Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > સ્ટેચ્યુ ઓફ યુનિટી વિરુદ્ધ લડત લડતા ડો.પ્રફુલ્લ વસાવા પોલીસના સકંજામાં

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિરુદ્ધ લડત લડતા ડો.પ્રફુલ્લ વસાવા પોલીસના સકંજામાં

0
552

વિશાલ મિસ્ત્રી, રાજપીપળા: સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity) ના લોકાર્પણ બાદ સરકાર દ્વારા એ વિસ્તારના વિકાસ માટે પ્રવાસન વિધેયક 2019 વિધાનસભામાં પાસ કરવામાં આવ્યો હતો. ગુજરાત સરકારે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ વિધેયક અંતર્ગત એ વિસ્તારના 14 ગામોને આવરી લેવામાં આવ્યા હતા, કાયદાની આંટી ઘૂંટીને લીધે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ વિધેયકનો આદીવાસી આગેવાન ડો.પ્રફુલ્લ વસાવા (Dr. Prafull Vasava)ની આગેવાનીમાં 14 ગામના મોટે ભાગના આદિવાસીઓ વિરોધ કરી રહ્યા હતા. કેવડિયા વિસ્તારમાં કોઈ પણ સરકારી કાર્યક્રમ હોય ત્યારે 14 ગામના આદિવાસી આગેવાનો આંદોલન કરતા હતા દરમિયાન પોલીસ સાથે ઘર્ષણના બનાવો પણ બનતા હતા.

અગામી 31મી ઓક્ટોબર 2020ના રોજ PM મોદીની ઉપસ્થિતિમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity) ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થવાની છે. કેવડિયા બચાવો આંદોલન સમિતિએ ડો.પ્રફુલ્લ વસાવા (Dr. Prafull Vasava)ની આગેવાનીમાં PM મોદીના એ કાર્યક્રમનો વિરોધ નોંધાવી 30-31 ઓક્ટોબરે કેવડિયા બંધનું એલાન આપતા તંત્રમાં ખળભળાટ મચ્યો છે. જો કે PM મોદીના કાર્યક્રમ પેહલા જ કેવડિયા બચાવો આંદોલન સમિતિના મુખ્ય આગેવાન ડો.પ્રફુલ્લ વસાવા (Dr. Prafull Vasava) પર પોલીસ સાથે માથાકૂટ કરવા બદલ અને ધમકી આપવાના આરોપસર રાજપીપળા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

આ પણ વાંચો: અમદાવાદમાં ચોકલેટ લેવા ગયેલી 8 વર્ષની બાળકી ના ગાલ પર દુકાનદારે બચકું ભર્યું

રાજપીપળાના વડીયા વિસ્તારમાં બાઈક ચોરીના વધતા બનાવની તપાસ કરવા પોલિસ જલારામ ટાઉન શિપમાં ગઈ હતી, દરમિયાન ડો.પ્રફુલ્લ વસાવા (Dr. Prafull Vasava)એ પોલીસ સાથે ઉગ્ર ભાષામાં વાત કરી પોલીસને ધમકી આપી હોવાનું પોલિસ ચોપડે નોંધાયું છે. અગાઉ નર્મદા LCBએ ફોન પર ધમકી આપી હોવાની ડો.પ્રફુલ્લ વસાવાએ એક લેખિત રજુઆત જિલ્લા પોલીસ વડાને કરી હતી. એ રજુઆત પાછી ખેંચવા નર્મદા પોલિસના દબાણના એક ભાગ રૂપે મારી પર આ ખોટી ફરિયાદ કરાઈ હોવાનું ડો.પ્રફુલ્લ વસાવા (Dr. Prafull Vasava)એ જણાવ્યું હતું.

અગાઉની વાત કરીએ તો કેવડિયા ખાતે 2 દિવસ PM મોદી રોકાયા હતા, એ 2 દિવસો દરમિયાન આદિવાસીઓએ કેવડિયામાં સંપૂર્ણ બંધ પાળી પોતાનો વિરોધ નોંધાવતા આ ઘટનાની નોંધ PMO કક્ષાએ લેવાઈ હતી. આ વખતના કાર્યક્રમમાં ભૂતકાળની ઘટનાનું પુનરાવર્તન ન થાય એ માટે અગાઉથી જ નર્મદા પોલીસ સક્રિય બની છે, મોદીના કાર્યક્રમના સંભવિત વિરોધીઓ પર નર્મદા પોલીસ બાજ નજર રાખી રહી છે.