શું તમે તમારા જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા માંગો છો? અથવા કોઈ વિશેષ કાર્યને સફળતા પૂર્વક પાર પાડવા માંગો છો? તો તમારે વિજયા એકાદશી (અગિયારસ)નું વ્રત કરવું જોઈએ. વિજયા એકાદશીનું વ્રત ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની અગિયારસની તિથિએ આવે છે. આ વર્ષે તે આજના દિવસે છે. આજે વ્રત રાખીને ભગવાન વિષ્ણુની આરાધના કરવાથી તમને ધાર્યા પરિણામો પ્રાપ્ત થાય છે.
વિજયા એકાદશીના વ્રતનું મહત્વ એ વાતથી પણ સમજી શકો છો કે, ભગવાન શ્રીરામે પણ લંકા પર વિજય પ્રાપ્તિ માટે વિજયા એકાદશીનું વ્રત રાખ્યું હતું અને સંપૂર્ણ વિધિ વિધાન પૂર્વક પૂજા પણ કરી હતી.
વિજયા એકાદશીની વ્રત કથા
એક વખત ધર્મરાજ યુધિષ્ઠિરે ભગવાન શ્રીકૃષ્ણ પાસે વિજયા એકાદશી વ્રતનું મહત્વ જાણવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તે સમયે શ્રીકૃષ્ણએ તેમને જણાવ્યું કે, સૌ પ્રથમ દેવર્ષિ નારદજીએ બ્રહ્માજી પાસેથી ફાગણ મહિનાના કૃષ્ણ એકાદશી વ્રત અને તેની કશા વિશે જણાવ્યું હતું. ભગવાન શ્રીકૃષ્ણએ જણાવ્યું હતું કે, ત્રેતા યુગમાં જ્યારે રાવણે માતા સીતાનું હરણ કર્યું, ત્યારે ભગવાન શ્રીરામ સુગ્રીવની વાનર સેના સાથે લંકા પર ચઢાઈ કરવા માટે સમુદ્ર તટે પહોંચ્યા. લંકા પર ચઢાઈ કરવામાં વિશાળ દરિયો અડચણ રૂપ હતો. તેમને કોઈ રસ્તો નહતો સુઝતો. આ સમયે તેમણે સમુદ્ર પાસે લંકા જવાનો માર્ગ માંગ્યો, પરંતુ દરિયાએ આપવાની ના પાડી. આથી તેમણે ઋષિ-મુનિઓ પાસે તેનો ઉપાય પૂછ્યો. આ સમયે તેમણે જણાવ્યું કે, તમે વાનર સેના સાથે ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશીનું વિજયા એકાદશીનું વ્રત કરો. તેમણે વધુમાં જણાવ્યું કે, કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા વ્રત અને અનુષ્ઠાન કરવાની પરંપરા છે, તેનાથી કાર્યમાં સફળતા મળે છે. તમારે પણ આમ જ કરવું જોઈએ.
જણાવી દઈએ કે, એકાદશી કે અગિયારસના વ્રતનો સબંધ ભગવાન વિષ્ણુ સાથે છે. એવું કહેવાય છે કે, આ વ્રત રાખવાથી તમામ મનોકામના પૂર્ણ થઈ જાય છે. પુરાણોમાં પણ કહેવામાં આવ્યું છે કે, ભગવાન વિષ્ણુ પોતાના ભક્તોને તેમની ઈચ્છા અનુસાર વરદાન આપવા માટે એકાદશીની તિથિને પવિત્ર માને છે. કોઈ પણ ભક્ત જો સંપૂર્ણ વિધિ-વિધાન પૂર્વક અગિયારસનું વ્રત કરે તો તેની તમામ મનોકામના પૂર્ણ થઈ જાય છે.
પાકિસ્તાનમાં આવેલું આ મહાદેવનું મંદિર છે ખાસ, અહીં સતીના યાદમાં શિવે વહાવ્યા હતા આંસુ