Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ધો. 12 રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાઓ બુધવારે પુર્ણ થઈ

ધો. 12 રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાઓ બુધવારે પુર્ણ થઈ

0
67
  • બોર્ડ અને વિદ્યાર્થીઓ દ્વારા રાહતનો શ્વાસ લીધો

  • બોર્ડ દ્વારા હવે ઉત્તરવહી મુલ્યાંકન માટેની કામગીરી ઝડપી બનાવી

ગાંધીનગર: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 15 જુલાઈથી શરૂ કરવામાં આવેલી ધોરણ-10 અને 12ની રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાઓ બુધવારે સત્તાવાર રીતે પુર્ણ થઈ છે. તેની સાથે આજે ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં તત્વજ્ઞાન અને દ્વીતીય ભાષાના પેપર સાથે તમામ પરીક્ષાઓ પુર્ણ થઈ છે. આ સાથે જ બોર્ડ અને વિદ્યાર્થીઓ દ્વારા રાહતનો શ્વાસ લેવામાં આવ્યો છે. બોર્ડ દ્વારા પરીક્ષા પુર્ણ થતાં હવે ઉત્તરવહી મુલ્યાંકન માટેની કામગીરી ઝડપી બનાવી છે.

રાજ્યમાં દરવર્ષની જેમ આ વખતે પણ માર્ચ-2021માં બોર્ડની પરીક્ષા લેવાનું આયોજન કરાયું હતું. જોકે, માર્ચના આગમન સાથે જ કોરોનાના કેસોમાં ભયંકર વધારો થતાં સરકારે બોર્ડની પરીક્ષા નિયમિત વિદ્યાર્થીઓ માટે રદ કરવાની જાહેરાત કરી હતી. જ્યારે રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા કોરોનાની સ્થિતિ કાબુમાં આવ્યા બાદ લેવામાં આવશે તેવી જાહેરાત કરાઈ હતી. જેથી બોર્ડ દ્વારા કોરોનાના કેસો કાબુમાં આવ્યા બાદ 15 જુલાઈથી બોર્ડના ધોરણ-10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાની જાહેરાત કરી હતી.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10, ધોરણ-12 સામાન્ય પ્રવાહ અને ધોરણ-12 સાયન્સના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાનો નિર્ણય લીધો હતો. જે મુજબ સમગ્ર રાજ્યમાંથી આ પરીક્ષા માટે 5.52 લાખ જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાં ધોરણ-10ના કુલ 378431 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાં ખાનગી રિપીટર 15090, આઈસોલેટેડ 52090 અને રિપીટર 3 લાખ જેટલા વિદ્યાર્થીઓ હતા. તે જ રીતે ધોરણ-12 સાયન્સમાં 32703 વિદ્યાર્થીઓ પરીક્ષામાં નોંધાયા હતા. ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં પણ 141301 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાં રિપીટર 72424, ખાનગી રિપીટર 24966 નોંધાયા હતા.

15 જુલાઈથી રાજ્યમાં બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયા બાદ સરળ પેપરો સાથે વિદ્યાર્થીઓને ભારે રાહત રહી હતી. બોર્ડની પરીક્ષામાં સૌપ્રથમ 26 જુલાઈના રોજ ધોરણ-12 સાયન્સના તમામ પેપરો પુર્ણ થયા હતા. ત્યારબાદ 27 જુલાઈના રોજ ધોરણ-10માં તમામ પેપરો પુર્ણ થતાં ધોરણ-10ની પરીક્ષા સત્તાવાર રીતે પુર્ણ થઈ હતી. જ્યારે 28 જુલાઈના રોજ ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં બુધવારના રોજ સવારના સેશનમાં તત્વજ્ઞાનની પરીક્ષા લેવામાં આવી હતી. આ પેપર ખુબ જ સરળ રહેતા વિદ્યાર્થીઓએ રાહત અનુભવી હતી.

જ્યારે બપોરના સેશનમાં ગુજરાતી દ્વીતીય ભાષા અને અંગ્રેજી દ્વીતીય ભાષાની પરીક્ષા લેવામાં આવી હતી. આમ, ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં પણ બુધવારના રોજ અંતિમ પેપરો પુર્ણ થતાં બોર્ડની રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાનો સત્તાવાર રીતે અંત આવ્યો છે. હવે બોર્ડ દ્વારા વહેલાસર પરિણામ જાહેર કરવા માટેની કામગીરી શરૂ કરી હોવાનું જાણવા મળે છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat