Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > દરિયાપુરમાં પોલીસ અને ટોરેન્ટની ટીમ પર પથ્થરમારામાં ટોળા વિરુદ્ધ ગુનો દાખલ

દરિયાપુરમાં પોલીસ અને ટોરેન્ટની ટીમ પર પથ્થરમારામાં ટોળા વિરુદ્ધ ગુનો દાખલ

0
2

અમદાવાદ: દરિયાપુરની નગીના પોળમાં ટોરેન્ટના કર્મચારીઓ પોલીસ કર્મીઓને સાથે રાખીને ગેરકાયદે વીજ જોડાણ કરનાર લોકોના વીજ કનેક્શન કાપવા માટે ગયા હતા ત્યારે સ્થાનિકોએ પોલીસ અને ટોરેન્ટના કર્મચારીઓ પર પથ્થર મારો કર્યો હતો. આ પથ્થર મારાના કારણે 3 પોલીસ કર્મીઓ અને 14 ટોરેન્ટના કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા હતા. ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો પોલીસનો કાફલો ઘટના સ્થળે આવી જતા સ્થાનિક નેતાને આજીજી કરી મામલો થાળે પાડવામાં આવ્યો હતો. આ અંગે દરિયાપુર પોલીસે પથ્થર મારો કરનાર ટોળાના વિરુદ્ધમાં ગુનો દાખલ કર્યો હતો.

ટોરેન્ટમાં વીજ ચોરીના અનેક બનાવો ચામે આવ્યા હોવાથી ટોરેન્ટના કર્મચારીઓ દ્વારા અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં વીજચોરી મામલે મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતુ. જેથી દરિયાપુર વિસ્તારમાં વીજ ચોરી અને ગેરકાયદે કનેક્શન લેનારા લોકોના કનેક્શન કાપવા માટે આ ટિમો નગીના પોળ અને તેની આસપાસના વિસ્તારમાં સર્ચ ઓપરેશન કર્યુ હતું. આ દરમિયાન સ્થાનિક લોકોનું ટોળુ ત્યાં આવ્યું હતુ અને અમારા કનેક્શન કાપી નાખો છો તેમ કહીને ટોળાએ પોલીસ અને ટોરેન્ટના અધિકારીઓ પર પથ્થર મારો કર્યો હતો.

પથ્થરમારો થતાં પોલીસ અને ટોરેન્ટના કર્મીઓને રીતસર ભાગવાનો વારો આવ્યો હતો. ટોળું ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા પોલીસે કંટ્રોલમાં મેસેજ કરી વધુ ફોર્સ માટે જાણ કરી હતી. જેના પગલે 10 પોલીસ સ્ટેશનના પીઆઈ, જેસીપી, ડીસીપી, બે એસીપી સહિતના અધિકારીઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. એટલું જ નહીં દરિયાપુરના સ્થાનિક નેતા અને આગેવાનોને આજીજી કરી પોલીસે મામલો થાળે પાડ્યો હતો. આ પથ્થર મારામાં 17 લોકોને ઈજાઓ થવા પામી હતી. જેમાં 3 પોલીસ કર્મીઓ અને 14 ટોરેન્ટના અધિકારીઓ હતા. તેમને સારવાર માટે હોસ્પિટલ મોકલી આપ્યા હતા. પથ્થરમારાના પગલે પરિસ્થિતિ વણસતા દિલ્હી ચકલાથી દરિયાપુર તરફ જવાનો રસ્તો પણ બંધ કરી દેવાનો વારો આવ્યો હતો.

સ્થાનિક પોલીસને સેન્સેટીવ વીસ્તારની ખબર હોવા છતા બંદોબસ્ત કેમ ઓછો ?

પોલીસ બેડામાં ચર્ચા ચાલી રહી છે કે, સ્થાનિક પીઆઈ બિનઅનુભવી હોવાના કારણે તેમણે વીજ ચોરીની તપાસનો મુદ્દો સરળ તાથી લીધો હતો. જેના કારણે ટોરેન્ટ પાવર ના કર્મચારીઓનો જીવ પણ જોખમમાં મુકાઈ ગયા હતા. આ ઓછો બંદોબસ્ત આપનાર અને નિષ્ક્રીયતા દાખવનાર પોલીસ અધિકારી સામે કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ ઉઠવા પામી છે.

પોલીસની કામગીરી પર અનેક પ્રશ્નો ઉપસ્થિત થયા

પોલીસ બંદોબસ્ત દરમિયાન પથ્થરમારો થતા પોલીસને ભાગવાનો વારો આવ્યો, આ જોઈ તોફાની તત્વોને વધુ પ્રોતસાહન મળ્યું હતુ અને પથ્થરમારાને વેગ મળ્યો હતો. વીજચોરી કરનાર શખ્સોને બચવા માટે સમય સાથે મોકળુ મેદાન મળ્યુ હતુ અને તેમને તેમના કનેક્શનો છુટા કરી લઈ પોતાનો બચાવ કરવાનો સમય મળ્યો હતો. સ્થાનિક પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ વચ્ચે વૈચ્ચારીક મતભેદ હોવાના કારણે ફરીયાદ કરવા અને આગળ એક્શન લેવા માટે કોઈ નિર્ણય ઝડપી લેવાયો ન હોવાની પોલિસ બેડામાં ચર્ચા હતી. જેના કારણે તોફાનીઓને પણ ભાગવાનો અને છુપાઈ જવાનો મોકો મળ્યો હતો. આમ, પોલીસની કામગીરી પર અનેક પ્રશ્નો ઉપસ્થિત થયા હતા.

જેસીપીના આદેશનું પાલન સ્થાનિક પોલીસ ન કરતી હોવાની ચર્ચા

પોલીસ સુત્રોથી મળતી માહીતી અનુસાર, પથ્થર મારાની ઘટના બાદ પોલીસ કમિશ્નર અને સેક્ટર 2 જોઈન્ટ કમિશ્નર ની લાંબી ચર્ચા ચાલી હતી. જેમાં ગેરકાયદે વીજ જોડાણ કરનારના વિરુદ્ધમાં હાલ કોઈ એક્શન લેવા કે કેમ તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જો કે પોલીસ બેડામાં એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે, સેન્સેટીવ વિસ્તાર હોવાના કારણે જેસીપીએ પીઆઈને તાકીદ કરી હતી તેમ છતા સ્થાનિક પોલીસે તેમની સુચનાને ગંભીરતાથી લીધુ ન હોવાના કારણે આ ઘટના બની હતી, એટલું જ નહીં જેસીપીના આદેશનું પાલન પણ સ્થાનિક પોલીસ ન કરતી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

સ્થાનિક પોલીસને મદદ મોડી પહોંચી હોવાની ચર્ચા

પથ્થર મારાની ઘટના બનતાની સાથે જ પોલીસ કર્મીઓ અને ટોરેન્ટ પાવરના કર્મચારીઓ ઘટના સ્થળેથી ભાગ્યા હતા બાદમાં કંટ્રોલમાં મેસેજ કરી પોલીસના વધુ કાફલાની જરૂર હોવાનું જણાવ્યું હતુ. જો કે પોલીસ બેડામાં એવી ચર્ચા ચાલી રહી છે કે, સ્થાનિક પોલીસ સ્ટેશન નજીક શાહીબાગ, એસીપી એફ ડીવીઝન, કાલુપુર પોલીસ સ્ટેશન અને ડીસીપી ઝોન 4ની કચેરી નજીક હોવાના છતા પણ સ્થાનિક પોલીસને મદદ મોડી પહોંચી હતી.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat