Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > જાત મેહનત જીંદાબાદ: આખરે ગ્રામજનોએ કંટાળી તૂટેલા વીજ વાયરોનું સમારકામ કર્યું

જાત મેહનત જીંદાબાદ: આખરે ગ્રામજનોએ કંટાળી તૂટેલા વીજ વાયરોનું સમારકામ કર્યું

0
268
  • કોઝ-વે પર પાણી ફરી વળતા અંતરિયાળ વિસ્તારના ગામો સંપર્ક વિહોણા
  • સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીકના જુનારાજ ગ્રામજનોએ જાતમહેનતથી લાઇટો ચાલુ કરી
  • ગુજરાતમાં અત્યાર સુધી સિઝનનો સરેરાશ 80 ટકા વરસાદ


વિશાલ મિસ્ત્રી રાજપીપળા:
ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી મુશળધાર વરસાદ પડી રહ્યો છે. ધોધમાર વરસાદને પગલે નદી, નાળાંઓ છલકાયા છે તો બીજી બાજુ અંતરિયાળ વિસ્તારના ગામોને જોડતા કોઝ-વે પર પાણી ફરી વળતા ઘણા ગામો સંપર્ક વિહોણા બન્યાં છે. બીજી બાજુ વાવાઝોડાં સાથે ભારે વરસાદને પગલે અમુક ગામોમાં ઘણા દિવસોથી લાઈટો ડુલ થઈ હોવાના કિસ્સાઓ પણ સામે આવ્યાં છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીકના જુનારાજ ગામ (Junaraj Village) માં વડીલો અને યુવાનોએ જીવનાં જોખમે ઉખડી પડેલા વીજ થાંભલા જાતે ઉભા કર્યા અને ઝાડવાંઓને દૂર કરી તૂટી ગયેલા વાયરોનું જાતે જ સમારકામ કર્યું હતું.

સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીકના જુનારાજ ગામમાં પણ વાવાઝોડાં સાથેના ભારે વરસાદને લીધે મોટા મોટા વૃક્ષો, વીજ પોલ અને વીજ વાયરો તૂટી પડ્યા હતાં. છેલ્લાં 5-6 દિવસથી ગામમા લાઈટો ન હોવાથી લોકોને ઘણી હાલાંકી વેઠવાનો વારો આવ્યો હતો. ડુંગર અને જંગલ વિસ્તાર હોવાથી લાઈટો વિના રાત્રી દરમિયાન ઝેરી સરીસૃપો અને જંગલી પ્રાણીઓનો ખતરો લોકોને સતાવી રહ્યો હતો.

આ પણ વાંચોઃ Corona Update: ગુજરાતમાં કોરોનાના 1033 નવા કેસ, વધુ 15ના મોત

અંતે કંટાળી ગ્રામજનોએ પોતે જ વીજ સમસ્યા હલ કરવાનું નક્કી કર્યું. જુનારાજ ગામ (Junaraj Village) માં 6 દિવસથી લાઈટ ન હોવાના કારણે કંટાળીને ગામના વડીલો અને યુવાનો દ્વારા જોખમ ખેડી અને ઉખડી પડેલા વીજ થાંભલા જાતે ઉભા કર્યા, ઝાડવાને દૂર કરી તૂટી ગયેલા વાયરોનું જાતે જ સમારકામ કર્યું. વરસાદ જેવો બંધ થાય કે તુરંત તેઓ આ કામગીરી ચાલુ કરી દેતા હતાં. ગ્રામજનોના સાહસ અને 2-3 દિવસની મેહનત બાદ 6 દિવસે ગામમાં લાઈટો આવી હતી.

જુનારાજ ગામના લોકો જણાવે છે કે, “જો અમે આ ફરિયાદ વીજ કંપનીને કરી હોત તો કર્મચારીઓ વરસાદનું અથવા ખરાબ રસ્તાનું બહાનું કાઢતા, જેથી અમે અત્યારે પણ લાઈટો વગર રહ્યાં હોત. એ જ કારણોસર અમે જાતે જ અમારી સમસ્યાઓનું નિવારણ કરવા નક્કી કર્યું. અમે જાતે જોખમ ઉઠાવી સમારકામ કર્યું જેથી ગામમાં વહેલી લાઈટો આવી શકી છે. અગાઉ ઘણી વાર આવી સમસ્યાઓ ઉભી થઈ હતી. પરંતુ અમે ફરિયાદ કરીએ તો લાંબા સમયે અમારી સમસ્યાનું નિવારણ આવતું હતું.”

ઉલ્લેખનીય છે કે હાલમાં છેલ્લાં કેટલાંય દિવસોથી સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે. ગુજરાતમાં અત્યાર સુધી સિઝનનો સરેરાશ 80 ટકા વરસાદનો રેકોર્ડ સર્જાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ કચ્છ ઝોનમાં 132.5 ટકા નોંધાયો છે. જ્યારે સૌથી ઓછો વરસાદ ઉત્તર ગુજરાત ઝોનમાં 56.41 ટકા નોંધાયો છે.

આ પણ વાંચોઃ બારે મેઘ ખાંગા : દેશમાં મુશળધાર વરસાદથી હાહાકાર, 81 લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત