નશાના કારોબારીઓ ડ્રગ્સ સહિતના નશીલા પદાર્થોની હેરાફેરી માટે અલગ-અલગ મોરસઓપેન્ડિ વાપરતા હોય છે, આમતો નશીલા પદાર્થોની હેરાફેરી માટે મહિલા – પુરુષોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, પરંતુ પોલીસની બાજ નજર હોવાથી હવે વિદ્યાર્થીઓના ઉપયોગની નવી એમઓ સામે આવી છે, સુરતની પુણા પોલીસે રાજસ્થાનના 16 વર્ષના વિદ્યાર્થીની અફીણના જથ્થા સાથે ધરપકડ કરી છે.
વિદ્યાર્થી રાજસ્થાનથી બસમાં બેસી સુરત અફીણી ડિલિવરી કરવા માટે આવ્યો હતો જોકે શહેરની બહાર ઉતારવા ના બદલે વિદ્યાર્થી નિયર ચેકપોસ્ટ પાસે શહેર પોલીસના વિસ્તારમાં ઉતર્યો હતો. આ સમયે પેટ્રોલિંગ કરી રહેલી પોલીસને શંકા જતા વિદ્યાર્થીને અટકાવી તેની પૂછપરછ કરી હતી. પૂછપરછમાં વિદ્યાર્થીએ પોતાની પાસે નશીલો પદાર્થ હોવાની હકીકત છુપાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પોલીસે જ્યારે બેગ તપાસ્યું તો તેમાંથી નશાકારક વસ્તુ હોવાનું જાતા વિદ્યાર્થીને તે બાબતે પૂછ્યું હતું પોલીસની પૂછપરછમાં વિદ્યાર્થીએ રાજસ્થાનના એક શખ્સ દ્વારા અફીણનો જથ્થો સુરત ડીલીવરી કરવાનું હોવાનું જણાવ્યું હતું.
વિદ્યાર્થી પહેલીવાર જ અફીણની ડિલિવરી કરવા માટે આવ્યો હતો પૂછપરછમાં વિદ્યાર્થીનું એવું પણ કહેવું છે કે અત્યાર સુધી અન્ય કોઈ વ્યક્તિ અફીણ ડિલિવરી કરવા માટે આવતો હતો પરંતુ કોઇ કારણસર તે નહીં આવી શકતા મને મોકલવામાં આવ્યો હતો. હાલ પોલીસે વિદ્યાર્થીની ધરપકડ કરી અફીણનો 1.98 લાખનો જથ્થો જપ્ત કરી લીધો છે.
વિદ્યાર્થીને કોર્ટમાં રજૂ કરી પોલીસ રિમાન્ડ મેળવી આ નેટવર્કમાં સામેલ મુખ્ય આરોપી સુધી પહોચવાની તજવીજ કરી રહી છે. જોકે જે રીતે નશાના સોદાગરો દ્વારા વિદ્યાર્થીનો ઉપયોગ નશાની વસ્તુઓની ડિલિવરી કરવા માટે કરવામાં આવ્યો છે તે જરૂરથી ચિંતાનો વિષય છે જ પરંતુ પોલીસ માટે હવે આ નવી મોડસ ઓપરેન્ડી ચેલેન્જ સમાન પણ બની છે.