થ શાસ્ત્રીઓને અમેરિકન અને બિનભારતીય બતાવનાર સ્વામી તેમની બજારવાદી આર્થિક નીતિઓના સમર્થક રહ્યા છે.

સુબ્રમણ્યમ સ્વામીએ 24 વર્ષની ઉંમરમાં જ હાવર્ડથી PhDની ડિગ્રી મેળવી હતી. 1969માં તેઓ પ્રોફેસર અમર્ત્ય સેનના કહેવાથી દિલ્હી સ્કૂલ ઓફ ઈકોનૉમિક્સમાં ભણાવા આવ્યા. હાવર્ડથી ભણીને આવેલા સ્વામી બજારવાદી આર્થિક નીતિઓના સમર્થક રહ્યા હતા અને તેમણે ડાબેરીઓનો વિરોધ શરૂ કરી દીધો. પરિણામ સ્વરૂપે અમર્ત્ય સેનની ઈચ્છા છત્તા તેઓ દિલ્હી સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં પ્રોફેસર ના બની શક્યા અને IIT દિલ્હીમાં ભણાવવા લાગ્યા.

જો કે અહીં પણ સુબ્રમણ્યમ સ્વામીની ભૂમિકા કટ્ટર આલોચકની રહી અને ઈન્દિરા ગાંધી સરકારની આર્થિક નીતિઓની આકરી આલોચના શરૂ કરી દીધી. સ્વામીએ પંચવર્ષીય યોજનાઓને બેકાર ગણાવી એને પોતાના નિવેદનોના કારણે પ્રખ્યાત થઈ ગયા કે, ઈન્દિરા ગાંધી પણે તેમને ઓળખવા લાગી અને તેમને ‘બિનવ્યવહારૂ વિચારોવાળા સાન્તાક્લોઝ’ કહી દીધા હતા.

રાજનીતિક નિષ્ણાંતો માને છે કે, અમેરિકામાં ભણેલા-ગણેલા અને તીક્ષ્ણ બુદ્ધી ધરાવતા ગણિતજ્ઞ, અર્થ શાસ્ત્રી અને કાયદાનું ઊંડુ જ્ઞાન ધરાવાત સ્વામી RSSના પ્રિય એટલા માટે બની ગયા, કારણ કે તેઓ ગાંધી પરિવારની વિરૂદ્ધ ખુલ્લેઆમ મોરચા માંડ્યો હતો અને ઈન્દિરા ગાંધી માટે માથાનો દુ:ખાવો બન્યા હતા. આ પુરસ્કાર સ્વરૂપે 1974માં જનસંઘે સુબ્રમણ્યમ સ્વામીને રાજ્યસભામાં મોકલી દીધા હતા.

જનસંઘ સાથે જોડાયા બાદ વિદેશમાં ભણેલા સ્વામીના વિચારો પણ બદલાયા. હવે તેઓ હિંદૂ રાષ્ટ્રના સમર્થનમાં પોતાને અભિવ્યક્ત કરવા લાગ્યા. એક સમયે ખુલ્લા બજારની અર્થનીતિના સમર્થક રહેલા સ્વામીએ સ્વદેશી મૉડલ અપનાવ્યું અને આર્થિક સત્તા સાથે સંકળાયેલા લોકોની અલોચના કરવાની શરૂ કરી દીધી.

કટોકટી બાદ બનેલી જનતા પાર્ટીની સરકારમાં જ્યારે તેઓ નાણામંત્રી ના બની શક્યા, ત્યારે તેમણે આ માટે અટલ બિહારી વાજપેયીને દોષી માન્યા અને મર્યાદા ઓળંગીને તેમના પર સંગીન આરોપ લગાવ્યા. 1998માં પ્રધાનમંત્રી બન્યા બાદ જ્યારે વાજપેયીએ તેમને ફરીથી નાણાંમંત્રી ના બનાવ્યા, તો સોનિયા ગાંધી (Sonia Gandhi) અને જયલલિતા સાથે મળીને તેમણે અટલજીની સરકારને પાડી દીધી હતી. જો કે બાદમાં સ્વામી દ્વારા દાખલ કરવામાં આવેલી ભ્રષ્ટાચારના કેસમાં જયલલિતાને સજા થઈ અને સોનિયા ગાંધી વિરૂદ્ધ તેમનું અભિયાન આજે પણ ચાલું છે.

