Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > સ્ટેચ્યુ ઓફ યુનિટી રેલ્વે પ્રોજેકટમાં મસમોટા ‘માટીચોરી’ કૌભાંડની ગંધ

સ્ટેચ્યુ ઓફ યુનિટી રેલ્વે પ્રોજેકટમાં મસમોટા ‘માટીચોરી’ કૌભાંડની ગંધ

0
866

વિશાલ મિસ્ત્રી રાજપીપળા: નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું જ્યારથી લોકાર્પણ થયું ત્યારથી લઈને અત્યાર સુધી એ વિસ્તારમાં વિવાદો ચાલી રહ્યાં છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં પ્રવાસીઓને આકર્ષવા માટે સરકાર દ્વારા ત્યાં અન્ય પ્રોજેક્ટોનું નિર્માણ કાર્ય હાથ ધરાયુ છે તો અમુક પ્રોજેક્ટો તો પૂર્ણ પણ થઈ ચૂક્યા છે. જેનું નિર્માણ કાર્ય ચાલુ છે અને જેનું નિર્માણ કાર્ય પૂરું થયું છે એ તમામ પ્રોજેકટમાં મસ મોટો ભ્રષ્ટાચાર આચારાયો હોવાની બુમો ઉઠી છે. હવે એ મામલે જો તટસ્થ તપાસ થાય તો જ ખ્યાલ આવે બાકી અધિકારીઓ આંખે પાટા બાંધી બેસી રહેશે તો ભ્રષ્ટાચાર ઘટવાની જગ્યાએ વધશે જ એમાં કોઈ મનમેખ નથી.

આ પણ વાંચોઃ હત્યાને આત્મહત્યામાં ખપાવવા પતિએ પત્નીનો મૃતદેહ લટકાવ્યો, પોલીસે કર્યો પર્દાફાશ

હાલમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના કેવડીયામાં વિશ્વકક્ષાનું રેલ્વે મથક બની રહ્યું છે, એ પ્રોજેકટમાં માટી ચોરી કૌભાંડનો આક્ષેપ નર્મદા જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન બહાદુર વસાવાએ લગાવતા ખળભળાટ મચ્યો છે.

નર્મદા જિલ્લા કલેકટરને કરેલી ફરિયાદમાં એમણે જણાવ્યું છે કે તિલકવાડાથી રેલ્વે લાઈન જઈ રહી છે ત્યાં ખાણ ખનીજ વિભાગની મંજૂરી લીધા વિના માટી ચોરેલી માટી વપરાઈ રહી છે. તિલકવાડા તાલુકાના એક શો-રૂમ સામેથી ગેરકાયદેસર રીતે માટી ઉલેચાઈ રહી છે. આ બાબતે ખાણ ખનીજ વિભાગ પૂર્વ કલેકટર નિનામાં જેવું વલણ ન દાખવી તપાસ કરે એવી માંગણી કરાઈ છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે નર્મદા જિલ્લામાં અગાઉ પણ કેવડીયામાં બની રહેલું આદિવાસી મ્યુઝિયમ માંથી મોટી માત્રામાં માટી ચોરી થઈ હતી. જે તે વખતે આ મામલો ઘણો ગરમાયો હતો. પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાઈ હતી, જિલ્લાનાં જ એક ઉચ્ચ અધિકારીની આ માટી ચોરી કૌભાંડમાં સંડોવણી હોવાની આશંકાએ ખળભળાટ મચ્યો હતો.

એ ફરિયાદ થયે પણ ઘણો સમય વિતી ગયો પણ એનો નિવેડો આવ્યો કે નહીં એ પ્રશ્ન હાલ લોકોમાં ચર્ચાઈ રહ્યો છે. હવે ફરી પાછું એક નવું માટી કૌભાંડ હોવાની ગંધ આવી રહી છે. ત્યારે તંત્ર આ બાબતે યોગ્ય તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરે એવી જીલ્લા વાસીઓમાં માંગ ઉઠી છે.

આ પણ વાંચોઃ રાજપીપળા પાલિકામાં કરાર આધારિતની ભરતી શરૂ થતા પહેલાં જ વિવાદ