Gujarat Exclusive > ગુજરાત > ઉત્તર ગુજરાત > મહેસાણાનું પાણી પીધેલો અસલ પાટીદાર છું, એમ કોઇ મને કાઢી શકે તેમ નથી: નીતિન પટેલ

મહેસાણાનું પાણી પીધેલો અસલ પાટીદાર છું, એમ કોઇ મને કાઢી શકે તેમ નથી: નીતિન પટેલ

0
161

ભાજપની બેઠક પૂર્ણ થતા જ ગુજરાતના કાર્યકારી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મહેસાણા પહોંચ્યા હતા. તેઓએ 62 કરોડના ખર્ચે બનેલા મહેસાણા- રાધનપુર રોડથી મોઢેરા રોડને જોડતા કમળ પથનું લોકાર્પણ કર્યું હતું. ત્યાર બાદ જાહેર સભા સંબોધી હતી. નીતિન પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું કે, મને કોઇ કાઢી શકે તેમ નથી. જ્યાં સુધી હું લાખો લોકોનાં હૃદયમાં છું ત્યા સુધી મને કોઇ કાઢી શકે તેમ નથી. મેં મહેસાણાનું પાણી પીધેલો અસલ પાટીદાર છું, એમ કોઇ મને કાઢી શકે તેમ નથી.

નીતિન પટેલે જણાવ્યું કે, 30 વર્ષથી હું ભાજપ સાથે સંકળાયેલો છું. અનેક ચડતી પડતી મે જોઇ છે. નવનિર્માણ આંદોલન હોય કે કોંગ્રેસની સરકારનો સમય ખુબ ડંડા ખાધા છે. મે અનેક સરકારો આવતી અને જતી જોઇ છે. હું પક્ષનો એક નાનકડો અદનો કાર્યકર્તા છું અને રહીશ. કોઇનાં કંઇ કહેવાથી હું જતો નથી રહેવાનો. આજે હું જે કાંઇ પણ છું તે મહેસાણા અને કડીના કારણે છું. તેથી આ જનતાના હૃદયમાં છું ત્યાં સુધી મને કોઇ હલાવી શકે તેમ નથી.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નીતિન પટેલનું નામ ચર્ચામાં રહ્યુ હતું.જોકે, નીતિન પટેલની જગ્યાએ અમદાવાદના ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. સુત્રો પાસેથી જાણવા મળતી માહિતી નીતિન પટેલને મંત્રી મંડળમાંથી પડતા મુકી ઉત્તરાખંડના રાજ્યપાલ બનાવવામાં આવે તેવી શક્યતા છે. ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં સાંજે 6 વાગ્યે રાજ્યપાલને મળવા જશે, સરકાર રચવાનો દાવો કરશે.

ભાજપે ફરી એક વખત ચોકાવ્યા

ભારતીય જનતા પાર્ટીએ કોઇ રાજ્યના મુખ્યમંત્રીને લઇને ફરી એક વખત ચોકાવ્યા છે. કોઇ પણ દૂર દૂર સુધી ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવવાની ચર્ચા કરતુ નહતું પરંતુ ધારાસભ્ય દળની બેઠકમાં જે નિર્ણય લેવામાં આવ્યો અને પછી મુખ્યમંત્રીની જાહેરાત કરવામાં આવી તેનાથી રાજકીય પંડિતો ચોકી ગયા હતા.

આ નામને લઇને પણ ચાલતી હતી ચર્ચા

ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે નીતિન પટેલ, સીઆર પાટિલ અને આરસી ફળદુનું નામ સૌથી આગળ ચાલતુ હતુ. મુખ્યમંત્રીની રેસમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને પરષોત્તમ રૂપાલાનું નામ પણ ચર્ચામાં હતું.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat