Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં વિરોધને પગલે પ્રવાસીઓનું “અતિથિ દેવો ભવ” રૂપે સ્વાગત થશે?

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં વિરોધને પગલે પ્રવાસીઓનું “અતિથિ દેવો ભવ” રૂપે સ્વાગત થશે?

0
1025

વિશાલ મિસ્ત્રી, રાજપીપળા: ગુજરાતના નર્મદા જિલ્લામાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કાર્ય ચાલુ થયું ત્યારથી લઈને પ્રતિમાનું લોકાર્પણ થયું ત્યાં સુધી ત્યાંના આદિવાસીઓએ આ પ્રોજેક્ટનો વિરોધ કર્યો છે. આદિવાસીઓનું એમ કેહવું છે કે, સરકાર અમારી પાસેથી “થાળી લે છે અને એની સામે વાડકી આપે” એ કેટલે અંશે વ્યાજબી કહેવાય. સરદાર સરોવર ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેકટના અસરગ્રસ્તોનો વિરોધ કેટલો વ્યાજબી છે એ તો નિષ્પક્ષ તપાસ થાય ત્યારે જ ખ્યાલ આવે. એક તરફ સરકાર નર્મદા જિલ્લાને વિશ્વ કક્ષાનું પ્રવાસન સ્થળ વિકસાવવા માંગે છે તો બીજી બાજુ આદિવાસીઓનો વિરોધ પણ એટલો જ વધુ થયો છે. પેહલા જમીનના વળતર બાબતે આંદોલન કરી રહ્યા હતા તો હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસન સત્તા મંડળ રદ કરવા આદિવાસીઓ આંદોલન કરી રહ્યા છે. આ વિસ્તારના આદિવાસીઓ એક જ જીદ પકડીને બેઠા છે એક તો એમને એમની જમીન પાછી જોઈએ છે અને બીજી એ કે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસન સતા મંડળ કાયદો રદ કરો.

નર્મદા જિલ્લામાં વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા બની અને સરકાર કેવડિયાને વિશ્વનું સૌથી વિકસિત અને મોટું પ્રવાસન સ્થળ બનાવવા કરોડો રૂપિયા ખર્ચી રહ્યા છે. પરંતુ સ્થાનિકોને આમા સંતોષ નથી તો વિકાસનો કોઈ મતલબ ખરો. સરકાર જો સ્થાનિક આદિવાસીઓને ખુશ રાખે તો આદિવાસીઓ પણ સરકારને વિકાસ કરવામાં સહભાગી બને એમ છે. અહીંયા આવનાર પ્રવાસીઓને સ્થાનિકોનો એટલો આવકાર પણ મળશે અને પ્રવાસીઓને વારંવાર આવવાનું મન પણ થશે. સરકારે જે 6 ગામના જમીન સંપાદન માટે જે પેકેજ નક્કી કર્યું છે એમાં આદિવાસીઓને શુ તૃટી લાગે છે એ બાબતે વિચાર વિમર્શ કરે અને સ્થાનિકોની વાતને માની નિયમ મુજબ જે જરૂરી છે એમ કરવાનો પ્રયાસ કરે અને એમની ઈચ્છા મુજબનું પેકેજ નક્કી કરે તો આ વિસ્તારના વિકાસની ટ્રેન ઝડપથી કોઈ પણ રોક-ટોક કે ઘર્ષણ વગર દોડશે એમાં કોઈ શંકાને સ્થાન નથી. કેવડિયા કોલોની સહીત છ ગામોની જમીનો સરકારને વિકાસ માટે જોઈએ છે. જયારે સ્થાનિકો કોઈ પણ સંજોગોમાં પોતાની જમીન છોડવા માંગતા નથી. આવનારા સમયમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાશે તો એવા સમયે જો ફરીથી આંદોલન ચાલુ થયું તો વિકટ પરિસ્થિતિ પેદા થઈ શકે એમ છે, ત્યારે પ્રવાસીઓની સુરક્ષાનું શુ? સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં વિરોધને પગલે પ્રવાસીઓનું “અતિથિ દેવો ભવ” રૂપે સ્વાગત થાય એ માટે સરકારે સમાધાનકારી ફોર્મ્યુલા શોધવો પડશે એ હવે જરૂરી બન્યું છે.

એ વિસ્તારના કોઈ પણ ગ્રામજનોને ઘરની બહાર કાઢવામાં નહિ આવે: નિકુંજ પરીખ (વહીવટદાર, ડે. કલેક્ટર નર્મદા નિગમ)

આ મામલે વહીવટદાર, ડે. કલેક્ટર નર્મદા નિગમ નિકુંજ પરીખે જણાવ્યું હતું કે, 6 ગામના પ્રશ્ન મુદ્દે સરકારે જે પેકેજ નક્કી કર્યું છે જેમાં સ્થાનિકોને કોઈ સુધારો હોય કે વાંધો હોય તો નર્મદા નિગમની કચેરીમાં નોંધાવી શકે છે અને એ બાબતે સરકાર અંતે નિર્ણય લેશે. હાલ જે ફેન્સીંગની કામગીરી કરવામાં આવી છે એ નર્મદા નિગમ દ્વારા સંપાદિત જમીનને ફેન્સીંગ કરવામાં આવી છે. બાકી ગ્રામજનોની જમીનો કે ઘરને એમાં લેવામાં આવશે નહિ અને કોઈને ગામમાંથી કાઢી મુકવામાં પણ આવશે નહિ.

પીએમ મોદીની કેવડીયાની એક વિઝીટ માટે કરોડો રૂપિયા ખર્ચ થાય છે એ ખર્ચ અમારી પાછળ કરો: ગોવિંદ તડવી (કેવડિયા સ્થાનિક આગેવાન)

ગોવિંદ તડવીએ જણાવ્યું હતું કે, ઘણા વર્ષોથી સરકાર એક જ પેકેજ બતાવે છે અને એટલે અમે વિરોધ કરીએ છે. અમારી કરોડોના મૂલ્યની જમીનો લઇ સરકાર અમને 7.5 લાખ રૂપિયા આપવાની વાત કરે છે. હાલ અમારી જે જમીનો છે એ અમારી પાસે રહે એવી અમારી ઈચ્છા છે. પેકેજમાં સુધારો કરવાની કોઈ જરૂર નથી અમારે એ પેકેજ જોઈતું પણ નથી. અમારા વડીલો પાર્જિત જમીનોમાં અમારો પરિવાર રહે અમે અમારા ગામમાં રહી અમારી જ જમીનોમાં ખેતી કરીએ ધંધો રોજગાર કરીએ જીવન ગુજારીએ એટલી અમારી ઈચ્છા છે, બસ અમને શાંતિથી રહેવા દો. પીએમ નરેન્દ્ર મોદી એકવાર કેવડિયા આવે એમા કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે, બસ એ એક જ વિઝીટનો ખર્ચ અમારી પાછળ કરો તો પણ ઘણું છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિકાસ સત્તામંડળ રદ નહિ થાય ત્યાં સુધી કોઈ સમાધાન નહિ: ડો.પ્રફુલ્લ વસાવા

આદિવાસી આગેવાન ડો.પ્રફુલ્લ વસાવાએ જણાવ્યું હતું કે, જ્યાં સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન સત્તામંડળ દુર નહિ થાય ત્યાં સુધી સરકાર સાથે કોઈ સમાધાન નહિ થાય. આંદોલન હવે દરેક ગામ, તાલુકા, જિલ્લા લેવલ પર ચાલું થશે. આદિવાસી સંગઠનો કાનુની અને જમીની બન્ને લડત માટે તૈયાર છે. આદિવાસીઓના હક અધિકારની કાયદાકિય લડત હવે માત્ર આદિવાસીઓ જ લડશે પરંતુ અન્ય નિષ્ણાતોના માર્ગદર્શન લેવામાં આવશે. ગુજરાત સરકારે તમામ આદિવાસીઓની જમીનો ખેડુતોને પરત કરવી પડશે. કેવડિયા વિસ્તારમાં મોટાભાગનું ફેનસિંગનું કામ પૂરું કરી દીધું છે એટલે કામ બંધ કર્યું છે. ન્યાય અને પરિણામ હજુ બાકી છે. આદિવાસીઓ શાંત પડે એટલે ગુજરાત સરકાર પાછું કામ ચાલુ કરાવશે. એટલા માટે કેવડિયા વિસ્તારની મુળ સમસ્યાઓનું નિરાકરણ નહિ આવે ત્યાં સુધી લડત ચાલું રહશે.

કોરોના વાયરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથીતેવામાં દેશ-દુનિયાના અને ખાસ કરીને ગુજરાતના સમાચારો માટે તમે ગુજરાત એક્સક્લૂઝિવના ફેસબુક પેજને લાઈક કરી શકો છો અથવા વોટ્સએપ-ટેલિગ્રામ અને ટ્વિટર પર અમારા સાથે જોડાઇ શકો છો.

શિક્ષણ વિભાગે પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ આપવા બાબતે લીધો મહત્વપુર્ણ નિર્ણય