સ્વામીના રાજકીય જીવનમાં દોસ્તી અને દુશ્મની કેટલી ઝડપથી બદલાય છે, તેનો ક્યાસ કાઢવો મુશ્કેલ છે, કારણ કે તેમનું આગામી પગલું શું હશે? આમ પણ ગાંધી પરિવાર સામે તેમનો આક્રોશ જગજાહેર છે. ઈન્દિરા ગાંધી, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પર તેમના આરોપ રાજનીતિક મર્યાદાઓથી આગળ સુધી જતા રહ્યા. જો રે રાજનીતિક જાણકારો માને છે કે, રાજીવ ગાંધી સાથે તેમના સબંધો સારા રહ્યાં હતા.

સ્વદેશી લૉબીની વકીલાત કરતા એસ ગુરૂમૂર્તિને સ્વામીના મિત્ર અને સમાન વિચારધારા ધરાવતા માનવામાં આવી રહ્યા છે. જ્યારે નરેન્દ્ર મોદી સરકાર અને RBI વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો, ત્યારે આર્થિક જાણકાર તેની પાછળ ગુરૂમૂર્તિના ભેજાને ગણાવી રહ્યા છે. જો કે આ વિવાદમાં સુબ્રમણ્યમ સ્વામી જાહેરમાં RBIના તત્કાલીન ગવર્નર રહેલા ઉર્જિત પટેલના સમર્થનમાં બોલ્યા અને તેમને અર્થશાસ્ત્રી પણ જાહેર કરી દીધા હતા. જેનાની વિપરીત એસ ગુરૂમૂર્તિ માટે તેઓ એવું પણ કહી ચૂક્યા છે કે, તેમને RBIના ડિરેક્ટર બનાવવા ગંભીર ભૂલ હતી.

આ સિવાય જ્યારે તમિલનાડુથી સમાચાર આવ્યા કે, સુપરસ્ટાર રજ્નીકાંત પોતાની પાર્ટી બનાવી શકે છે, ત્યારે રાજનીતિક જાણકારોનું માનવું હતું કે, આ સમગ્ર યોજના પાછળ ગૂરૂમૂર્તિ જ છે. જો કે આ સમાચાર સામે આવતા જ સ્વામીએ જણાવ્યું કે, રજ્નીકાંત અભણ છે અને તમિલનાડુની પ્રજા સમજદાર છે. સ્વામીએ ત્યાં સુધી જણાવ્યું કે, રજ્નીકાંત પોતાની પાર્ટી બનાવે અને ઉમેદવાર જાહેર કરે પછીં હું તેમની પોલ ખોલીશ. જાણકારોના માનવા પ્રમાણે, સ્વામીના આ પ્રકારના હુમલા પાછળ તેઓ ગુરૂમૂર્તિને નિશાને લઈ રહ્યા હતા.

આ ઉપરાંત સુબ્રમણ્યમ સ્વામીના રાજકિય કારકિર્દી બનાવવામાં RSSનું વિશેષ યોગદાન રહ્યું છે, પરંતુ એક વખત તેમણે પોતાના એક લેખમાં કંઈક એવું લખી નાંખ્યું, જેનો અર્થ એવો થઈ રહ્યો હતો કે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં ફાસીવાદનો ઉદય થઈ રહ્યો છે. જો કે આમ કરવા છત્તા પણ સ્વામીને પડકારવાની કોઈની પાસે હિંમત નહતી. રાજનીતિક નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે, આ બધાથી વિપરીત સુબ્રમણ્યમ સ્વામી રાજનીતિમાં પોતાના નફા-નુક્શાનનું ધ્યાન રાખનાર નેતા નથી.

સુબ્રમણ્યમ સ્વામી આખરે કેમ આવા છે?
તેમના સમર્થક સ્વામીને હંમેશા સત્યની પડખે ઉભા રહેનાર વ્યક્તિ તરીકે જુએ છે. જેમાં કુશળ બુદ્ધી અને જ્ઞાન હંમેશા તેમનો સાથ આપે છે. 80 લાખ કરતા વધારે ફૉલોવર્સ ધરાવતા તેમના ટ્વીટર હેન્ડર પર પણ આ અંગે આપણને અનેક સંકેત મળી શકે છે.

અહીં પોતાનો પરિચય આપતા સ્વામીએ જણાવ્યું કે, “I Give As Good As I Get“. બોલચાલની ભાષામાં તેનું અનુવાદ કરીએ તો, જેવા સાથે તેવા. કદાચ આમાં જ સુબ્રમણ્યમ સ્વામીના કાયમી અસંતોષનું સુત્ર છુપાયેલું છે.

નોકરી મુદ્દે મોદીના મંત્રીએ આપેલા જવાબથી વિવાદ, પ્રિયંકા ગાંધીએ કર્યો પલટવાર